વક્ફ બિલ મુદ્દે ઉદ્ધવ ઠાકરેએ પોતે કરી સ્પષ્ટતા, અમુક સુધારા સારા પણ…

મુંબઈઃ વક્ફ સંશોધિત બિલને લોકસભામાં મંજૂરી મળ્યા પછી રાજકારણ ગરમાયું છે, જેમાં મહારાષ્ટ્રમાં પણ અલગ અલગ પ્રતિક્રિયાઓ મળી રહી છે. રાજ્ય સરકારે તો ખરડાને વધાવ્યો હતો, ત્યારે આ મુદ્દે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પોતે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. તેમણે કહ્યું હતું કે અમે વક્ફ બિલનું સમર્થન કરીએ છીએ, પરંતુ સરકાર આ બિલ લાવીને શું બતાવવા માગે છે. તેઓ જે કરવા ઈચ્છે છે તે કરે જ છે. જોકે, હિંદુ મુસલમાન કરે છે. તેમણે સરકારની ટીકા કરતા કહ્યું હતું કે તેમનાથી તો ઝિન્ના પણ શરમાઈ જશે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે વક્ફ બિલમાં અમુક સુધારા સારા છે, પણ ભારતીય જનતા પાર્ટીને મુસલમાન વિરોધી ગણાવી હતી.
ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની ટીકા કરતા કહ્યું હતું કે તેઓ ગઈકાલે મુસ્લિમો પર ભાષણ આપી રહ્યા હતા તો અમને જણાવો કે હવે હિંદુત્વ કોને છોડ્યું છે તેમ જ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે ભાજપ પોતાના ઝંડામાંથી ગ્રીન કલર હટાવી દે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે કલમ 370નું સમર્થન કોણે કર્યું હતું. અમે એનું પણ સમર્થન કર્યું હતું. ઉદ્ધવ ઠાકરેએ સોગાત એ મોદી કીટની ટીકા કરતા કહ્યું હતું કે ઈદ થઈ છે અને બધાએ ઈદમાં ખાઈને ઓડકાર પણ ખાધો છે.
ઉદ્ધવ ઠાકરેએ ભાજપ અને એકનાથ શિંદેની શિવસેના પર નિશાન સાધ્યું હતું. જોકે, લોકસભામાં એકનાથ શિંદેની શિવસેનાવતીથી શિંદેના પુત્ર શ્રીકાંત શિંદેએ ઠાકરે પર પ્રહાર પર કહતા કહ્યું હતું કે યુબીટી (ઉદ્ધવ ઠાકરે જૂથ)એ પોતાના અંતરાત્માને પૂછવું જોઈએ કે જો બાળાસાહેબ અહીં હોત તો અહીં ભાષણ આપી શક્યા હોત? શિવસેના યુબીટી વક્ફ બિલનો વિરોધ કરે છે.
વક્ફ સંશોધિત બિલ મુદ્દે શિવસેના યુબીટીએ સરકારના દાવાઓને ફગાવ્યો હતો. વક્ફ સંશોધન બિલ મુદ્દે ઉદ્ધવ ઠાકરેએ ભાજપના આરોપોને પણ ફગાવ્યા હતા અને ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે આ ફક્ત બિલ જમીન માટે લાવ્યા છે. અમે આ બિલનો વિરોધ કર્યો નથી, પરંતુ અમે ભ્રષ્ટાચારનો વિરોધ કર્યો હતો, પણ અમે ભાજપ દ્વારા કરવામાં આવતા નાટકનો વિરોધ કરીએ છીએ. તેમણે ભાજપને ચેલેન્જ આપતા કહ્યું હતું કે તેઓ જો મુસલમાનોને પસંદ કરતા નથી તો તેમના ઝંડામાંથી લીલો રંગ હટાવી લે. દરમિયાન અમેરિકાના ટેરિફ મુદ્દે પણ સરકારનું વલણ સ્પષ્ટ કરવા અંગે જણાવ્યું હતું.