સેમી ફાઇનલ જીતનારા ફાઇનલ પણ જીતે જ એવું નથી હોતું…. ચૂંટણી પરિણામ બાદ ઠાકરે જૂથે કરી વડા પ્રધાન મોદીની ટીકા

મુંબઇ: પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો આવી ગયા છે. મઝ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ આ રાજ્યોમાં ભાજપની જીત થઇ છે. મધ્ય પ્રદેશમાં તો ભાજપે રેકોર્ડ બ્રેક જીત મેળવી છે. અને હવે આ પરિણામોના આઘાર પર 2024ની લોકસભા ચૂંટણી પણ ભાજપ જ જીતશે તેવી ચર્ચાઓ થઇ રહી છે.
ઉપરાંત ભાજપના નેતાઓ પણ એવો જ દાવો કરી રહ્યાં છે. ત્યારે હવે ઠાકરે જૂથ દ્વારા આ પાંચ રાજ્યોના પિરણામોને આધારે વડા પ્રધાન મોદી પર ટીકા કરવામાં આવી છે. સેમીફાઇનલ જીતનારા ફાઇનલ પણ જીતે જ એવું નથી હોતું એવી ટિપ્પણી કરવામાં આવી છે.
શિવસેના ઠાકરે જૂથે આર્ટિકલના માધ્યમથી ચૂંટણી પરિણામો અંગે વક્તવ્ય કર્યું છે. આ આર્ટિકલમાં લખવામાં આવ્યું છે કે, 2024ની લોકસભાની ચૂંટણીની સેમીફાઇનલ ભાજપ જીતી ગઇ છે. જોકે સેમીફાઇનલ જીતનાર જ ફાઇનલ જીતે છે એવું હોતું નથી. જોકે વડા પ્રધાન મોદીએ ફાઇનલ જીતવાની ગેરેન્ટી આપી છે.
આ લેખમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, દરેક જણા આ પાંચ રાજ્યમાં યોજાયેલ ચૂંટણી પરિણામો અંગે વિશ્લેષણ કરી રહ્યું છે. મિઝોરમમાં પણ ચૂંટણી પરિણામ આવી ગયું છે. ત્યાં સ્થાનિક પક્ષ બાજી મારી ગયું છે.
દેશના અથવા તો વિશ્વના નેતા કહેવાતા વડા પ્રધાન મોદી તેલંગણાની જેમ જ મિઝોરમ પણ જીતી શક્યા નથી. આખા દેશમાં બધે જ મોદી મેજિક ચાલ્યુ નથી. ઘણાં રાજ્યના લોકો સમજદાર છે. તેથી જ દેશમાંથી સંપૂર્ણ રીતે લોકશાહી ખતમ થઇ નથી.
ત્યાં બીજી બાજુ ભાજપે મોદીની ગેરેન્ટી પર મોહર લગાવી છે. પણ રાહુલ ગાંધીની મહોબ્બતની દુકાન સૂની પડી ગઇ હોવાનો દાવો પણ ભાજપ કરી રહી છે.