Assembly Session: ઉદ્ધવ ઠાકરેએ કહ્યું શિંદે સરકારનું ‘Send-Off Session’…

મુંબઈઃ મહારાષ્ટ્રમાં આજથી શરુ થયેલા વિધાનસભાના ચોમાસું સત્ર (Maharashtra Monsoon Sessions)માં ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્ર અને મહારાષ્ટ્રની ભાજપ (ભારતીય જનતા પાર્ટી) સરકારની ટીકા કરી હતી. ઉદ્ધવ ઠાકરેએ મહાયુતિની સરકારને નીટ પેપર વિવાદ અને અયોધ્યા રામ મંદિરમાં પાણીના ગળતરનો મુદ્દો ઉઠાવ્યો હતો તેમ જ આ સરકારને ગળતરની સરકાર ગણાવી હતી.
પત્રકાર પરિષદને સંબોધતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ગુરુવારથી શરૂ થયેલા વિધાનસભાના ચોમાસુ સત્રને શિંદે સરકારનું સેન્ડ ઓફ સેશન એટલે કે તેમની વિદાયનું સત્ર ગણાવ્યું હતું. ઉદ્ધવ ઠાકરેએ આ વર્ષે યોજાનારી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પૂર્વે ખેડૂતોની લોન માફી મંજૂર કરવાની માગણી પણ કરી હતી.
ગુરુવારે વિધાનસભાના પરિસરમાં કોંગ્રેસ, એનસીપી (શરદચંદ્ર પવાર) અને શિવસેના(ઉદ્ધવ ઠાકરે)ના વિધાનસભ્યોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. નીટ પરિક્ષા વિવાદને લઇને તેમણે સરકાર વિરોધી નારેબાજી કરી હતી.
આ પણ વાંચો: Assembly Monsoon Session: વિધાનભવનના પરિસરમાં પેડાં વહેંચાયા, જાણો કોણે કોને આપ્યા?
કેન્દ્ર અને રાજ્ય સરકાર પર નિશાન સાધવા માટે ઉદ્ધવ ઠાકરેએ અયોધ્યા રામ મંદિરમાં પાણીના ગળતર અને નીટ પરિક્ષાનો મુદ્દો ઉઠાવ્યો હતો. ઉદ્ધવે કહ્યું હતું કે કેન્દ્ર અને રાજ્યમાં ગળતરની સરકાર છે કારણ કે પેપર પણ લીક થાય છે અને રામ મંદિરના ગર્ભગૃહમાં પણ પાણી લીક થાય છે. તેમને કોઇ શરમ નથી.
ચૂંટણી પહેલા તાત્કાલિક ધોરણે ખેડૂતોની લોન માફ કરવામાં આવવી જોઇએ. રાજ્યમાં છેલ્લાં બે વર્ષમાં 6,250 ખેડૂતોના મૃત્યુ થયા છે. પહેલી જાન્યુઆરીથી માંડીને અત્યાર સુધી 1,046 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. ખેડૂતોને સહાયરૂપે જાહેર કરવામાં આવેલી 10,020 કરોડ રૂપિયાની રકમ પણ હજી ચૂકવવામાં આવી નથી, એમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું.