આમચી મુંબઈમહારાષ્ટ્ર

MVAના મુખ્ય પ્રધાનનો ચહેરો ઉદ્ધવ ઠાકરે હશેઃ રાઉતે તીર છોડ્યું કે તુક્કો?

મુંબઈ: એક બાજુ મહાયુતિ દ્વારા વિપક્ષ પાસે મુખ્ય પ્રધાન પદનો ચહેરો જ નથી તેવી ટીકા કરવામાં આવી રહી છે ત્યારે બીજી બાજુ ઉદ્ધવ ઠાકરેની દિલ્હીની મુલાકાત બાદ તે મુખ્ય પ્રધાન બનવા માટે હવાંતિયા મારતા હોવાનો ટોણો સત્તાધારી પક્ષના નેતાઓ મારી રહ્યા છે. એવામાં ઉદ્ધવ ઠાકરે જૂથ (UBT)ના સાંસદ સંજય રાઉતે આપેલા એક નિવેદન બાદ મહાવિકાસ આઘાડી (MVA)નો મુખ્ય પ્રધાન પદનો ચહેરો ઉદ્ધવ ઠાકરે જ હશે તેવી ચર્ચા શરૂ થઇ છે.

સંજય રાઉતે વિધાનસભાની ચૂંટણી બાદ મહારાષ્ટ્રમાં ઠાકરે 2.0 સરકાર આવશે તેવું નિવેદન આપતા જો મહાવિકાસ આઘાડી સત્તામાં આવે તો ઉદ્ધવ ઠાકરેને જ મુખ્ય પ્રધાન બનાવવાના અહેવાલ વહેતા થયા છે ત્યારે રાઉતનું આ નિવેદન સૂચક છે કે તીર છોડ્યું હોવાની ચર્ચા લોકોમાં ખાસ કરીને જાગી છે.

આ પણ વાંચો : ઠાકરેને મોટો આંચકો; 500 કારના કાફલા સાથે મોટા નેતા મુંબઈ જવા રવાના

અમને મહાયુતિની જેમ કોઇ પણ સર્વે કરવાની જરૂર નથી. કોઇ પણ પરિસ્થિતિમાં રાજ્યમાં ઠાકરે 2.0 સરકાર જ સત્તામાં આવશે એટલે કે મહાવિકાસ આઘાડીની જ સરકાર આવશે અને તેને કોઇ રોકી નહીં શકે. ચૂંટણી પહેલા તમે ગમે તેટલી જાહેરાતો કરો, યોજનાઓ બહાર પાડો અને પૈસાનો ધુમાડો કરો કે પછી મતદારોને ખરીદવાનો પ્રયત્ન કરો, તમારે સમયસર ચૂંટણી જ યોજવી પડશે.

સરકાર ચૂંટણીની તારીખો પાછળ ઠાલવવાનો પ્રયાસ કરતી હોવાનો આરોપ મૂકતા રાઉતે જણાવ્યું હતું કે વિધાનસભાની ચૂંટણી યોજવાની તેમની ઇચ્છા ન હોય તો પણ તેમણે ચૂંટણી યોજવી જ પડશે. ચૂંટણી પંચને જવાબ આપવો પડશે.
નવેમ્બર મહિનામાં તેમણે વિધાનસભા અસ્તિત્વમાં લાવવી પડશે. હરિયાણા, ઝારખંડ, જમ્મુ-કાશ્મીર અને મહારાષ્ટ્રમાં તેમણે ચૂંટણી સમયસર જ યોજવી પડશે. જે રીતે તે બંધારણની વિરુદ્ધ સરકાર ચલાવી રહ્યા છે એ જ રીતે તે ચૂંટણીની તારીખો મેનેજ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ મહારાષ્ટ્રની જનતા અને વિરોધ પક્ષ જાગરૂક છે અને અમારા ધ્યાનમાં આ બધી વાત છે.

બળવો કરીને એકનાથ શિંદે સાથે જોડાનારા વિધાનસભ્યો વિશે વાત કરતા રાઉતે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના ગદ્દાર વિધાનસભ્યો ફરી વખત વિધાનસભામાં દેખાશે નહીં. તમે વિધાનસભ્યોને ખરીદવા 50 કરોડ, સાંસદોને 100 કરોડ અને નગરસેવકોને પાંચ કરોડ રૂપિયા આપો છો અને અમારી લાડકી બહેનો માટે ફક્ત 1,500 રૂપિયા આપો છો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button