આમચી મુંબઈમહારાષ્ટ્ર

25 લાખ રૂપિયામાં યુકેનું નાગરિકત્વ: બોગસ દસ્તાવેજો પર યુકે જઈ રહેલા આઠ પકડાયા

મુખ્ય એજન્ટની શોધ ચાલુ

યોગેશ સી. પટેલ

મુંબઈ: બોગસ દસ્તાવેજોને આધારે ભારતીય નાગરિકોને યુકે બોલાવ્યા પછી પચીસ લાખ રૂપિયામાં ત્યાંનું નાગરિકત્વ અપાવવાના રૅકેટનો મુંબઈ પોલીસે પર્દાફાશ કર્યો હતો. યુકેમાં જહાજ પર નોકરી માટે જઈ રહેલા આઠ જણને સહાર પોલીસે પકડી પાડ્યા પછી તપાસમાં મુખ્ય એજન્ટનું નામ સામે આવતાં પોલીસ તેની શોધ ચલાવી રહી છે.

પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ યુકે જવા મુંબઈના ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પહોંચેલા આઠ પ્રવાસી પર ઈમિગ્રેશન અધિકારીને શંકા ગઈ હતી. ઈમિગ્રેશન અધિકારી દ્વારા પૂછવામાં આવેલા સવાલોના જવાબ આપવામાં પ્રવાસીઓને મુશ્કેલી પડી રહી હતી. એ સિવાય યુકેમાં મર્ચન્ટ નેવીમાં નોકરીએ જોડાવા જઈ રહેલા આઠેય જણને ઈંગ્લિશ બોલવાનાં ફાંફાં હતાં. શંકાને આધારે ઈમિગ્રેશન અધિકારીએ વરિષ્ઠ અધિકારીને આ બાબતે જાણ કરી હતી.

અધિકારીઓએ પ્રવાસીઓ પાસેના દસ્તાવેજોની તપાસ કરી હતી. તેમની પાસેના સીડીસી, ઈ-માઈગ્રન્ટ લેટર્સ અને જહાજ પર નોકરીએ જોડાવાના શિપિંગ કંપનીના લેટર બોગસ હોવાનું જણાયું હતું. બોગસ દસ્તાવેજોને આધારે પ્રવાસીઓ યુકે જઈ રહ્યા હોવાનું જણાતાં તેમને પોલીસના તાબામાં સોંપાયા હતા.

પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારી માહિતી જાણવા મળી હતી. પકડાયેલા પ્રત્યેક પ્રવાસી પાસેથી પચીસ લાખ રૂપિયા વસૂલીને તેમને યુકેનું નાગરિકત્વ આપવાનું આશ્ર્વાસન અપાયું હતું. આ રૅકેટનો મુખ્ય આરોપી અબ્રાહિમ કુરેશી હોવાનું જાણવા મળ્યું હતું. અબ્રાહિમ હાલમાં યુકેમાં હોવાનું આરોપીઓનું કહેવું છે.

અબ્રાહિમે આ રૅકેટ ચલાવવા માટે ભારતમાં કમિશન પર એજન્ટો રાખ્યા છે, જે ભારતીય નાગરિકોને યુકેમાં મોકલાવવા માટે બોગસ દસ્તાવેજો તૈયાર કરવામાં મદદ કરતા હોવાનું કહેવાય છે. અબ્રાહિમ લાઈવ શિપ ટ્રેકિંગ ડેટાનું મોનિટરિંગ કરતો હતો અને યુકેમાં કયું જહાજ કયા દિવસે આવવાનું છે તેની જાણકારી મેળવતો હતો. આ જાણકારીને આધારે એ જ દિવસે ભારતીય નાગરિકને ફ્લાઈટ પકડીને યુકે આવવાનું કહેતો, જેથી ભારતીય ઈમિગ્રેશન અધિકારીઓને શંકા ન જાય. આ માટે તેમને મર્ચન્ટ નેવીનો કોર્સ કર્યાના બોગસ સર્ટિફિકેટ પણ આપવામાં આવતાં.

યુકે પહોંચ્યા પછી ભારતીય નાગરિક હોવાના બધા દસ્તાવેજોનો નાશ કરી દેવામાં આવતો. યુકે પહોંચેલા લોકોને તેમની ઓળખ બદલીને અબ્રાહિમ પેટ્રોલ પમ્પ અથવા સ્ટોરમાં નોકરીએ લગાવતો, જ્યાં તેમને મહિને બેથી ત્રણ લાખ રૂપિયાનું વેતન મળી રહેતું. બાદમાં અબ્રાહિમ યુકેનું નાગરિકત્વ અપાવવા બોગસ દસ્તાવેજોની સગવડ કરવા પોતાના સંપર્કોનો ઉપયોગ કરતો હતો. ધરપકડ કરાયેલા આરોપીઓના અનેક મિત્રોને અગાઉ અબ્રાહિમે આ રીતે યુકે મોકલાવી ત્યાંનું નાગરિકત્વ અપાવ્યું હોવાનું પોલીસ સૂત્રોનું કહેવું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button