લાડલી બહેન યોજના વધારશે ઉદ્ધવ ઠાકરે શરદ પવારનું ટેન્શન?
લોકસભાની ચૂંટણીમાં વિજય અપાવનારા મુસ્લિમ મતદારો તૂટવાની આશંકા
મુંબઈ: મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ સહિત સમગ્ર રાજ્યમાં મુસ્લિમ મહિલાઓ લાડલી બહેન યોજનાનાં ફોર્મ ભરી રહી છે. મુસ્લિમ મહિલાઓ કતારમાં ઉભી રહીને ફોર્મ ભરી રહી છે અને તેઓ કહે છે કે દર મહિને 1500 રૂપિયાની આ રકમ તેમના માટે 15 લાખ રૂપિયા જેટલી છે. તેમણે કહ્યું હતું કે તેમને વર્તમાન સરકારમાં વિશ્ર્વાસ છે કે આ યોજના ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. મહારાષ્ટ્ર સરકારની યોજના અંગે મુસ્લિમ મહિલાઓનું આ વલણ શિવસેના (યુબીટી) ચીફ ઉદ્ધવ ઠાકરે અને એનસીપી (એસપી) સુપ્રીમો શરદ પવારને ટેન્શન આપી શકે છે.
મુસ્લિમ મહિલાઓની પણ ફરિયાદ છે કે કોંગ્રેસે ‘ખટાખટ’નું વચન પાળ્યું નથી. તેમણે કહ્યું હતું કે આ યોજના ઘણી મદદ કરશે. અમે મહાયુતિ સરકારને આગામી ચૂંટણીમાં સમર્થન આપીશું. કોંગ્રેસ અને એમવીએેએ જૂઠું બોલીને અમારા મત લીધા હતા, અમે લોકસભાની ચૂંટણીમાં કરેલી આ ભૂલ ફરીથી નહીં કરીએ. મોદી સરકાર ટ્રિપલ તલાક વિરુદ્ધ કાયદો લાવી, સુક્ધયા સમૃદ્ધિ યોજના લાવવામાં આવી અને અટકી નહીં. આ યોજના પણ ચાલુ રહેશે.
આ યોજનામાં મુસ્લિમ મહિલાઓની સક્રિયતાથી વિપક્ષો પરેશાન છે અને તેઓ માટે મોટી સમસ્યા એ છે કે તેઓ આનો ઉકેલ પણ શોધી શક્યા નથી કે તેનો વિરોધ પણ કરી શકતા નથી.
સમાજવાદી પાર્ટીના નેતા અબુ આસીમ આઝમીએ કહ્યું હતું કે લોકસભા ચૂંટણીમાં હાર બાદ મહાયુતિ સરકાર ચૂંટણી જીતવા માટે આ સ્કીમ લાવી છે. જ્યારે તેમની સરકાર 2.5 વર્ષ સુધી સત્તામાં હતી ત્યારે આ યોજના કેમ અમલમાં ન આવી? પરંતુ લઘુમતી, દલિત અને પછાત જાતિની મહિલાઓ જાણે છે કે એનડીએ સરકાર કેવી છે, તેથી જનતા તેમને સમર્થન નહીં આપે. 1500 રૂપિયામાં શું છે? કોંગ્રેસ શાસિત રાજ્યોમાં અમે મહિને 8500 રૂપિયા અને મહિલાઓને 1 લાખ રૂપિયા પ્રતિ વર્ષ આપીએ છીએ. અમારી સરકાર આવશે તો અમે વધુ સારી યોજના લાવીશું એમ પણ તેમણે કહ્યું હતું.
શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે આ મુદ્દે વધુ આકરું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, મુસ્લિમો કોઈની સાથે બંધાયેલા નથી. જ્યાં સુધી ભાજપ-શિવસેનાની સરકારમાં બેઠેલા લોકો મુસ્લિમો પરના અત્યાચાર અને અન્યાય બંધ નહીં કરે ત્યાં સુધી તેઓ આવી ગમે તેટલી યોજનાઓ લાવે મુસ્લિમો તેમની સાથે જોડાશે નહીં.
મહારાષ્ટ્રના કેબિનેટ પ્રધાન દીપક કેસરકરે કહ્યું છે વિપક્ષ હંમેશા ખોટો પ્રચાર કરવાનો પ્રયાસ કરે છે અને હવે તેમને ડર છે કે લોકસભામાં કરાયેલો ખોટો પ્રચાર કામ નહીં કરે, તેથી તેઓ કલ્યાણકારી યોજનાઓ અંગે ભ્રમ ફેલાવી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં મુસ્લિમોની વસ્તી લગભગ 12 ટકા છે. 2024ની લોકસભા ચૂંટણીમાં 3 ટકાથી ઓછા મુસ્લિમોએ એનડીએને મત આપ્યો હતો, જ્યારે બીજી તરફ, વિરોધ પક્ષ એમવીએ અથવા ઈન્ડી એલાયન્સને 95 ટકાથી વધુ મુસ્લિમ મતો મળ્યા હતા. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં લગભગ 80 લાખ મહિલા મુસ્લિમ મતદાતાઓ છે અને જો તેમાંથી મોટો હિસ્સો મહાયુતિની સાથે જોડાય છે તો શરદ પવાર માટે તે ટેન્શનનું કારણ બની રહેશે. સાથે જ આ યોજનાની એકંદર અસર ઉદ્ધવ ઠાકરેના રાજકારણ પર પણ પડી શકે છે.
Also Read –