રામ મંદિર મુદ્દે મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું, ઉદઘાટન સમારંભમાં ઠાકરે પરિવાર નજરઅંદાજ?
મુંબઇ: જે રામ મંદિર લોકો માટે આસ્થાનો વિષય છે એ રામ મંદિર હવે રાજકારીઓ માટે જાણે ચૂંટણી જીતવાનું અથવા તો આ મુદ્દા દ્વારા ચૂંટણી હરાવવાનું ટ્રમકાર્ડ બની ગયું છે. રામ મંદિરનો મુદ્દો છેલ્લાં ઘણાં સમયથી રાજકીય મુદ્દો બની ગયો છે. ત્યારે હવે રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઇને મહારાષ્ટ્રનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. રામ મંદિરના ઉદઘાટન સમારંભમાં ઠાકરે પરિવારને બાદ કરતાં તમામને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેને કારણે હવે આ મુદ્દે મહારાષ્ટ્રમાં આરોપ-પ્રતિઆરોપનુ રાજકારણ ચાલી રહ્યું છે.
દેશભરનાં અનેક પ્રતિષ્ઠિત લોકોને રામ મંદિરના ઉદઘાટન સમારંભ માટે આમત્રીત કરવામાં આવ્યા છે. પણ સ્વર્ગીય શિવસેના પ્રમૂખ બાળાસાહેબ ઠાકરેના પરિવારને આમંત્રીત કરવામાં આવ્યા નથી. જોકે બાબરી મસ્જિદ પાડવામાં આવી ત્યારે જ્યારે હિન્દુવાદી નેતાઓ અને કાર્યકર્તાઓની અટક થઇ રહી હતી તે વખતે બાબરી મસ્જિદ પાડવા માટે શિવસૈનિકોને જવાબદાર ગણવામાં આવ્યા હતાં. ત્યારે બાળાસાહેબ ઠાકરેએ કહ્યું હતું કે, જો બાબરી મસ્જિદ મારા શિવસૈનિકોએ તોડી છે તો મને એમના પર ગર્વ છે.
રામ જન્મભૂમિ મૂક્તી આંદોલનના લાંબા સંઘર્ષ બાદ અયોધ્યામાં રામ મંદિરનું ઉદઘાટન થવા જઇ રહ્યું છે. ત્યારે આ પ્રસંગમાં બાળાસાહેબ ઠાકરેના દિકરા અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને આમંત્રીત કરવામાં આવ્યા નથી.
ભાજપના નેતા અને રાજ્યના કેબિનેટ પ્રધાન ગિરીશ મહાજને પ્રશ્ન ઊભો કર્યો છે કે રામ મંદિરના નિર્માણમાં ઠાકરે જૂથનું શું યોગદાન છે? સરકારની વીવીઆઇપી લિસ્ટમાં ઉદ્ધવ ઠાકરેનું નામ નથી. તેથી તેમને ઉદઘાટન સમારંભમાં બોલાવવામાં આવ્યા નથી. આ સમારંભ માટે સાડા આઠ હજાર લોકોને આમંત્રીત કરવામાં આવ્યા છે. એ લોકો કહી રહ્યાં છે કે અમે કર્યુ, અમે કર્યું પણ દેશની જનતા જાણે છે કે રામ મંદિરના નિર્માણમાં ઉદ્ધવ ઠાકરેનું કોઇ યોગદાન નથી. અત્રે ઉલ્લેખનીય છે કે આ ઉદઘાટન સમારંભ માટે રાજ ઠાકરેને આમંત્રીત કરવામાં આવ્યા છે પણ તેની હજી સુધી કોઇ સત્તાવાર જાણકારી મળી નથી.
આ અંગે ઠાકરે જૂથના નેતા તથા વિધાન પરિષદના સદસ્ય સચિન આહિરે કહ્યું કે, અમને આમંત્રણ મળે કે ન મળે પણ રામ મંદિર અમારી આસ્થાનો વિષય છે. આજે જે લોકો રામ મંદિરના ઉદઘાટનને એક ઇવેન્ટ બનાવી રહ્યા છે એ લોકો ત્યારે ભાગી ગયા હતાં.
સચિન આહીરે વધુમાં જણાવ્યું કે, લાલકૃષ્ણ અડવાણીને તો યાદ પણ નથી કરાયા, વિશ્વ હિન્દુ પરિષદનો ઉલ્લેખ પણ થયો નથી. રામ મંદિર બને તે માટે બાળાસાહેબની વિચારધારા સખત હતી. પણ હવે તેને ઇવેન્ટ બનાવવામાં આવી રહી છે. અમને ગર્વ છે કે રામ મંદિર બની ગયું છે. અમને આમંત્રણ મળે કે ના મળે અમે પાછલાં વર્ષની જેમ જ ભવિષ્યમાં પણ ત્યાં નતમસ્તક થઇશું.
આ અંગે વાત કરતાં શિવસેના ઉદ્ધવ જૂથના સાંસદ સંજય રાઉતે કહ્યું હતું કે, જે લોકો પૂછી રહ્યાં છે કે રામ મંદિર માટે શિવસેનાનું શું યોગદાન છે, હું એમને યાદ કરાવવા માંગુ છું કે, આંદોલન સમયે બાબરી અમારી સામે તૂટી હતી, જે આજે પોતાને યોદ્ધા કહેવડાવી રહ્યાં છે તેઓ ત્યારે ડરીને ભાગી ગયા હતાં. ત્યાં શિવસેનાના લોકો અડગ ઉભા હતાં. હવે આ ઉંધી પૂછડીએ ભાગી જનારા અમને શું યોગદાન પૂછશે? હિન્દુત્વના મેદાનમાંથી નાસી જનારા અમને સવાલ ના પૂછે.