ઉલ્હાસનગરમાં ઘરેલું વિવાદને લઇ જમાઇએ કરી સસરાની હત્યા

થાણે: થાણે જિલ્લાના ઉલ્હાસનગરમાં ઘરેલું વિવાદને લઇ જમાઇએ બાવન વર્ષના સસરાની હત્યા કરી હોવાની ઘટના બુધવારે બની હતી. હત્યા બાદ ફરાર થયેલા જમાઇ વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કરીને તેની શોધ આદરી હતી.
આરોપી જમાઇની ઓળખ બોલાસિંહ જગદીશસિંહ ભવર (35) તરીકે થઇ હતી, જે જળગાંવનો રહેવાસી છે. બોલાસિંહે બુધવારે તેના સસરા સુશિલસિંહ ગૌંડ સરદારની હત્યા કરી હતી.
આ પણ વાંચો: કલ્યાણમાં એપીએમસી માર્કેટ ખાતે ફૂલવિક્રેતાની હત્યા: ભાગીદાર પકડાયો
બોલાસિંહ અને તેની પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થતા હોવાથી તે સંતાનોને લઇ પિયર આવી ગઇ હતી. દરમિયાન બોલાસિંહ બુધવારે પત્ની અને સંતાનોને પાછા જળગાંવ લઇ જવા સાસરિયાંમાં આવ્યો હતો.
જોકે સુશિલસિંહે તેની પુત્રી અને દોહિત્રોને આરોપી સાથે મોકલ્યાં નહોતાં, જેને પગલે બંને વચ્ચે વિવાદ થયો હતો. આથી રોષે ભરાયેલા આરોપીએ બાંબુથી સુશિલસિંહ પર હુમલો કર્યો હતો. એ સમયે વચ્ચે પડેલી પત્નીની પણ આરોપીએ મારપીટ કરી હતી. આરોપીએ કરેલા હુમલામાં ગંભીર ઇજાને કારણે સુશિલસિંહનું મોત થયું હતું.
હત્યા બાદ આરોપી ત્યાંથી ફરાર થઇ ગયો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી તેને પકડવા ટીમ તૈયાર કરી હતી. (પીટીઆઇ)