…તો શિવસેના વિભાજીત ન થાત!

ઉદ્ધવ ઠાકરેનું ઐતિહાસિક નિવેદન, બળવા પર સૌપ્રથમ મોટો ખુલાસો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: 2022નું વર્ષ શિવસેનાના ઇતિહાસમાં પાર્ટી માટે સૌથી મોટો આંચકો હતો. એકનાથ શિંદેના બળવાથી માત્ર સત્તા જ નહીં, પરંતુ શિવસેનાનું પાર્ટીનું નામ અને તેની ઓળખસમાન ચૂંટણીચિહ્ન ધનુષ્ય અને બાણ પણ ઉદ્ધવ ઠાકરેના હાથમાંથી છીનવાઈ ગયું. આ બળવા પછી પહેલી વાર, ઉદ્ધવ ઠાકરેએ જાહેર કાર્યક્રમમાં પોતાની તીવ્ર લાગણીઓ વ્યક્ત કરતાં એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે.
જો અનંત તરેની વાત સાંભળી હોત, તો શિવસેના વિભાજીત ન થાત, એમ ઉદ્ધવ ઠાકરેએ થાણેમાં બોલતા કહ્યું હતું. શિંદેના બળવા પછી ઠાકરેએ પહેલી વખત સ્પષ્ટ અને આત્મનિરીક્ષણાત્મક ભાષામાં ત્યારની સ્થિતિની કબૂલાત કરી હોવાથી રાજકીય વર્તુળોમાં તેના પર ચર્ચા થઈ રહી છે.
ઠાકરેએ નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની પણ આકરી ટીકા કરી હતી. હવે તેમને પદ મળી ગયું છે, પરંતુ જ્યારે તેમનો ઉપયોગ પૂરો થઈ જશે ત્યારે તેમને કચરાપેટીમાં ફેંકી દેવામાં આવશે. પછી તેઓ અહીં જ કપાળ પર હાથ રાખીને બેઠેલા જોવા મળશે, એવો કટાક્ષ તેમણે કર્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે થાણે વફાદારીનું સ્થળ હતું, હવે તે ઠેકેદારોનું સ્થળ બની ગયું છે.
શિવસેનાના દિવંગત નેતા અનંત તરેના જીવનચરિત્ર ‘અનંત આકાશ’ના વિમોચન પ્રસંગે બોલતા ઉદ્ધવ ઠાકરે ભાવુક થઈ ગયા હતા. તેમણે યાદ અપાવ્યું હતું કે તરેએ તેમને એકનાથ શિંદે વિશે ચેતવણી આપી હતી કે ‘આ માણસ ભવિષ્યમાં વિશ્ર્વાસઘાત કરશે,’ પરંતુ તેમણે તે સમયે ચેતવણીને ગંભીરતાથી લીધી નહોતી અને આખરે તેમણે કહ્યું હતું એવું જ થયું.
તરેના મતે, શિંદેએ પાર્ટીમાં એકપક્ષી નિર્ણયો લેવાની આદત નાખી હતી. તરેએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો તેમને રોકવામાં નહીં આવે, તો તેઓ ‘બીજા નારાયણ રાણે’ બની જશે. એમ કહેતાં ઠાકરેએ જણાવ્યું હતું કે, ‘જો આપણે તે સમયે તેમની વાત સાંભળી લીધી હોત, તો આપણે લોકોને શાહ સાથે હાથ મિલાવતા જોયા ન હોત.’
થાણે એક સમયે શિવસેનાનો ગઢ હતો. જો આજે અનંત તરે જેવા ‘શાહી હંસ’ હોત, તો ‘કાગડા ફફડ્યા ન હોત’, એવા શબ્દોમાં ફરી એકવાર ઉદ્ધવ ઠાકરેએ બળવાના ઘા પર આંગળી ચીંધી છે.
આ પણ વાંચો…રાજ ઠાકરે ફરી માતોશ્રીના દ્વારેઃ બન્ને ભાઈઓ વર્ષમાં છટ્ઠી વાર મળ્યા