આમચી મુંબઈમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

ઉદ્ધવ ઠાકરેએ ચૂંટણી ઢંઢેરામાં ગુજરાત દ્વેષ દેખાડ્યો

એકનાથ શિંદે ગુજરાતની સાથે મળીને વિકાસના રસ્તે આગળ વધવાની તરફેણમાં

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મહારાષ્ટ્રમાં હવે ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે ઉદ્ધવ ઠાકરેએ લોકસભાની ચૂંટણીના બીજા તબક્કાની પુર્વસંધ્યાએ જાહેર કરેલા ચૂંટણી ઢંઢેરામાં પોતાનો ગુજરાતદ્વેષ ફરી એક વખત વ્યક્ત કર્યો છે. બીજી તરફ શિવસેનાના મુખ્ય નેતા અને રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે મહારાષ્ટ્રના વિકાસની વાત કરે છે. ભાષા કે ધર્મને આધારે તેઓ કોઈ ભેદભાવ કરવામાં માનતા નથી. એકનાથ શિંદે રાજ્યના વિકાસમાં ગુજરાતની સાથે મળીને આગળ વધવાનો પ્રગતિશીલ વિચાર ધરાવી રહ્યા છે.


ઉદ્ધવ ઠાકરેએ પોતાના ચૂંટણી ઢંઢેરામાં લખ્યું છે કે છેલ્લા બે વર્ષમાં રાજ્યના હકના પ્રોજેક્ટ ગુજરાત અને અન્ય રાજ્યોમાં લઈ જવાના બનાવ નોંધાઈ રહ્યા છે. દેશમાં ઈન્ડી આઘાડીની સરકાર સ્થાપિત થતાં જ મહારાષ્ટ્ર પરનો આ અન્યાય ખતમ કરી દેવામાં આવશે અને મહારાષ્ટ્રને ફરીથી પહેલા જેવો વૈભવ મેળવી આપવામાં આવશે.
મુંબઈમાંથી એક્સાઈઝ અને અન્ય ટેક્સના માધ્યમથી કેન્દ્ર સરકારની તિજોરીમાં દરવર્ષે લાખો કરોડો રૂપિયા જમા થાય છે. મુંબઈ દેશની આર્થિક રાજધાની છે અને તેથી જ મુંબઈ અને મહારાષ્ટ્રની મૂળભૂત સુવિધા માટે કેન્દ્ર સરકાર પાસેથી મોટા પ્રમાણમાં આર્થિક જોગવાઈ મેળવીશું એવું વચન શિવસેના (યુબીટી)ના વચનનામામાં આપવામાં આવ્યું છે.


મુંબઈમાંથી આંતરરાષ્ટ્રીય આર્થિક કેન્દ્ર (ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસીસ સેન્ટર) અમદાવાદમાં લઈ જવામાં આવ્યું. ઈન્ડી ગઠબંધનની સરકાર આવ્યા પછી મહારાષ્ટ્ર પરનો અન્યાય દૂર કરવા માટે મુંબઈમાં ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસીસ સેન્ટર બનાવવામાં આવશે અને રાજ્યના યુવક-યુવતીઓને રોજગાર આપવામાં આવશે એમ ચૂંટણી ઢંઢેરામાં કહેવામાં આવ્યું છે.


વાસ્તવમાં ઉદ્ધવ ઠાકરે દ્વારા મહારાષ્ટ્રમાં ગુજરાતી-મરાઠી સમુદાયના લોકો વચ્ચે દ્વેષ ભાવના ફેલાવીને મરાઠી મતો અંકે કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને તેના ભાગરૂપે આવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.
અહીં ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અઢી વર્ષ ઉદ્ધવ ઠાકરેની સરકાર હતી ત્યારે પણ કેન્દ્ર સરકાર અનેક પ્રોજેક્ટ મહારાષ્ટ્રને બદલે ગુજરાતમાં ગયા હોવાની ફરિયાદ ઉદ્ધવ ઠાકરે કરતા હતા.


વાસ્તવમાં ઉદ્ધવ ઠાકરે દ્વારા કરવામાં આવેલા બધા જ આક્ષેપો પાયાવિહોણા અને ખોટા હોવાનું સિદ્ધ થયું હોવા છતાં ઉદ્ધવ ઠાકરે હજી પણ ગુજરાત દ્વેષને પગલે આવા ખોટા આક્ષેપો કરી રહ્યા છે.


બીજી તરફ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ગુજરાતીઓને સાથે લઈને ચાલવા માટે જાણીતા છે. મહારાષ્ટ્ર વિઝનમાં તેમણે ગુજરાતની સાથે મળીને વિકાસની દિશામાં આગળ વધવાનો નિર્ધાર જાહેર કર્યો છે. એકનાથ શિંદે ગુજરાત સાથે સારા સંબંધો જાળવીને વિકાસના રસ્તે આગળ વધવા માગે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button