ઉલ્હાસનગર ફાયરિંગ કેસઃ ઈજાગ્રસ્ત નેતાની હેલ્થ અંગે જાણો મોટી અપડેટ
મુંબઈઃ ત્રણ દિવસ અગાઉ ઉલ્હાસનગરમાં ભાજપના વિધાનસભ્ય ગણપત ગાયકવાડે પોલીસ સ્ટેશનમાં આડેધડ ગોળીબાર કર્યો, જેમાં ગંભીર રીતે જખમી થયેલા શિવસેના (એકનાથ શિંદે જૂથના નેતા મહેશ ગાયકવાડની તબિયત મુદ્દે સૌથી મોટી અપડેટ મળી હતી. ઈજાગ્રસ્ત નેતાની તબિયત સુધારા પર હોવાનું હોસ્પિટલ પ્રશાસન દ્વારા માહિતી આપવામાં આવી હતી.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદે પણ સોમવારે ગાયકવાડના ખબરઅંતર પૂછવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. શ્રીકાંત શિંદે હોસ્પિટલ પહોંચ્યા તેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. શ્રીકાંત શિંદે કલ્યાણ મતવિસ્તારથી લોકસભાના સાંસદ પણ છે. હાલમાં તેની તબિયત સુધારા પર જણાતા ગાયકવાડની હાલત આ પૂર્વે ગંભીર હતી. જોકે, હવે તેમની હાલત સ્થિર હોવાનું હોસ્પિટલનું કહેવું છે.
શુક્રવારે રાતે હિલ લાઇન પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટરની કેબિનમાં ભાજપના વિધાનસભ્ય ગણપત ગાયકવાડે મહેશ ગાયકવાડને છ ગોળીઓ મારી હતી. આ ઘટનામાં મહેશ ગાયકવાડના સાથીદાર રાહુલ પાટીલ પણ જખમી થયા હતા.
આ ઘટના બાદ ગાયકવાડને તાત્કાલિક ધોરણે થાણેની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમના ઉપર સર્જરી કરીને ગોળીઓ કાઢવામાં આવી હતી. આ બનાવ પછી મહારાષ્ટ્રના રાજકારણમાં પણ ગરમાવો આવ્યો હતો, જેમાં શિવસેના-ભાજપ ગઠબંધનમાં ઘર્ષણ ઊભું થવાની શક્યતા છે.