Happy Birthday Uddhav Thackeray: બહુત કઠીન હૈ ડગર પનઘટ કી

વર્ષ 2019માં મહારાષ્ટ્ર રાજ્યના 19માં મુખ્ય પ્રધાન બનેલા શિવસેના સુપ્રીમો બાળ ઠાકરેના પુત્ર ઉદ્ધવ ઠાકરેનો આજે 64મો જન્મદિવસ છે. 2019 પહેલા શાંત અને સૌમ્ય અથવા તો બાળ ઠાકરે જેવા આક્રમક ન હોવાને લીધે ક્યાંક નબળા ગણાતા ઉદ્ધવ ઠાકરેએ વર્ષ 2019માં ભાજપ સાથે 25 વર્ષ જૂનો નાતો તોડી કૉંગ્રેસ-એનસીપી સાથે હાથ મિલાવી સત્તા સંભાળી. ખુદ શિવસૈનિકોના મનમાં બંધ બેસે નહીં તેવું આ ત્રિપાખીયું ગઠબંધન ધીમે ધીમે મજબૂત થયું. તેવામાં કોરોનાની મહામારી આવી અને મહાવિકાસ આઘાડી પક્ષે સારી રીતે સંભાળી પણ. જોકે વિપક્ષમાં ભાજપ હોઈ ઘણા આક્ષેપો અને વિવાદો થયા.


આ ત્રણ પૈડાંની ગાડી ચાલી રહી હતી ત્યાં જ શિવસેનાના કદાવર નેતા એકનાથ શિંદેએ 2021માં બંડ પોકાર્યો અને શિવસેનામાં જબરું ભંગાણ થયું. સત્તા પણ ગઈ અને સેના માટે અસ્તિત્વના સવાલો ઊભા થયા. એકાદ વર્ષ બાદ એનસીપીમાં પણ ભંગાણ થયું અને શરદ પવારનો પક્ષ પણ નબળો પડ્યો. જોકે આ બધા વચ્ચે ઉદ્ધ ઠાકરે મજબૂતાઈથી ઊભા રહ્યા. શરદ પવારની એનસીપી અને કૉંગ્રેસ જેવી મહારાષ્ટ્રમાં ઊંડા મૂળીયા ધરાવતી પાર્ટીઓ સાથે ગઠબંધન ટકાવી રાખવું અને નબળી પડેલી પોતાની પાર્ટીને ફરી ઊભી કરવી આ બન્ને ઠાકરે માટે લિટમસ ટેસ્ટ પુરવાર થયા. જોકે તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં મહાવિકાસ આઘાડીના ત્રણેય પક્ષ ફરી ટટ્ટાર થઈને ઊભા રહ્યા અને ભાજપ અને સાથી પક્ષો પર ભારે પડ્યા. મહારાષ્ટ્રની 48 Loksabha seatsમાંથી 30 મહાવિકાસ આઘાડીએ પોતાને નામ કરી અને મહાયુતિને 18 બેઠક પૂરતી સિમિત કરી.

હવે ઠાકરે સામે આના કરતા પણ મોટો પડકાર છે અને તે છે આવનારી વિધાનસભાની ચૂંટણી. 2019 પછીના ઉદ્ધવ ઠાકરે પાસેથી ઘણી અપેક્ષાઓ સેવાઈ રહી છે. 2019 બાદ તેમણે સ્વતંત્ર રીતે પોતાના પક્ષને રાજ્યમાં આગળ પડતો કરવાનો રહશે. હવે તેઓ પોતાના હિન્દુત્વના ચહેરા અને ભાજપના ભગવા રાજકારણનો લાભ નહીં મેળવી શકે. કૉંગ્રેસ અને એનસીપી મહારાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારોમાં ખૂબ જ ઊંડા મૂળિયા ધરાવતા પક્ષો છે. શિવસેનાનો મુંબઈ, નાશિક જેવા શહેરી વિસ્તારોમાં સારો દબદબો છે, પણ વિધાનસભાની 288 બેઠકમાંથી જેટલી બેઠક તેમના પક્ષના ભાગમાં આવે તેના પર વિજય મેળવવો આસાન નથી.
મુંબઈ શહેરમાં ભાજપ સાથે અને થાણેમાં શિંદેસેના સાથે સીધો મુકાબલો છે તો અન્ય ભાગોમાં પણ પડકારો ઓછા નથી. આ બધા વચ્ચે ઉદ્ધવ ઠાકરે કઈ રીતે બાળ ઠાકરેની શિવસેનાનો ઝંડો લહેરાવે છે, તે પક્ષનો વર્તમાન અને ભવિષ્ય નક્કી કરશે.
ઉદ્ધવ ઠાકરેને જન્મદિવસની શુભકામના…..