ઉદ્ધવ ઠાકરેની ટિપ્પણી દર્શાવે છે કે તેઓ ઔરંગઝેબ ફેન ક્લબના સભ્ય છે: દેવેન્દ્ર ફડણવીસ
નાગપુર: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ વિરુદ્ધ ઉદ્ધવ ઠાકરેની ટિપ્પણીએ ‘ઔરંગઝેબ ફેન ક્લબ’ના સભ્ય તરીકે શિવસેના (યુબીટી)ના નેતાની ઓળખ પ્રસ્થાપિત કરી છે, એમ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શનિવારે જણાવ્યું હતું. ફડણવીસ ભાજપ સામે ઠાકરેની ટીકા પર જવાબ આપી રહ્યા હતા જેમાં તેમણે શાહને અહમદ શાહ અબ્દાલીના રાજકીય વંશજ ગણાવ્યા હતા.
અમિત શાહે ઔરંગઝેબ ફેન ક્લબ વિશે વાત કરી હતી. ઉદ્ધવ ઠાકરેએ આજે સાબિત કર્યું કે તેઓ ખરેખર ઔરંગઝેબ ફેન ક્લબના વડા છે, એમ ફડણવીસે પત્રકારોને જણાવ્યું હતું.
અમિત શાહ ઠાકરે દ્વારા 2019ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પછી ભાજપ સાથેના સંબંધો તોડીને મહા વિકાસ અઘાડી સરકાર બનાવવા માટે કોંગ્રેસ અને એનસીપી (અવિભાજિત) સાથે હાથ મિલાવવાનો ઉલ્લેખ કરી રહ્યા હતા. આ જ સંદર્ભમાં ઉદ્ધવ ઠાકરેએ રાજ્યમાં જૂન 2022માં મહાવિકાસ આઘાડી સરકારને ગબડાવવાના ભાજપના પગલાં માટે પાવર જેહાદની ઉપમાનો ઉપયોગ કર્યો હતો.