ઉમેદવારોની પસંદગીમાં કૉંગ્રેસની તારીખ પે તારીખથી ઉદ્ધવ-સેના પરેશાન…
મુંબઈ: શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉતે બુધવારે મહારાષ્ટ્રના કૉંગ્રેસના નેતાઓ પર મહાવિકાસ આઘાડીની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓ માટેની બેઠકોની વહેંચણીમાં વિલંબ કરવાનો આરોપ લગાવ્યો હતો.
સંજય રાઉતે કહ્યું હતું કે મહાવિકાસ આઘાડી જેના મુખ્ય ઘટકપક્ષો શિવસેના (યુબીટી), કૉંગ્રેસ અને એનસીપી (એસપી) છે તેની બેઠક બુધવારે મુંબઈમાં થવાની છે, જેમાં બેઠકોની વહેંચણી આડેના કેટલાક મહત્ત્વના મુદ્દાઓ પર નિરાકરણ લાવવાનું છે. વિધાનસભાની ચૂંટણીઓ નવેમ્બર મહિનામાં થવાની શક્યતા છે.
કૉંગ્રેસ આજકાલ ઘણી વ્યસ્ત છે, આમ છતાં અમે તેમને વાટાઘાટોનો અંત લાવવા માટે વાત કરી છે. અમે કૉંગ્રેસના નેતાઓને પણ આમંત્રણ આપ્યું છે. તેઓ એટલા બધા વ્યસ્ત છે કે ત્યાંથી રોજ તારીખ પે તારીખ મળી રહી છે. આથી અમે એવું નક્કી કર્યું છે કે આગામી ત્રણ દિવસ માટે અમે સાથે જ બેસીશું, એમ રાઉતે જણાવ્યું હતું.
તેમણે એવી માહિતી આપી હતી કે બુધવારથી શુક્રવાર સુધી બેઠકોનો દોર ચાલશે. બેઠકોમાં સીટ-શેરિંગ પર ચર્ચા કરવામાં આવશે. મુંબઈમાં વત્તા-ઓછા પ્રમાણમાં ચર્ચા થઈ ગઈ છે. હવે મહારાષ્ટ્રમાં પ્રદેશ આધારિત ચર્ચાઓ કરવાની બાકી છે.(પીટીઆઈ)