નખશિખ રંગકર્મી કૌસ્તુભ ત્રિવેદીની અણધારી એક્ઝિટ

મુંબઈઃ ગુજરાતી રંગમંચના દિગ્ગજ નિર્માતા અને પ્રસ્તુતકર્તા કૌસ્તુભ ત્રિવેદીનું મંગળવારે નિધન થયું છે. તેમના અવસાનના સમાચારથી ગુજરાતી ફિલ્મ-નાટકજગતમાં શોકનો માહોલ છે. તેઓ અનેક પ્રખ્યાત નાટકોનું નિર્માણ કરી ચૂક્યા છે. તેમણે રામાનંદ સાગરની રામાયણમાં કેવટનો રોલ પણ નિભાવ્યો હતો.
લગે રહો ગુજ્જુભાઈ, બાએ મારી બાઉન્ડ્રી, બાબો આવ્યો કુરિયરમાં સહિતના સુપરહીટ નાટકો બનાવનાર કૌસ્તુભ ત્રિવેદીનું અચાનક અવસાન થતા ગુજરાતી રંગમંચ શોકાતુર બન્યું છે. કૌસ્તુભ ત્રિવેદી નિર્માતા હતા અને તેમણે 40 વર્ષની કારકિર્દીમાં 200થી વધુ નાટકો અને ચાર ગુજરાતી ફિલ્મો બનાવી હતી.

ગુજરાતી રંગભૂમિએ આજે એક ધુરંધર નાટ્યકાર ગુમાવ્યો છે. જેમને થિયેટર ડ્રામા પસંદ છે, તેમને કૌસ્તુભ ત્રિવેદીનો પરિચય આપવાની જરૂર નથી. 69 વર્ષીય કૌસ્તુભ ત્રિવેદી થોડા મહિનાઓથી બીમાર હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા એક અઠવાડિયાથી તેઓ વધારે અસ્વસ્થ હતા અને મંગળવારે તેમનું નિધન થયાના સમાચાર આવ્યા હતા. ઈડરની બાજુમાં આવેલા કુકડીયા ગામના વતની કૌસ્તુભ ત્રિવેદીના બન્ને કાકા અરવિંદ ત્રિવેદી અને ઉપેન્દ્ર ત્રિવેદી સુવિખ્યાત કલાકારો હતા.
પરેશ રાવલથી માંડી ટિકુ તલસાણિયા, સંજય ગોરડીયા, સિદ્ધાર્થી રાંદેરીયા, કાંતિ મડિયા, કમલેશ મોતા, વિપુલ મહેતા જેવા તમામ મોટા કલાકારો-દિગ્દર્શકો સાથે તેમણે કામ કરેલું છે. તો નિર્માતા તરીકે રાજેન્દ્ર બુટાલા, કિરણ સંપટ, સંજય ગોરડીયા વગેરે સાથે અનેક નાટકોનું નિર્માણ પણ કર્યું છે.
અભિનેતા તરીકે કારકિર્દીની શરૂઆત કર્યા બાદ તેમણે પહેલું નાટક ગિરિશ દેસાઈ-ભાઉસાહેબનું પર સ્ત્રીજેને માત રે કર્યું હતું. ત્યારબાદ જાણાતી લેખક દામુ સાંગાણી લિખિત નાટક રમકડા વર પરથી બનેલું સસરો વેચવો છે આવ્યું, જેમાં તેઓ મુખ્ય ભૂમિકામાં હતા. તેમની સાથે કલ્પના દિવાન જેવા દિગ્ગજ અભિનેત્રી હતા. તેમણે જૂની રંગભૂમિના નાટકમાં કામ કર્યું હતું. નાટકનું નામ હતું સળગતો સંસાર અને દિગ્દર્શક જૂની રંગભૂમિના જાણીતા લેખક પ્રભુલાલ ત્રિવેદીના પુત્ર વિનયકાન્ત ત્રિવેદી હતા. એ નાટક સફળ થયા પછી તેમણે અનેક નાટકો ક્રમશઃ આધુનિક રંગભૂમિના કર્યા હતા.
મુંબઈ સમાચારના તંત્રી નીલેશ દવે સાથે પણ તેમણે નાટકોનું નિર્માણ કર્યું હતું જેવા કે કેસ નંબર 99, પપ્પાને પ્રેમ છે, દીકરાને વ્હેમ છે, દિવ્યા દોષી છે?. આ સાથે પ્રવીણ સોલંકી લિખિત અને વિપુલ વિઠ્ઠલાણી દિગ્દર્શીત નાટક છલનાયક અત્યારે ફ્લોર પર છે. આ ઉપરાંત તેમણે એકમાત્ર ગુજરાતી વેબસિરિઝ દેસાઈ ડાયમંડ પણ નીલેશ દવે સાથે પ્રોડ્યુસ કરી હતી.
અમારી દોસ્તી સૌથી લાંબીઃ સંજય ગોરડીયા
કૌસ્તુભ ત્રિવેદી સાથે 102 નાટકમાં સાથે રહેનારા સંજય ગોરડીયાએ જણાવ્યું હતું કે અમારી મૈત્રી ગુજરાતી રંગમચના ઈતિહાસની સૌથી લાંબી 25 વર્ષની રહી. બા રિટાયર થાય છે, જલસા કરો જયંતીલાલ, અમે લઈ ગયા તમે રહી ગયા, મસાલામામી, લાલી લીલા, છગન મગન તારા છાપરે લગન, જાદુ તેરી નજર, રૂપિયાની રાણી ડોલરીયો રાજા, ઝીરો બની ગયો હીરો, પ્રેમ કરતા પંક્ચર પડ્યું, એક મુરખને એવી ટેવ, જંતરમંતર અને છેલછબીલો જેવા અનેક નાટકો સાથે કર્યા છે. અમારી મુલાકાત 1993મા સિદ્ધાર્થ રાંદેરિયાના નાટક ભાઈના સેટ પર થઈ હતી. આ નાટકમાં અમે બન્ને પણ અભિનય કરી રહ્યા હતા, ત્યારે જે મૈત્રી શરૂ થઈ તે જીવનપર્યત ચાલી હતી.
આપણ વાંચો: પહેલા વરસાદે મહારાષ્ટ્રમાં આઠ જણના જીવ લીધા
આમ તો કૌસ્તુભ ત્રિવેદીની કારકિર્દીની શરૂઆત 1977થી હતી, પરંતુ તેમને સ્થાપિત કરનારું નાટક હતું 1989માં આવેલું અજાતશત્રુ. એ પછી તેમણે પાછું વળીને જોયું ન હતું. પૈસાના વ્યવહારમાં ચોખ્ખો સ્વભાવ એમનો સૌથી મોટો ગુણ હતો. છેલ્લાં થોડા સમયથી બિમારીના કારણે કામ કરવા માટે અક્ષમતા વ્યક્ત કરતાં હોવા છતાં અત્યારે પણ નાટકોમાં તેમનું નામ આવી રહ્યું છે, એનું કારણ છે તેમની ક્રેડિબિલીટી.
આજે સવારે તેમનો દેહ પંચ મહાભૂતમાં વિલિન થયો છે. તેઓ ભલે સદેહ આપણી સાથે ન હોય, પરંતુ તેમનું ઉત્કૃષ્ટ યોગદાન તેમને સૌની સ્મૃતિમાં હંમેશને માટે જીવંત રાખશે.