મુખ્ય પ્રધાન ફડણવીસ ‘ભ્રષ્ટ’ પ્રધાનોને બચાવી રહ્યા છે: ઉદ્ધવ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ સોમવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પર તેમના પ્રધાનમંડળમાં રહેલા ભ્રષ્ટ પ્રધાનોને ‘બચાવવા’નો આરોપ લગાવ્યો અને એવો દાવો કર્યો હતો કે શાસક મહાયુતિએ રાજ્યને વિકાસમાં છેલ્લા સ્થાને અને ભ્રષ્ટાચારમાં ટોચ પર ધકેલી દીધું છે.
મુખ્ય હરીફ શિવસેનાના ‘ભ્રષ્ટ’ પ્રધાનોને બરતરફ કરવાની માગણી માટે અહીં આયોજિત વિરોધ પ્રદર્શનમાં બોલતાં ઠાકરેએ કહ્યું કે જ્યાં સુધી તે પ્રધાનોને દરવાજો ન બતાવવામાં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. સેના (યુબીટી)એ કહ્યું કે તેણે રાજ્યભરમાં એકસમાન આંદોલન કર્યું છે.
ઠાકરેએ પક્ષના કાર્યકરોને મહાયુતિ પ્રધાનોના ‘ભ્રષ્ટ’ કાર્યો વિશે જનતાને માહિતી આપવા જણાવ્યું હતું. ‘અમે તેમને (સરકારને) (પ્રધાનો વિરુદ્ધ) પુરાવા આપ્યા છે અને છતાં તેમના પર કોઈ કાર્યવાહી થઈ નથી. કોઈ ડાન્સ બાર ચલાવી રહ્યું છે, તો બીજા પાસે નોટો ભરેલી થેલી છે. હવે કોઈ તપાસની પણ જરૂર નથી, આમછતાં મુખ્ય પ્રધાન પ્રધાનોને બરતરફ કરતા નથી,’ એમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું.
શિવસેના (યુબીટી)એ શાસક શિવસેનાના પ્રધાનો યોગેશ કદમ, સંજય શિરસાટ, સંજય રાઠોડ અને એનસીપીના માણિકરાવ કોકાટેના રાજીનામાની માગણી કરી છે. મને દયા આવે છે કે ફડણવીસ. તેઓ આ ભ્રષ્ટ પ્રધાનોને કેમ બચાવી રહ્યા છે? તેમની પાસે સ્પષ્ટ બહુમતી હોવા છતાં તેમની પાસે આ લોકોને બરતરફ કરવાની હિંમત નથી,’ એવો દાવો ઠાકરેએ કર્યો હતો.
‘મહાયુતિએ મહારાષ્ટ્રને ભ્રષ્ટાચારમાં ટોચના સ્થાને ધકેલી દીધું છે,’ એવો ગંભીર આરોપ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને લગાવ્યો હતો.
ઠાકરેની પાર્ટી દ્વારા કદમ પર તેમની માતાને નામે પરમિટ સાથે ડાન્સ બાર ચલાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે, જે આરોપ પ્રધાન દ્વારા નકારી કાઢવામાં આવ્યો છે.
રાજ્ય વિધાન પરિષદમાં રમી રમવા અને ખેડૂતો સામે ‘બિનસંવેદનશીલ’ ટિપ્પણી કરવા બદલ કોકાટે ટીકાનો સામનો કરી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરેએ યાદ અપાવ્યું હતું કે જ્યારે શિવસેના-ભાજપ યુતિ 1995-99 દરમિયાન સત્તામાં હતું, ત્યારે શિવસેનાના સ્થાપક બાળ ઠાકરે દ્વારા પાંચ પ્રધાનોને રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું હતું, કારણ કે તેમની સામે ભ્રષ્ટાચારના આરોપો હતા.
સેના (યુબીટી)ના વડાએ જગદીપ ધનખડના ઉપપ્રમુખ પદેથી રાજીનામા અંગે પણ કેન્દ્ર પર નિશાન સાધ્યું.
તેમણે કહ્યું કે ધનખરના અચાનક રાજીનામા માટે કોઈ સ્પષ્ટતા આપવામાં આવી નથી અને તેમના ‘ગુમ’ થવા અંગે માહિતી માગી હતી. ‘(ભૂતપૂર્વ) ઉપપ્રમુખ ક્યાં છે?’ એમ ઠાકરેએ પૂછ્યું હતું.