બેંકોમાં દાવા વગરની થાપણો ૨૬ ટકા વધીને રૂ. ૭૮,૨૧૩ કરોડ થઇ: RBI

મુંબઇઃ બેંકોમાં દાવા વગરની થાપણો ૩૧ માર્ચ, ૨૦૨૪ના અંત સુધીમાં વાર્ષિક ધોરણે ૨૬ ટકા વધીને રૂ. ૭૮,૨૧૩ કરોડ થઇ છે. આ ગત વર્ષના રૂા. ૬૨,૨૨૫ કરોડ કરતાં વધુ છે. ગુરૂવારે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)ના વાર્ષિક અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે.
રિપોર્ટ અનુસાર માર્ચ ૨૦૨૩ના અંતમાં ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડમાં રકમ ૬૨,૨૨૫ કરોડ રૂપિયા હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સહકારી બેંકો સહિતની બેંકો તેમના ખાતામાં ૧૦ કે તેથી વધુ વર્ષોથી પડેલી ખાતાધારકોની દાવા વગરની થાપણોને આરબીઆઇના ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ (ડીઇએ) ફંડમાં ટ્રાન્સફર કરે છે.
આ પણ વાંચો : RBI બુલેટિનમાં અર્થવ્યવસ્થાને લઈને ગુડ ન્યૂઝ, લોકોને પણ મળી શકે છે રાહત
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આ વર્ષની શરૂઆતમાં ખાતા ધારકોને મદદ કરવા અને નિષ્ક્રિય ખાતાઓ પર હાલની સૂચનાઓને એકીકૃત અને તર્કસંગત બનાવવા માટે બેંકો દ્વારા અપનાવવામાં આવતા પગલાં અંગે વ્યાપક માર્ગદર્શિકા જારી કરી હતી. આમાં ખાતાઓ અને થાપણોને નિષ્ક્રિય ખાતાઓ અને દાવા વગરની થાપણો તરીકે વર્ગીકૃત કરવાના વિવિધ પાસાઓ આવરી લેવામાં આવ્યા હતા. સુધારેલી સૂચનાઓ ૧ એપ્રિલ, ૨૦૨૪થી તમામ કોમર્શિયલ બેંકો(પ્રાદેશિક ગ્રામીણ બેંકો સહિત) અને તમામ સહકારી બેંકો પર અમલમાં આવી છે.
નોંધનીય છે કે ડીઇએ ફંડનો ઉપયોગ બેંકિંગ શિક્ષણ અને જાગૃતિ કાર્યક્રમો ચલાવવા માટે થયા છે. તેનો ઉદ્દેશ લોકોને બેંકિંગ સિસ્ટમ અને તેમના અધિકારો વિશે શિક્ષિત કરવાનો છે.