યુએસ ટેરિફ વિવાદ: પીએમ મોદીના ‘ખેડૂતોના હિત’ના વચન પછી ઉદ્ધવે 2020-21ની યાદ અપાવી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિવસેના (યુબીટી)ના ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળની એનડીએ સરકારની ટીકા કરતા કહ્યું હતું કે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ‘મજાક’ ઉડાવી રહ્યા છે, જેઓ તેમને મજબૂત જવાબ આપી શકતા નથી.
એક પત્રકાર પરિષદમાં, ઉદ્ધવ ઠાકરેએ એવો આરોપ લગાવ્યો હતો કે મોદી અને અમિત શાહ ભાજપના પ્રચાર પ્રધાનોની જેમ વર્તી રહ્યા છે જ્યારે દેશને હાલના પડકારોનો સામનો કરવા માટે વડા પ્રધાન અને ગૃહ પ્રધાનની જરૂર છે.+
યુએસ દ્વારા ભારતીય માલ પર 25 ટકા વધારાનો ટેરિફ લાદવામાં આવ્યો તે વચ્ચે મોદીની ‘ખેડૂતો ટોચની પ્રાથમિકતા છે’ ટિપ્પણી પર શિવસેના (યુબીટી)ના વડાએ સવાલ ઉઠાવ્યા હતા. ઠાકરેએ એવો આરોપ લગાવ્યો હતો કે કેન્દ્ર દ્વારા હવે રદ કરાયેલા ત્રણ કૃષિ કાયદાઓ સામે 2020-21ના વિરોધ પ્રદર્શન દરમિયાન કેન્દ્રને ખેડૂતોની પરવા નહોતી.
આ પણ વાંચો: ટ્રમ્પના 50% ટેરિફને રાહુલ ગાંધીએ આર્થિક બ્લેકમેલ ગણાવ્યો, પીએમ મોદી માટે કહ્યું કે…
ખેડૂતોના વિરોધને યાદ કરતાં, ઠાકરેએ કહ્યું કે વિરોધીઓને રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા અને કેટલાકનાં મૃત્યુ પણ થયાં હતાં.
‘દિલ્હી આવવા માગતા ખેડૂતોને રોકવામાં આવ્યા હતા. કેટલાક ગરીબ ખેડૂતો મૃત્યુ પામ્યા. તમને ત્યારે ખેડૂતો યાદ નહોતા. હવે તમને ખેડૂતો યાદ આવી રહ્યા છે, એમ શિવસેના (યુબીટી)ના વડાએ પત્રકારોને જણાવ્યું હતું.
ઠાકરેએ કહ્યું હતું કે, હવે બધા કહે છે કે ‘હું ખેડૂતનો પુત્ર છું’. આનો અર્થ એ છે કે તેમના પિતા ભૂખ હડતાળ પર હતા અને તેમને દિલ્હી આવવા દેવામાં આવ્યા ન હતા. તેમના પર બંદૂકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. દિવાલો ઉભી કરવામાં આવી હતી અને તેમને નક્સલવાદી કહેવામાં આવ્યા હતા. તેમના બધા જૂઠાણા ધીમે ધીમે ખુલ્લા પડી રહ્યા છે અને તેમનો અસલી ચહેરો બહાર આવી રહ્યો છે.
આ પણ વાંચો: 50 ટકા ટેરિફ અંગે શશિ થરૂરે અમેરિકા પર ઉઠાવ્યા સવાલ, ભારતને જવાબ આપવાની સલાહ
ઠાકરેની આ ટિપ્પણી બુધવારે ટ્રમ્પ દ્વારા નવી દિલ્હી દ્વારા રશિયન તેલની સતત ખરીદી માટે દંડ તરીકે ભારતમાંથી આવતા માલ પર 25 ટકા વધારાની ટેરિફ લાદવાના, કુલ ડ્યુટી 50 ટકા સુધી વધારવાના નિર્ણય બાદ આવી છે.
તેમણે કહ્યું હતું કે શિવસેના-યુબીટી વિપક્ષી ઇન્ડિયા બ્લોક પ્રત્યે પ્રતિબદ્ધ છે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના સ્થાપક, તેમના પિતરાઇ ભાઇ રાજ ઠાકરે સાથે ફરી જોડાણ કર્યા પછી તેમનો પક્ષ એકલા લડશે તેવા સૂચનોને ફગાવી દીધા.
‘રાજ ઠાકરે વિશે વાત કરવાની જરૂર નથી. વિપક્ષી ઇન્ડિયા બ્લોકનો ભાગ બનવા માટે કોઈ શરતો જોડાયેલી નથી. જ્યાં સુધી રાજનો સવાલ છે, અમે બંને ભાઈઓ અમારા અભિગમમાં અડગ છીએ. અમે બંને તેનું ધ્યાન રાખીશું,’ એમ ઠાકરેએ કહ્યું હતું.
શિવસેના-યુબીટી સુપ્રીમો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા બોલાવવામાં આવેલી વિપક્ષી ઇન્ડિયા બ્લોકની બેઠકમાં ભાગ લેવા માટે રાષ્ટ્રીય રાજધાનીમાં ગયા છે. ગયા વર્ષે લોકસભાની ચૂંટણીમાં હાર બાદ વિપક્ષી ગઠબંધનની આ પહેલી વ્યક્તિગત બેઠક છે.