ઘણા લોકો દેવેન્દ્ર ફડણવીસની ખુરશી પ્રત્યે વક્ર દ્રષ્ટિ ધરાવે છે: ઉદ્ધવ ઠાકરે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યમાં નગરપરિષદો અને નગર પંચાયતોની ચૂંટણીની જાહેરાત થયાના બીજા જ દિવસે મરાઠવાડાની મુલાકાતે ગયેલા ઉદ્ધવ ઠાકરેએ બીડમાં ખેડૂતો સાથે વાતો કર્યા બાદ મહારાષ્ટ્ર સરકારની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે હું આજે, કાલે અને પરમ દિવસે (ત્રણ દિવસ) મરાઠવાડાના ખેડૂતોને મળવા આવ્યો છું.
શું હું રાજકારણ કરવા આવ્યો છું? લોકોને એવું લાગી રહ્યું હશે, પણ હું તો ખેડૂતોને મળવા આવ્યો છું. મરાઠવાડામાં ભારે વરસાદ પડ્યો છે. જરા એવું લાગે છે કે હવે ઉઘાડ આવ્યો છે ત્યાં સાંજે પાછા વાદળો ભેગા થાય છે અને વરસાદ પડે છે. આ સંકટ તો આકાશી છે, પરંતુ હવે સુલતાની (સરકારી) પણ છે.
આપણ વાચો: સરકાર ‘જેન-ઝી’ થી કેમ ડરે છે? ઉદ્ધવ ઠાકરે
આ પહેલાં બીડ જિલ્લામાં એક વિશાળ સભા યોજી હતી. તે સભાનું નામ હતું ‘દેશોે કે જશો (દેતા કી જાતા).’ આના પગલે પહેલીવાર તમામ ખેડૂતોને લોન માફી આપવામાં આવી હતી, એમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું.
ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે અમારી ગઠબંધન સરકારે (મહાવિકાસ આઘાડી-એમવીએ)એ છત્રપતિ મહારાજ કૃષિ લોન માફી યોજના આપી હતી. કોઈ મને મૂર્ખ કહેતું, કોઈ મને ખેડૂત કહેતું, પણ મેં અભ્યાસ કર્યા વિના બે લાખ સુધીની કૃષિ લોન માફ કરી દીધી હતી. હવે મુખ્ય પ્રધાનો પંચાંગ લઈને બેઠા છે. રાહુ અને કેતુ ક્યાં છે? તેઓ જોઈ રહ્યા છે. ફડણવીસની ખુરશી પર ઘણા લોકોની વક્ર દ્રષ્ટિ છે. કાલે બિહારમાં હતા ત્યાં તેઓ બેસવા જતાં પડ્યા હતા, પરંતુ પડતા પડતા પાછા તેઓ બેસી ગયા હતા. તેમના ગ્રહ જોવાની જરૂર છે.
હવે તેમણે કૃષિ લોન માફી માટે આવતા વર્ષે જૂનની સમયમર્યાદા નક્કી કરી છે. જો તેઓ જૂનમાં લોન માફ કરવાના છે, તો શું તેઓએ વર્તમાન લોનના હપ્તા ચૂકવવા જોઈએ કે નહીં? જો લોન માફ થવાની છે, તો હપ્તા કેમ ભરવા જોઈએ? શું બધી લોન જૂનમાં માફ થઈ જશે? એવા આકરા સવાલો ઉદ્ધવ ઠાકરેએ કર્યા હતા.
સરકારે લાડકી બહેન યોજનામાં સંઘર્ષ પેદા કરાવ્યો છે: ઉદ્ધવ ઠાકરે
લાડકી બહેન (મુખ્યમંત્રી માઝી લાડકી બહિણ) યોજના શરૂ કરવામાં આવી છે. શું ખરેખર બધાને લાભ મળી રહ્યો છે? ચૂંટણી પહેલા પરિવારની બધી મહિલાઓને સહાય મળતી હતી, હવે પરિવારની ફક્ત બે જ મહિલાઓને લાભ મળી રહ્યો છે. આનો અર્થ એ છે કે ભાજપ ઘરોમાં સંઘર્ષ પેદા કરાવી રહી છે.
મોહન ભાગવત કહી રહ્યા છે કે શક્ય તેટલા બાળકોને જન્મ આપો. તો પછી જો ઘરમાં બે બહેનો, સાસુ, વહુ, ચાર બહેનો હોય, તો લાડકી બહેનના પૈસા કોને આપશે? જેમને લાભ મળી રહ્યો છે તેઓ વ્હાલા છે અને જેમને નથી મળી રહ્યો તેઓ દવલા છે? આવા શાસકો હોઈ શકે નહીં. તેમણે બધા સાથે સમાન વર્તન કરવું જોઈએ, આ સરકારનું કામ છે, એમ પણ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું.
જૂનમાં લોન માફી એટલે કોણીએ ગોળ લગાવવો: ઉદ્ધવ ઠાકરે
જૂનમાં લોન માફી જાહેર કરવાનો અર્થ કોણીએ ગોળ લગાવવા જેવું છે. એકવાર કોણીએ ગોળ લગાવી દેવામાં આવે તો તેને ચાટી શકાતો નથી અને તેને કાઢી પણ શકાતો નથી કારણ કે તે ગોળ છે. જો સરકાર છેતરપિંડી કરનારી હોય, તો આપણે પણ તેમને છેતરવા જોઈએ. તેમને કહો કે પહેલા લોન માફ કરો અને પછી અમે તમને મત આપીશું.



