ઉદ્ધવ ઠાકરેની અરજી ચૂંટણી પંચે ફગાવી
‘જય ભવાની’ અને ‘હિંદુ’ શબ્દ પર પ્રતિબંધ કાયમ
મુંબઈ: ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના પ્રચાર ગીતમાં ‘જય ભવાની’ અને ‘હિન્દુ’ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની બાબતે ચૂંટણી પંચ દ્વારા ઉદ્ધવ ઠાકરેને નોટિસ ફટકારવામાં આવી હતી. જોકે, ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા આ નોટિસને પડકારીને બંને શબ્દનો ઉપયોગ યથાવત રાખવા માટેની અરજી ચૂંટણી પંચને કરવામાં આવી હતી, જે ફગાવી દેવામાં આવી છે.
અરજી ફગાવીને ચૂંટણી પંચે આ બંને શબ્દ પરનો પ્રતિબંધ કાયમ રાખ્યો છે. ચૂંટણી પંચ અને મીડિયા સર્ટિફિકેશન ઍન્ડ મોનિટરીંગ કમિટી દ્વારા આ શબ્દો પર ઉઠાવાયેલા વાંધા સામે ઉદ્ધવ ઠાકરે દ્વારા નારાજગી વ્યક્ત કરીને પોતાના નિર્ણય બાબતે ફેરવિચારણા કરવાની અરજી કરવામાં આવી હતી, જે ચૂંટણી પંચે ફગાવી દીધી છે.
ઉલ્લેખનીય છે કે નિયમ મુજબ આચારસંહિતા લાગુ હોય ત્યારે કોઇપણ રાજકીય પક્ષ ધાર્મિક સ્થળો, વાક્યો, ચિહ્નો વગેરેનો ઉપયોગ પ્રચાર માટે કરી ન શકે.
ઉદ્ધવ ઠાકરેએ આ પૂર્વે ચૂંટણી પંચના આદેશ ન માનવાનું કહેતા જણાવ્યું હતું કે સત્તાધારી પક્ષ ખુલ્લેઆમ રામ મંદિરના નામે મત માગી રહ્યો છે ત્યારે તેમના ઉપર શા માટે પ્રતિબંધ મૂકવામાં આવતો નથી.
ચૂંટણી પંચ ઉપરાંત મીડિયા સર્ટિફિકેશન ઍન્ડ મોનિટરીંગ કમિટી પાસે આ જ પ્રકારની અન્ય 39 ફરિયાદો પણ આવી હોવાનું જાણવા મળ્યું છે, જેના ઉપર યોગ્ય પગલાં લેવામાં આવી રહ્યા હોવાની માહિતી મળી છે.