ઉદ્ધવ ઠાકરેના ચૂંટણી ઢંઢેરામાં સમાન નાગરી ધારાને ભુલાવી દેવાયો
બાળ ઠાકરેના વિચારોને તિલાંજલી આપીને કૉંગ્રેસના રસ્તે ચાલી પડી છે શિવસેના (યુબીટી)
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રમાં હવે ચૂંટણીનો જંગ જામ્યો છે, ઉદ્ધવ ઠાકરેએ લોકસભાની ચૂંટણી માટે જાહેર કરેલા ચૂંટણી ઢંઢેરામાં બાળ ઠાકરેની સૌથી મોટી ઈચ્છાને સ્થાન ન આપતાં હવે તેમની ભારે ટીકા થઈ રહી છે. બાળ ઠાકરે જીવતા હતા ત્યાં સુધી તેમણે દેશમાં સમાન નાગરી ધારો (યુનિફોર્મ સિવિલ કોડ-યુસીસી) લાગુ કરવાની માગણી કરી હતી, અત્યારે જ્યારે ભાજપ આ માગણી સાથે આગળ વધી રહી છે ત્યારે શિવસેના (યુબીટી)ના વચનનામામાંથી આ બાબતની બાદબાકીના ગંભીર પડઘા પડ્યા છે. બીજી તરફ શિવસેના દ્વારા સમાન નાગરી ધારાનું સમર્થન કરીને બાળ ઠાકરેના વિચારોને આગળ લઈ જવાની કવાયત કરવામાં આવી રહી છે.
ઉદ્ધવ ઠાકરે દ્વારા જાહેર કરવામાં આવેલા વચનનામામાં સમાન નાગરી ધારાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. બાળ ઠાકરે સમાન નાગરી ધારાના કટ્ટર સમર્થક હોવાથી આ મુદ્દે શિવસેના (યુબીટી) દ્વારા લેવામાં આવેલો યુ-ટર્ન લોકોને પસંદ પડ્યો નથી.
વાસ્તવમાં કૉંગ્રેસે સમાન નાગરી ધારાનો વિરોધ કર્યો છે અને તેથી જ કદાચ તેમનાથી ડરીને ઉદ્ધવ ઠાકરેએ પોતાનું વલણ બદલી લીધું છે એવો ગંભીર આક્ષેપ શિવસેના દ્વારા કરવામાં આવ્યો છે.
મહેબૂબા મુફતી અને ઉમર અબ્દુલ્લાની વચ્ચે બેસનારા ઉદ્ધવ ઠાકરેનો સમાન નાગરી ધારાને મુદ્દે યુ-ટર્ન વંદનીય બાળ ઠાકરેના મૂળ સિદ્ધાંતોનું અપમાન અને દેશવિરોધી કૃત્ય છે એમ પણ શિવસેના દ્વારા કહેવામાં આવ્યું છે.
બીજી તરફ રાજ્યની મહાયુતીમાં સામેલ અને એનડીએનો હિસ્સો રહેલી શિવસેનાએ એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળ બાળ ઠાકરેના વિચારોને આગળ લઈ જવાની કવાયત કરી છે.
એકનાથ શિંદેએ દેશમાં સમાન નાગરી ધારાને લાગુ કરવા માટે પ્રતિબદ્ધતા દાખવી છે અને આ મુદ્દે આગામી દિવસોમાં કેન્દ્રની સરકારને આવશ્યક બધી જ મદદ ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપી છે.
બાળ ઠાકરેના માર્ગ પર ચાલતાં શિવસેનાએ રાષ્ટ્રવાદને પ્રાથમિકતા આપી છે. રાજ્યમાં બેરોજગારો માટે રોજગાર નિર્માણ કરવા માટે આખી દુનિયામાંથી રોકાણો લાવવા, લોકોને આરોગ્ય સુરક્ષા આપવા માટે મફતમાં આરોગ્ય સેવાનો નાગરિકોને લાભ આપવો, બાળ ઠાકરેના રસ્તે પાર્ટીમાં સત્તાનું વિકેન્દ્રીકરણ કરવું, રાજ્યને ઉદ્યોગ અને વ્યાપારનું કેન્દ્ર બનાવવું, મહિલાઓનું સન્માન કરવું વગેરે મુદ્દે એકનાથ શિંદેની સરકારમાં કરવામાં આવેલા કામ લોકોની નજર સમક્ષ છે અને બાળ ઠાકરેના વિચારોના અસલી વારસદાર કોણ છે તે લોકોને હવે સમજાઈ રહ્યું છે. આથી જ આગામી ચૂંટણીમાં લોકો એકનાથ શિંદેની શિવસેનાને જ અસલી શિવસેનાનો પ્રેમ આપશે એમ કેટલાક રાજકીય નિરીક્ષકોનું માનવું છે.