327.69 કરોડ રૂપિયાના ડ્રગ્સ જપ્તિનો કેસ: અન્ડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમનો સાગરીત ચલાવતો હતો ડ્રગ્સ રૅકેટ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ચાર રાજ્યમાંથી 15 આરોપીની ધરપકડ કરી કરોડો રૂપિયાના ડ્રગ્સ રૅકેટનો પર્દાફાશ કરનારી મીરા-ભાયંદર વસઈ-વિરાર પોલીસની તપાસમાં અન્ડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમનો સાગરીત સલીમ ડોળા આ રૅકેટ ચલાવતો હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી હતી. ડોળાનું નામ અગાઉ સાંગલીમાંથી પકડી પાડવામાં આવેલી ડ્રગ્સ ફૅક્ટરીના કેસમાં પણ સંડોવાયું હતું.
મીરા-ભાયંદર ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-1ના અધિકારીઓએ મે મહિનાથી આ ઑપરેશન હાથ ધરી મહારાષ્ટ્રમાંથી ત્રણ, તેલંગણામાંથી ત્રણ, ઉત્તર પ્રદેશમાંથી આઠ અને ગુજરાતમાંથી એક આરોપીની ધરપકડ કરી હતી. પોલીસની ટીમે તેલંગણા અને ઉત્તર પ્રદેશના આઝમગઢ ખાતે બે ફૅક્ટરી પર કાર્યવાહી અંદાજે 327.69 કરોડ રૂપિયાનું એમડી, એમડી બનાવવા માટેનો કાચો માલ, કેમિકલ અને અન્ય સામગ્રી જપ્ત કરી હતી.
આ પણ વાંચો: Underworld Connection: ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ, મહારાષ્ટ્રમાંથી પકડાયું 327 કરોડનું ડ્રગ્સ
પોલીસ તપાસમાં જણાયું હતું કે વિવિધ રાજ્યોમાં ફેલાયેલું આ ડ્રગ્સ રૅકેટ સલીમ ડોળા ચલાવતો હતો. ડોળા ભાગેડુ ગૅન્ગસ્ટર દાઉદ ઈબ્રાહિમ અને તેના રાઈટ હેન્ડ છોટા શકીલની નજીક હોવાનું કહેવાય છે.
મુંબઈ પોલીસે માર્ચમાં સાંગલીમાં ડ્રગ્સ બનાવતી ફૅક્ટરીનો પર્દાફાશ કર્યો ત્યારે પણ ડોળાનું નામ સામે આવ્યું હતું. એ કેસમાં પોલીસે 11 આરોપીની ધરપકડ કરી 253 કરોડ રૂપિયાનું હાઈ ક્વોલિટીનું મેફેડ્રોન (એમડી) જપ્ત કર્યું હતું. સાંગલીના કેસમાં સંડોવણી જણાતાં ઈન્ટરપોલ દ્વારા ડોળા વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી હતી.
એક અધિકારીના જણાવ્યા મુજબ ડોળા સુરતના વેપારી ઝુલ્ફીકાર ઉર્ફે મુર્તુઝા મોહસીન કોઠારી મારફત નાણાંની લેવડદેવડ કરતો હોવાનું તપાસમાં જણાતાં પોલીસે કોઠારીની પણ ધરપકડ કરી હતી. એ સિવાય ડોળા અને આ કેસમાં તેલંગણાથી ધરપકડ કરાયેલા આરોપી દયાનંદ ઉર્ફે દયા માણિક મુદ્દનારના સાથીઓ ઉત્તર પ્રદેશમાં રહેતા બે ભાઈ અમિર તૌફીક ખાન અને બાબુ તૌફીક ખાનને પણ પોલીસે પકડી પાડ્યા હતા.
આ પણ વાંચો: પુણેના બારમાં ડ્રગ્સનો વીડિયો: 10 આરોપીઓની પોલીસ કસ્ટડી 3 જુલાઇ સુધી લંબાવાઇ
બન્ને ખાન ભાઈઓ તેમના સાથીઓની મદદથી આઝમગઢમાં એમડી બનાવવાની ફૅક્ટરી ચલાવતા હતા. ફૅક્ટરીમાંથી બાબુ ખાન સહિત મોહમ્મદ નદીમ મોહમ્મદ શફીક ખાન અને અહમદ શાહ ફૈસલ શફીક આઝમીની ધરપકડ કરાઈ હતી.
ડ્રગ્સના રૅકેટમાં નાણાંની લેવડદેવડ માટે આંગડિયાનો ઉપયોગ
અન્ડરવર્લ્ડ સાથે કડી ધરાવતા ડ્રગ્સ રૅકેટમાં નાણાંની લેવડદેવડ માટે આંગડિયાનો ઉપયોગ કરાયો હોવાનું તપાસમાં જણાયું હતું. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ આંગડિયા મારફત બિનહિસાબી નાણાંની લેવડદેવડ શક્ય હોવાથી આરોપીઓએ તેનો ઉપયોગ કર્યો હોવાનું માનવામાં આવે છે.
પોલીસના જણાવ્યા મુજબ ગુજરાતના સુરત શહેરમાંથી ધરપકડ કરાયેલા ઝુલ્ફીકાર ઉર્ફે મુર્તુઝા કોઠારી મારફત દાઉદનો સાગરીત સલીમ ડોળા નાણાંની લેવડદેવડ કરતો હતો. ડોળાએ હવાલા મારફત મોકલાવેલા 10.84 લાખ રૂપિયા સુરતથી હસ્તગત કરવામાં આવ્યા હતા.
કોઠારીની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે અમુક રકમ મુંબઈના આંગડિયા મારફત મોકલવામાં આવી છે. પોલીસની ટીમે દક્ષિણ મુંબઈના ભીંડીબજાર ખાતેથી આંગડિયા સાથે સંકળાયેલા બે જણ મુસ્તફા ફર્નિચરવાલા અને હુસેન ફર્નિચરવાલાની પૂછપરછ કરી હતી. તેમની પાસેથી 6.80 લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા. આ રકમ ડોળાએ મોકલાવી હોવાનો દાવો પોલીસે કર્યો હતો. જોકે ફર્નિચરવાલાને આ અંગે જાણકારી હતી કે નહીં તેની પોલીસ તપાસ કરી રહી છે.
શસ્ત્રોની હેરફેરનું પ્રકરણ ખૂલ્યું
ડ્રગ્સ રૅકેટનો પર્દાફાશ કરનારી ક્રાઈમ બ્રાન્ચની તપાસ દરમિયાન શસ્ત્રોની હેરફેનું પ્રકરણ પણ ખૂલ્યું હોવાનું અધિકારીનું કહેવું છે. ઉત્તર પ્રદેશમાં રહેતા અમિર ખાનને ડ્રગ્સના કેસમાં લખનઊથી તાબામાં લેવાયો હતો. અમિરે આપેલી માહિતી પછી પોલીસ નાલાસોપારામાં રહેતા અભિષેક ઉર્ફે શુભમ નરેન્દ્રપ્રતાપ સિંહ સુધી પહોંચી હતી. મૂળ ઉત્તર પ્રદેશના જોનપુરનો વતની અભિષેક પહેલી જુલાઈએ પોલીસને હાથ લાગ્યો હતો. તેની પાસેથી ત્રણ પિસ્તોલ, એક રિવોલ્વર અને 33 કારતૂસ મળી આવી હતી. ઘાતક શસ્ત્રો હાથ લાગતાં પોલીસે હવે એ દિશામાં પણ તપાસ હાથ ધરી હતી.