મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી ઉથલપાથલના સંકેત? ઉદ્ધવ ઠાકરે અને ભાજપના દરેકર વચ્ચે મૈત્રીપૂર્ણ વાતચીત, હાથ મિલાવવાની ઓફર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: મહારાષ્ટ્ર વિધાનસભામાં ઉદ્ધવ ઠાકરે અને ભાજપના વિધાન પરિષદના જૂથનેતા અને દેવેન્દ્ર ફડણવીસના અત્યંત નજીકના માનવામાં આવતા પ્રવીણ દરેકર વચ્ચે હળવા વાતાવરણમાં થયેલી વાતચીતને કારણે રાજકીય ગલિયારાઓમાં જૂના સાથીદારો ફરી એક સાથે આવવાની ચર્ચા વધુ તીવ્ર બની છે. દરેકરે પોતાને બાળ ઠાકરેના સાચા શિવસૈનિક ગણાવ્યા હતા, જેના જવાબમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ‘જો તમે મરાઠી લોકો માટે પ્રામાણિકપણે કામ કરવા માંગતા હો, તો શિવસેનામાં પાછા ફરો.’
મહારાષ્ટ્રના રાજકારણમાં દરેક જગ્યાએ કડવાશ અને આરોપો અને પ્રતિ-આરોપો ચાલી રહ્યા છે, પરંતુ વિધાનસભા પરિસરમાં એક હળવી અને મૈત્રીપૂર્ણ ક્ષણ જોવા મળી હતી. વિધાનસભાનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે ત્યારે દરમિયાન શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરે અને ભાજપના પ્રવીણ દરેકર વચ્ચે થયેલી વાતચીતે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. એક સમયે શિવસેનામાં રહેલા દરેકરે પોતાને બાળ ઠાકરેના ‘100 ટકા સાચા શિવસૈનિક’ ગણાવ્યા હતા, જેના પર ઉદ્ધવે તેમને ‘પાછા ફરવા’નું આમંત્રણ આપ્યું હતું.
આ બેઠક વિધાનભવનમાં થઈ હતી જ્યારે પ્રવીણ દરેકર ઉદ્ધવ ઠાકરેને સમિતિનો અહેવાલ સુપરત કરવા પહોંચ્યા હતા. આ અહેવાલ સ્વ-પુન:વિકાસ પ્રોજેક્ટ પર આધારિત હતો. આ દરમિયાન વાતચીત શરૂ થઈ અને ટૂંક સમયમાં તે અનૌપચારિક અને મજાક-મસ્તીમાં ફેરવાઈ ગઈ. આ દ્રષ્ય જોઈને આસપાસ હાજર પક્ષોના કાર્યકરો પણ હસવાનું રોકી શક્યા નહીં.
આ પણ વાંચો: ચૂંટણીનો ચિહ્ન વિવાદઃ ઉદ્ધવ ઠાકરે જૂથની અરજી પર ઓગસ્ટમાં સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી…
વાતચીત માટે દરવાજો ખુલ્યો
વાતચીત દરમિયાન, ઉદ્ધવ ઠાકરેએ દરેકરને કહ્યું કે ‘જો તમારા પ્રયાસો પ્રામાણિક છે, તો હું હંમેશા વાત કરવા માટે તૈયાર છું. જવાબમાં, દરેકરે પોતાને બાળ ઠાકરેના વફાદાર શિવસૈનિક ગણાવ્યા અને કહ્યું કે કોઈ તેમના ઇરાદા પર શંકા ઉઠાવી શકે નહીં.
ઠાકરેએ આ પ્રસંગે પણ તીખી ટીકા કરી. તેમણે કહ્યું કે જો તમે ખરેખર મરાઠી લોકોના હિતમાં કામ કરવા માંગતા હો, તો તમારે ફરીથી શિવસેનામાં પાછા આવવું પડશે. આ સાથે, તેમણે એકનાથ શિંદે જૂથ પર પણ આડકતરી રીતે નિશાન સાધ્યું અને કહ્યું હતું કે નકલી શિવસૈનિકોને પણ પ્રમાણિક બનવા કહો.
ચાલો બધા સાથે આવીએ: દરેકર
દરેકરે પણ ઉદ્ધવના આ ટોણાને રમુજી રીતે લીધો અને હસતાં હસતાં કહ્યું કે અલબત્ત, ચાલો બધા સાથે આવી જઈએ. આ સાંભળીને આસપાસ હાજર લોકોના ચહેરા પર સ્મિત આવી ગયું. વાતચીત ભલે અનૌપચારિક હોય, પરંતુ તેના રાજકીય સંકેતો ઊંડા હોઈ શકે છે, એમ આ પ્રસંગે હાજર રાજકીય નિરીક્ષકોનું માનવું છે.
આ પણ વાંચો: વિરોધ રોકવા સરકારે જીઆર પાછા ખેંચ્યા, મરાઠી એકતા જાળવી રાખવી પડશે: ઉદ્ધવ ઠાકરે
રાજકીય તણાવ વચ્ચે મૈત્રીપૂર્ણ ક્ષણ
આ આખી ઘટના એવા સમયે બની છે જ્યારે 2022માં શિવસેનામાં ભાગલા પડ્યા પછી રાજ્યમાં રાજકીય તણાવ છે. ભાજપ અને ઠાકરે જૂથ વચ્ચેના સંબંધોમાં તીવ્ર કડવાશ છે. આમ છતાં, આવી હળવી વાતચીત દર્શાવે છે કે રાજકીય મતભેદો હોવા છતાં, કેટલાક નેતાઓ વચ્ચે હજી પણ સંવાદ અને સુમેળ માટે અવકાશ છે.
ઉદ્ધવ ઠાકરે અને દરેકર વચ્ચેની આ નાની વાતચીત ઘણા રાજકીય સંકેતો છોડી ગઈ છે. શું તે માત્ર એક સંયોગ હતો કે ભવિષ્યના જોડાણની ઝલક હતી? એ તો સમય જ કહેશે. પરંતુ એ ચોક્કસ છે કે મહારાષ્ટ્રના રાજકારણમાં, જ્યાં નિવેદનબાજી અને આરોપ-પ્રત્યારોપનો માહોલ છે, ત્યાં આ હળવી મુલાકાતને પગલે રાજ્યમાં નવાં રાજકીય ગણિત મંડાય એવી શક્યતા જોવાઈ રહી છે. હવે રાજકીય નિરીક્ષકો પ્રત્યેક હિલચાલ પર બારીક નજર રાખી રહ્યા છે.