Election: યવતમાળ પછી લાતુરમાં ઉદ્ધવ ઠાકરેની બેગ તપાસી, કેન્દ્રને કર્યાં સવાલ?
મુંબઈ/લાતુરઃ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેના હેલિકોપ્ટરના સામાનની આજે ફરી એકવાર તપાસ કરવામાં આવી હતી. આ પહેલા સોમવારે યવતમાળમાં તેમના સામાનની તપાસ કરવામાં આવી હતી, જે બાબત સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.
આ પણ વાંચો : ભાજપનો ધર્માન્તરણ વિરોધી કાયદાનો વાયદોઃ મહારાષ્ટ્રના ખ્રિસ્તીઓ કેમ ચિંતામાં મૂકાયા
સોમવારે ઉદ્ધવ ઠાકરેએ દાવો કર્યો હતો કે જ્યારે તેઓ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે યવતમાળ પહોંચ્યા ત્યારે સરકારી અધિકારીઓએ તેમની બેગ તપાસી હતી. પૂર્વ મુખ્યમંત્રીએ પૂછ્યું કે શું ચૂંટણી અધિકારીઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય વરિષ્ઠ નેતાઓના સામાનની પણ તપાસ કરશે?
ઉદ્ધવ ઠાકરેએ યવતમાલના વાનીમાં શિવસેના (યુબીટી) ઉમેદવાર સંજય ડેરકરના સમર્થનમાં આયોજિત જાહેર સભાને સંબોધતા આ ઘટના વિશે માહિતી આપી હતી. શિવસેના (યુબીટી) પ્રમુખે કહ્યું કે જ્યારે તેઓ હેલિકોપ્ટર દ્વારા વાની પહોંચ્યા તો ઘણા સરકારી અધિકારીઓએ તેમની બેગ તપાસી હતી.
તેમણે પક્ષના કાર્યકરો અને મતદારોને અધિકારીઓના ખિસ્સા અને ઓળખ કાર્ડ પણ તપાસવા જણાવ્યું હતું. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે તેઓ ચૂંટણી અધિકારીઓથી નારાજ નથી. તમે તમારી જવાબદારી નિભાવી રહ્યા છો અને હું મારી જવાબદારી નિભાવીશ. જે રીતે તમે મારી બેગ તપાસી છે શું તમે મોદી અને શાહની બેગની તપાસ કરશો?
આ પણ વાંચો : Assembly Elections: ભાજપ પૂરી ક્ષમતા સાથે મેદાનમાં, વડાપ્રધાન, ગૃહ પ્રધાન અને ભાજપ આધ્યક્ષ સભાઓ ગજવશે
તેઓ જાણવા માગતા હતા કે શું મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાનો અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસની બેગની તપાસ કરવામાં આવે છે? ઠાકરેએ કહ્યું હતું કે આ બધી બિનજરૂરી વસ્તુઓ કરવામાં આવી રહી છે, હું તેને લોકશાહી ગણતો નથી, તે લોકશાહી હોઈ શકે નહીં. લોકશાહીમાં કોઈ મોટું કે નાનું નથી હોતું. તેમણે કહ્યું કે જો ચૂંટણી અધિકારીઓ તેમની બેગ (શાસક ગઠબંધનના વરિષ્ઠ નેતાઓ) તપાસશે નહીં, તો શિવસેના (યુબીટી) અને વિપક્ષના એમવીએ કાર્યકરો તેમને તપાસશે.