ઉદ્ધવ ઠાકરે મુશ્કેલીમાં? ચૂંટણી પંચ સામેના આરોપોની તપાસ શરૂ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીએ કેન્દ્રીય ચૂંટણી પંચના આદેશને પગલે શિવસેના (યુબીટી)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના ધીમા મતદાન અંગેના આરોપોને ચકાસવા માટે મુંબઈ, મુંબઈ ઉપનગરો અને થાણેના જિલ્લા કલેક્ટરો પાસેથી કાર્યનિષ્ઠ અહેવાલ મગાવ્યો છે. પંચના સૂત્રોએ માહિતી આપી હતી કે જો ઠાકરેના આક્ષેપો ખોટા હોવાનું સ્પષ્ટ થશે તો ઠાકરે સામે યોગ્ય પગલાં લેવામાં આવશે.
રાજ્યમાં લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં મુંબઈ, થાણે, પાલઘર અને નાસિક જિલ્લામાં 20 મેના રોજ મતદાન થયું હતું. તે સમયે ખાસ કરીને મુંબઈ, થાણેમાં ઘણા મતવિસ્તારોમાં ધીમા મતદાનને કારણે મતદારોની લાંબી કતારો લાગી હતી. આકરા ઉનાળા છતાં પંચે મતદારો માટે કોઈ વ્યવસ્થા કરી ન હોવાના આક્ષેપ સાથે મતદારોએ ઘણી જગ્યાએ રોષ વ્યક્ત કર્યો હતો. તે જ દિવસે બપોરે ઉદ્ધવ ઠાકરેએ પ્રેસ કોન્ફરન્સ કરીને ચૂંટણી પંચ પર જોરદાર આક્ષેપો કર્યા હતા.
ચૂંટણી અધિકારીઓ ઇરાદાપૂર્વક શિવસેના (યુબીટી) જૂથનું સમર્થન ધરાવતા વિસ્તારોમાં મતદાનમાં વિલંબ કરી રહ્યા હતા. તડકામાં લાંબી કતારો બાદ હતાશ થયેલા મતદારો પાછા વળી ગયા હતા. મતદારોને અલગ-અલગ પુરાવાઓ માંગીને હેરાન કરવામાં આવ્યા હતા એવા આરોપ પ્રેસ કોન્ફરન્સમાં ઠાકરેએ લગાવ્યા હતા અને એવો સવાલ કર્યો હતો કે ચૂંટણી પંચના અધિકારીઓ શું પક્ષપાતી રીતે કામ કરી રહ્યા હતા? ચૂંટણી પંચ મોદીની કઠપૂતળીની જેમ કામ કરી રહ્યું છે. તેમજ ભાજપની હારના ડરથી ચૂંટણી પંચ દ્વારા વિપક્ષના વિસ્તારમાં ઓછા મતદાનની ‘ગેમ’ રમી હોવાનો આક્ષેપ કર્યો હતો. મુંબઈ ભાજપના અધ્યક્ષ આશિષ શેલારે ઠાકરેના આવા આરોપ પર નારાજગી વ્યક્ત કરી હતી અને ચૂંટણી પંચ સમક્ષ ઠાકરે વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી હતી. શેલારના પત્ર બાદ ચૂંટણી પંચે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી પાસેથી ઠાકરેની પ્રેસ કોન્ફરન્સની વિગતો માગી હતી.
મુખ્ય ચૂંટણી અધિકારીઓ દ્વારા સબમિટ કરવામાં આવેલી વિગતોને પગલે, પંચે 3 જૂને રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીઓને ઠાકરે વિરુદ્ધ નિયમો અનુસાર પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો. કેન્દ્રીય ચૂંટણી પંચના આદેશ મુજબ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીએ ઠાકરેના આરોપોની ચકાસણી કરવા માટે મુંબઈ, મુંબઈ ઉપનગરો અને થાણેના જિલ્લા કલેક્ટરને એક અહેવાલ સુપરત કરવાનો આદેશ આપ્યો છે. તેમાં ઠાકરેએ પત્રકાર પરિષદમાં ઉલ્લેખ કરેલા વિસ્તારોમાં મતદાન ખરેખર ધીમું હતું કે કેમ, મતદારોની લાંબી કતારો હતી કે કેમ, મતદારોને અલગ-અલગ પુરાવાઓ માગીને પરેશાન કરવામાં આવી રહ્યા હતા કે કેમ વગેરે બાબતો માટે ખુલાસો મંગાવવામાં આવ્યો છે.
કલેક્ટરનો રિપોર્ટ આવ્યા બાદ ઠાકરેના આરોપ ખરેખર સાચા હતા કે તેમણે ફક્ત ચૂંટણી પંચને બદનામ કરવા માટે જ આ આરોપ લગાવ્યો હતા તેની ખરાઈ કરવામાં આવશે. જો ઠાકરેએ માત્ર રાજકીય દૃષ્ટિકોણથી જ પંચ પર આરોપ કર્યા હોવાનું સ્પષ્ટ થઈ જશે તો તેમની સામે નિયમ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે, એમ પંચના એક અધિકારીએ જણાવ્યું હતું.