આમચી મુંબઈ

કુછ તો ગડબડ હૈ: ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉત સિલ્વર ઓક પહોંચતા રાજકીય માહોલમાં ગરમાવો…

મુંબઈઃ મહાવિકાસ આઘાડીમાં રાજકીય હિલચાલ એકદમ તેજ થઈ ગઈ છે. રાજ્યમાં પહેલાંથી જ મરાઠા આરક્ષણના મુદ્દે ગરમાગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે. મનોજ જરાંગેએ આમરણ અનશન પર બેઠા છે. તેમને સમજાવવાના તમામ પ્રયાસ રાજ્ય સરકાર દ્વારા કરાઈ રહ્યા છે. દરમિયાન બીજી બાજું પણ હિલચાલ તેજ થઈ ગઈ છે.

દરમિયાન રાષ્ટ્રવાદી કોંગ્રેસના અધ્યક્ષ શરદ પવારના નિવાસ સ્થાન સિલ્વર ઓક ખાતે ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉત પહોંચતાં મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું છે. રાષ્ટ્રવાદીના પ્રદેશાધ્યક્ષ જયંત પાટિલ પહેલાંથી જ સિલ્વર ઓક પર હાજર છે. હવે ઉદ્ધવ અને સંજય અચાનક શરદ પવારને કેમ મળવા પહોંચ્યા એવો સવાલ થાય એ સ્વાભાવાકિ છે, તો તમારી જાણ માટે કે આવતીકાલે INDIA ગઠબંધનની બેઠક યોજાવવા જઈ રહી છે.


આ પહેલાં 31મી ઓગસ્ટ અને પહેલી સપ્ટેમ્બરના મુંબઈમાં વિપક્ષોના ગઠબંધન INDIAની બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં સમન્વય સમિતીની સ્થાપના કરવામાં આવી હતી. આવતીકાલે 13મી સપ્ટેમ્બર છે અને શરદ પવારના નવી દિલ્હીના નિવાસસ્થાને INDIAની સમન્વય સમિતીની બેઠક યોજાવવાની છે. આ જ બેઠક સંદર્ભે ચર્ચા કરવા માટે ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉત સિલ્વર ઓક પહોંચ્યા હતા.


સીટની વહેંચણી એ INDIA માટે સૌથી મોટો યક્ષપ્રશ્ન છે. આ ઉપરાંત 18મી સપ્ટેમ્બરથી સંસદનું વિશેષ સત્ર પણ શરૂ થવા જઈ રહ્યું છે. તેની રણનીતિ પણ આ સમન્વય સમિતીની બેઠકમાં ઘડવામાં આવી શકે છે એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. NDAને સંસદમાં કઈ રીતે ઘેરી શકાય, આ ઉપરાંત તેને ફરી સત્તામાં આવતી રોકવા માટે શું પ્લાનિંગ કરવું જોઈએ એની ચર્ચા પણ આ આવતીકાલની બેઠકમાં થઈ શકે છે. પણ આ બધા વચ્ચે પવાર અને ઠાકરે વચ્ચે ચર્ચાનો મુખ્ય મુદ્દો શું હશેએ વિશે પણ રાજકીય વર્તુળોમાં જાત જાતની અટકળો વ્યક્ત કરાઈ રહી છે.


દરમિયાન એક શક્યતા એવી પણ વ્યક્ત કરાઈ રહી છે કે રાજ્યની બેઠકોની વહેંચણીના ફોર્મ્યુલા વિશે પણ પવાર અને ઠાકરે પર ચર્ચા થઈ શકે છે. એમવીએમાં કોંગ્રેસ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ અને ઠાકરે જૂથ એમ ત્રણ પક્ષોનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં લોકસભાની 48 બેઠકો છે. કોના ભાગે કેટલી બેઠકો આવશે એ મુદ્દો મુખ્ય હશે. INDIAના લોગો વિશે પણ આ બેઠકમાં ચર્ચા થઈ શકે છે એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button