આમચી મુંબઈમહારાષ્ટ્ર

‘ઉદ્ધવ ઠાકરે સાથે મંથરા છે, તે…..’, જાણો દેવેન્દ્ર ફડણવીસે કોની કરી ટીકા

મુંબઇઃ 22 જાન્યુઆરીએ રામમંદિરનું ઉદ્ઘાટન અને પ્રાણપ્રતિષ્ઠા સમારોહ નજીક છે. આ મુદ્દે વિવિધ રાજકીય પક્ષોમાં આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો રાઉન્ડ ચાલી રહ્યો છે. થોડા દિવસો પહેલા મહારાષ્ટ્રના શિવસેના (ઉદ્ધવ જૂથ)ના સંજય રાઉતે ભાજપના નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની ટીકા કરતા તેમને સૂપર્ણખા કહ્યા હતા. હવે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે ઉદ્ધવ ઠાકરે સાથે મંથરા છે. તેમણે 14 જાન્યુઆરીએ થાણેમાં પોતાના ભાષણમાં આનો ઉલ્લેખ કર્યો હતો. કહેવાની જરૂર નથી કે મંથરા શબ્દ પ્રયોગ સંજય રાઉત માટે જ કરવામાં આવ્યો હતો.

થાણેમાં ભાષણ આપતી વખતે દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે રામ મંદિર માટે થઇને ઉત્તર પ્રદેશની અમારી કલ્યાણ સિંહની સરકાર પડી જવા દીધી હતી, રાજસ્થાનની સરકાર પડવા દીધી હતી. આજે પણ હું એ જ કહું છું કે મારી ચિંતા નહીં કરો. સંજય રાઉતે મારા વિશે કહ્યું હતું કે મારા વજનથી જ બાબરી પડી ગઇ હશે.


‘હું આજે તેમને કહેવા માંગું છું કે જેમની સાથે ભગવાન રામ છે, તેમની માટે બાબંરી ઢાંચો તો બહુ નાની ચીજ છે. હિમાલય જેવા પર્વતને પણ હલાવી દેવાની તાકાત રામભક્તો રાખે છે. રામના સેવકોમાં આ તાકાત છે એ ભૂલતા નહીં. તેથી જ આવા રાજકીય હિદુંઓએ અમને કંઇ શીખવાડવાની જરૂર નથી,’ એમ ફડણવીસે ઉદ્ધવ ઠાકરેને ઉદ્દેશીને કહ્યું હતું.

ફડણવીસે વધુમાં કહ્યું હતું કે, ‘જે લોકોએ કોઠારી બંધુઓને શહીદ કર્યા છે, આજે તેમના ખોળામાં તેઓ બેસી ગયા છે. તેમને શરમ આવવી જોઇએ, પણ તેમનો વાંક નથી. રામાયણમાં પણ એક મંથરા હતી. ઉદ્ધવ ઠાકરે પાસે પણ એક મંથરા છે. તેથી તેમની શું દશા થશે એ તમે વિચારી શકો છો. રામાયણના રાજા દશરથ તો પરોપકારી અને પુણ્યશાળી રાજા હતા, પણ અહીં તો ઉદ્ધવ ઠાકરેએ મંથરાને પોતાની પાસે રાખી છે. તેમનું શું થશે? પણ એક વાત ચોક્કસ છે કે રામ મંદિરના નિર્માણથી દેશને એક નવી ઓળખ મળશે. તે માત્ર મંદિર નથી, પરંતુ ભારતીયોનું ગૌરવ છે. ભારતીય સંસ્કૃતિ ગર્વની છે.’


ફડણવીસે એનસીપી નેતા પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ‘થાણે એક ધર્મનગરી છે. આ ધર્મનગરીના જ અમુક ભાગમાં રામ માંસાહારી હતા એમ કહેનારા લોકો વસે છે. રામ શું ખાતા હતા એ વાત બાજુ પર રાખો, પણ આવા લોકો તો નક્કી ગોબર જ ખાતા હશે, એવું મને લાગે છે. આવા લોકોને એક બાજુએ રાખો અને ધામધૂમથી રામ ઉત્સવ ઉજવો.’

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button