આમચી મુંબઈમહારાષ્ટ્ર

ચેતી જજોઃ જો વાહનચાલક 18 વર્ષથી ઓછી વયનો હશે તો વાહન જપ્ત થશે…

મુંબઈ: 18 વર્ષથી ઓછી વયના સગીર જો વાહન ચલાવતા પકડાશે તો હવે ત્યાં જ તેમનાં વાહન જપ્ત કરવાાં આવશે. બીજી તરફ માલ પરિવહન માટે 20 વર્ષની વય મર્યાદા રાખવામાં આવી છે. આનું સખત રીતે પાલન કરવાનું રહેશે. રાજ્ય પોલીસ દ્વારા નવેસરથી આ મુજબનો આદેશ જારી કરવામાં આવ્યો છે. એ સિવાય ઇ-ચલાન બાબતે પણ આદર્શ કાર્યપ્રણાલી જારી કરાઇ છે.

આ પણ વાંચો : એર ઈન્ડિયાની ફ્લાઈટ કલાકો સુધી રન-વે પર રહી પણ…

ટ્રાફિક વિભાગના અડિશનલ ડીજી ડો. સુરેશકુમાર મેકલાએ એક પરિપત્રક જારી કર્યો છે. ઇ-ચલાન જારી કરવું અને દંડાત્મક વસૂલી તેમ જ વાહન જપ્તિ બાબતે આ કાર્યપ્રણાલી જારી કરવામાં આવી છે. હાલમાં 18 વર્ષથી ઓછી વયના સગીર વાહન ચલાવતા પકડાશે તો પોલીસ દ્વારા તેમના વાહન જપ્ત કરવામાં આવે છે. સંબંધિત ચાલકના વાલીઓને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવે છે અને ચાલક-વાલી પર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે.

જોકે નવા પરિપત્રક અનુસાર હવે પોલીસ દ્વારા આવા નિયમભંગના કિસ્સામાં જપ્તિની કાર્યવાહી પણ કરવામાં આવશે. ઇ-ચલાન બાબતે જારી કરાયેલી કાર્યપ્રણાલી અનુસાર તડજોડપાત્ર અને બિન-તડજોડપાત્ર એમ ઇ-ચલાનના બે પ્રકાર છે.

તડજોડપાત્ર ઇ-ચલાન પ્રકરણમાં દોષી વ્યક્તિ જો દંડની રકમ સ્વખુશીથી ભરવાની તૈયારી બતાવે તો સક્ષમ પોલીસ અધિકારીએ રકમ સ્વીકારી ઇ-ચલાનનો ઉકેલ લાવવાનો રહેશે, એવું જણાવાયું છે.

જોકે સંબંધિત વ્યક્તિ તડજોડ રકમ ભરવા તૈયાર નહીં હોય તો આવા પ્રકરણમાં પોલીસે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવા માટે જણાવાયું છે. બિન-તડજોડ પ્રકરણમાં તુરંત ચાર્જશીટ દાખલ કરવાનો આદેશ પરિપત્રક દ્વારા આપવામાં આવ્યો છે. કોર્ટમાં કેસ દાખલ થયા બાદ સંબંધિત વ્યક્તિ હાજર ન રહે તો વાહન જપ્ત કરાશે. જોકે તે માટે કોર્ટ પાસેથી રીતસર પરવાનગી મળ્યા વિના વાહનને પરસ્પર જપ્ત કરવું નહીં, એમ સ્પષ્ટ કરવામાં આવ્યું છે.

દરમિયાન પોલીસ દ્વારા બળજબરીથી વાહન જપ્તિ કરાતી હોવાની ફરિયાદોને કારણે રાજ્ય પોલીસ દ્વારા નવેસરથી પરિપત્રક જારી કરાયું છે. આ પરિપત્રકનું ઉલ્લંઘન કરનારા સંબંધિત પોલીસ સામે કાર્યવાહી કરવાની જોગવાઇ પણ રાખવામાં આવી છે.

ટ્રાફિકના નિયમોનો ભંગ: 1,831 ચાલક સામે કાર્યવાહી

ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ મુંબઈ પોલીસ દ્વારા પાંચ કલાકમાં 1,831 જેટલા વાહનચાલકો સામે કાર્યવાહી કરી હતી. એ સિવાય 28 રિક્ષા જપ્ત કરાઇ હતી. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો વિરુદ્ધ મુંબઈ પોલીસ દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી હોઇ શનિવારે મોડી રાતે 12 વાગ્યાથી રવિવારે વહેલી સવારે પાંચ વાગ્યા સુધી પોલીસે 107 સ્થળે નાકાબંધી કરી હતી.

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં તાપમાનમાં ઘટાડો થયો અને ઠંડી વધી

એ દરમિયાન 6,369 વાહન તપાસવામાં આવ્યાં હતાં અને મોટર વેહિકલ એક્ટની વિવિધ કલમો હેઠળ 1,831 વાહનચાલકો સામે કાર્યવાહી કરાઇ હતી. ઉપરાંત દારૂના નશામાં વાહન હંકારનારા 70 ચાલકોને પકડી પાડવામાં આવ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button