ઉદ્ધવ ઠાકરેએ અઢી વર્ષમાં સૌથી વધુ ભંડોળ એકઠું કર્યું
પૂરોગામી અને અનુગામી મુખ્ય પ્રધાનો કરતાં મુખ્ય પ્રધાન રાહત ફંડમાં અનેકગણી રકમ એકઠી કરી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દ્વારા રાજ્યના ગરીબોને તબીબી સારવાર માટે આપવામાં આવતા મુખ્ય પ્રધાન તબીબી સહાય ભંડોળમાં ડોનેશન મેળવવામાં અઢી વર્ષના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પોતાના પુરોગામી અને અનુગામી કરતાં અનેકગણો વધારો કરીને ઉત્તમ કામગીરી કરી હતી. મુખ્ય પ્રધાન તરીકે ફક્ત અઢી વર્ષ મળ્યા હોવા છતાં તેમણે મુખ્ય પ્રધાન તબીબી સહાય ભંડોળમાં રૂ. 793 કરોડની જંગી રકમ મેળવી હતી. તેમની પહેલાંના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પોતાના પાંચ વર્ષના પૂર્ણ કાર્યકાળમાં ફક્ત રૂ. 598.32 કરોડનું ડોનેશન મેળવી શક્યા હતા.
માહિતી અધિકાર કાર્યકર્તા અનિલ ગલગલીએ રાઈટ ટુ ઈન્ફર્મેશન કાયદા હેઠળ મેળવેલી માહિતીમાં ફક્ત 1 જાન્યુઆરી, 2015થી લઈને 31 માર્ચ, 2023 સુધીના આંકડા આપવામાં આવ્યા છે. આ આંકડા મુજબ પહેલી એપ્રિલ, 2022ના રોજ મુખ્ય પ્રધાન તબીબી સહાય ભંડોળમાં રૂ. 418.88 કરોડ હતા, જ્યારે 31 માર્ચ 2023ના રોજ તેમાં ફક્ત રૂ. 445.22 કરોડ રૂપિયા હતા. મુખ્ય પ્રધાનપદે હતા ત્યારે દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે અને અત્યારના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની સરખામણી કરવામાં આવે તો શિંદે સૌથી પાછળ છે. દેવેન્દ્ર ફડણવીસે મુખ્ય પ્રધાન પદે હતા ત્યારે ભંડોળમાં રૂ. 614 કરોડનો વધારો કરી આપ્યો હતો, જ્યારે અઢી વર્ષમાં ઉદ્ધવ ઠાકરેએ રૂ. 793 કરોડ એકઠા કરી આપ્યા હતા. એકનાથ શિંદેએ આ ભંડોળમાં ફક્ત રૂ. 65.88 કરોડનો વધારો કરી આપ્યો છે. છેલ્લા ત્રણ મુખ્ય પ્રધાનોની સરખામણીમાં એકનાથ શિંદે ભંડોળમાં પૈસા લાવવામાં સૌથી નબળા સિદ્ધ થયા છે.
ઉદ્ધવ ઠાકરેએ કરી ફક્ત 20.28 કરોડની મદદ
આઠ વર્ષની સરખામણી કરવામાં આવે તો જરૂરિયાતમંદોને મદદ કરવામાં દેવેન્દ્ર ફડણવીસ અવ્વલ સિદ્ધ થયા છે. જ્યારે સૌથી ઓછી મદદ ઉદ્ધવ ઠાકરેના કાર્યકાળમાં કરવામાં આવી છે. ફડણવીસના કાર્યકાળમાં 1,07,782 અરજી આવી હતી અને તેમાંથી 63,573 નાગરિકોને રૂ. 598.32 કરોડની મદદ કરવામાં આવી હતી. ઉદ્ધવ ઠાકરેના કાર્યકાળમાં મળેલી કુલ 10,712 અરજીમાંથી 4,247 નાગરિકોને રૂ. 20.28 કરોડની મદદ કરી હતી. એકનાથ શિંદેના કાર્યકાળમાં 14,566 અરજીમાંથી 7,419 નાગરિકોને રૂ. 57 કરોડની મદદ કરવામાં આવી હતી.