મામા-ભાણેજના લગ્ન થઇ શકે નહીં: હાઇ કોર્ટ
નાગપુર: હિન્દુ વિવાહ કાયદા પ્રમાણે મામા અને ભાણેજના લગ્ન થઇ શકે નહીં. લગ્ન માટે આ પ્રતિબંધિત સંબંધ છે, એવો મહત્ત્વનો ચુકાદો મુંબઈ હાઇ કોર્ટેની નાગપુર બેન્ચે આપ્યો હતો.
બુલઢાણા જિલ્લામાં ભાણેજ સવિતા (૩૮)એ મામા અમરદાસ (૫૬) સાથે લગ્ન થયા હોવાનો દાવો કરીને ભરણપોષણ માગ્યું હતું. તેની માગણીને નામંજૂર કરવામાં આવી. હિન્દુ કાયદાની કલમ પાંચ (૪) અનુસાર સમાજમાં પરંપરામાં ન હોય એવા પ્રતિબંધિત સંબંધોમાં લગ્ન થઇ શકે નહીં. મામા અને ભાણેજના સંબંધ લગ્ન માટે પ્રતિબંધિત છે. તેમજ કલમ ૫(૧) અનુસાર એક લગ્ન કાયમ હોય ત્યારે બીજા લગ્ન થઇ શકે નહીં. સવિતાએ અમરદાસ સાથે લગ્ન કર્યા ત્યારે તેના પહેલા જ લગ્ન થઇ ગયા હતા. તેથી આ બન્ને બાબત અનુસાર સવિતાએ તથા અમરદાસના લગ્ન શરૂઆતથી જ ગેરકાયદે હતા. તેથી અમરદાસ સવિતાને ભરણપોષણ આપવા માટે જવાબદાર નથી, એવો નિર્ણય હાઇ કોર્ટે આપ્યો હતો.
સવિતાએ પહેલા નીચલી અદાલતમાં અરજી કરી હતી, પરંતુ ત્યાં તેની અરજી અમાન્ય કરવામાં આવી ત્યાર બાદ સેશન્સ કોર્ટમાં અરજી કરાઇ હતી, પણ ત્યાં પણ તેની અરજી ફગાવ્યા બાદ સવિતાએ હાઇ કોર્ટમાં ધા નાખી હતી.
હકીકતમાં પહેલા પિત્રાઇ બહેન કવિતાના લગ્ન અમરદાસ સાથે કરવામાં આવ્યા હતા, પરંતુ કવિતા નાની હોવાને કારણે તેને સાસરે મોકલાવી નહોતી. તેથી અમરદાસે કરિના નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. તેથી કવિતા અને અમરદાસના છૂટાછેડા કરાવવામાં આવ્યા. ત્યાર બાદ દબાણ આપીને સવિતાના લગ્ન અમરદાસ સાથે કરાવાયા. ત્યારે અમરદાસ પહેલાથી કરિના સાથે લગ્ન થયા હતા. માંદગીને કારણે સવિતાને સાસરેથી કાઢી મૂકવામાં આવી હતી. તેથી તે પિયરે ગઇ હતી અને ભરણપોષણની અરજી કરી હતી.