EVM પર કમળનું ચિહ્ન ન જોવા મળતાં મત આપવા ગયેલાં કાકાની કમાન છટકી અને…

પુણેઃ રાજ્યમાં ગઈકાલે ત્રીજા તબક્કાનું મતદાન થયું અને એમાં પણ મહારાષ્ટ્રની બારામતી મતદાર સંઘની બેઠક છેલ્લાં કેટલાય દિવસથી ચર્ચામાં છે. આ બેઠક પરથી નણંદ-ભાભી આમનેસામને ઊભા છે એટલે અહીં જિત કોની થાય છે એ જોવું વધુ રોમાંચક બની રહ્યું છે. દરમિયાન જ આ મતદાર સંઘમાં મતદાન કરવા ગયેલાં એક કાકાની કમાન છટકી ગઈ હતી અને એનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
કાકાની કમાન એટલે છટકી ગઈ હતી કારણ કે EVM પર તેમને કમળની નિશાની ના દેખાઈ એટલે તેઓ મત કોને આપવો એ બાબતે મૂંઝાઈ ગયા. આવો જોઈએ શું છે આખો મામલો વિસ્તારથી…
વાત જાણે એમ છે બારામતી મતદારસંઘમાંથી આ વખતે ભાજપને બદલે મહાયુતિએ પોતાના ઉમેદવાર તરીકે નાયબ મુખ્ય પ્રધાનના પત્ની સુનેત્રા પવારને ઉમેદવારી આપી છે. જેની સામે શરદ પવારે પોતાની દીકરી સુપ્રિયા સુળેને આ મતદારસંઘમાંથી ઉમેરવારી આપી છે. પરિણામે આ સીટ નણંદ-ભાભી વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી રહી છે.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ હાલમાં મહાયુતિમાં સામેલ થઈ ગયું છે અને સુનેત્રા પવાર ઘડિયાળની નિશાની પર ચૂંટણી લડી રહ્યા છે. આ બધી મહાભારતને કારણે પુણેના ધાયરીમાં આવેલી કાકા ચવ્હાણ શાળામાં મતદામ કરવા ગયેલાં એક કાકાનો પિત્તો ગયો હતો. તેમને ઈવીએમ પર કમળની નિશાની ના જોવા મળતાં ધમાલ કરી હતી.
વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં કાકા પોતાની મૂંઝવણ વ્યક્ત કરતાં કહી રહ્યા છે કે ઈવીએમ પર કમળની નિશાની જ નથી. ભાજપે પોતાનો ઉમેદવાર જ ઊભો નથી કર્યો તો અમે શું કરીએ. અમને તો ભાજપને મત આપવો છે પણ ઈવીએમ પર કમળની નિશાની જ નથી તો કઈ રીતે વોટ કરીએ? એવો સવાલ પણ કાકાએ કર્યો હતો. કાકાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પુણેનો ધાયરી વિસ્તાર બારામતી લોકસભા મતદારસંઘમાં આવે છે અને અહીં ભાભી સુનેત્રા પવાર વર્સીસ નણંદ સુપ્રિયા સુળે એવી રોમાંચક લડાઈ જોવા મળી રહી છે. સુપ્રિયા સુળે તુતારીના ચિહ્ન સાથે ચૂંટણી લડી રહ્યા છે તો સુનેત્રા પવાર ઘડિયાળના ચિહ્ન સાથે ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે. મહાયુતિ અને મહાવિકાસ આઘાડીએ પોતાના ઉમેદવારોના પ્રચારમાં બિલકુલ કસર બાકી નહોતી રાખી.