ભાજપે ચૂંટણી પંચની મદદ લઇને કરાવ્યું આ કામઃ રોષે ભરાયેલા ઉદ્ધવ ઠાકરેનો આક્ષેપ

મુંબઈ: ધીમી ગતિએ થયેલા મતદાન બાબતે પોતાનો રોષ ઠાલવતા શિવસેના(ઉદ્ધવ ઠાકરે જૂથ)ના વડા ઉદ્ધવ ઠાકરેએ ચૂંટણી પંચને જવાબદાર ઠેરવ્યું હતું. તેમણે ચૂંટણી પંચ પર પક્ષપાતનો આરોપ મૂકતા કહ્યું હતું કે સવારથી જ મતદારોમાં સારો મતદાન કરવા માટે સારો ઉત્સાહ હતો અને અમારા જૂથની શિવસેનાના સમર્થક હોય તેવા વિસ્તારોમાં ચૂંટણી અધિકારીઓએ જાણીજોઇને અવ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી.
ઉદ્ધવે ઓછા મતદાનના કારણ વિશે જણાવતા કહ્યું હતું કે આગઝરતી ગરમીમાં કલાકો સુધી લાઇનમા ઊભી રહીને નિરાશ થયેલા મતદારો ઘરે પાછા ફરી ગયા હતા. આ ઉપરાંત મતદારો પાસેથી વિવિધ પ્રકારના પુરાવા માગીને પણ તેમને હેરાન કરવામાં આવ્યા હતા. ચૂંટણી પંચના અધિકારીઓ દ્વારા પક્ષપાત કરીને મોદીના માણસોની જેમ કામ કર્યું હતું.
આ પણ વાંચો : RSS તેના શતાબ્દી વર્ષમાં જ ખતરામાં, ઉદ્ધવ ઠાકરેના નિવેદનથી રાજકારણ ગરમાયું
ઉદ્ધવ ઠાકરેએ મહાયુતિને હારનો ડર હોવાનું જણાવતા કહ્યું હતું કે હારની ડરથી ભાજપે ચૂંટણી પંચના માધ્યમે વિરોધીઓનો ગઢ હોય તેવા વિસ્તારમાં ઓછું મતદાન થાય એવી રમત રમી છે. મતદારોએ મતદાનની ફરજ બજાવવી એ માટે ચૂંટણી પંચ દ્વારા અનેક મેસેજ મોકલવામાં આવતા હતા. જોકે મતદાન માટે આવેલા મતદારો સાથે તેમણે છેતરપિંડી કરી હતી. મતદાન કેન્દ્રો પરની બિસ્માર વ્યવસ્થા દરેક જગ્યાએ દેખાઇ આવતી હતી. મતદાન કરવા માટે આવેલા વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ માટે પીવાનું પાણી પણ ઉપલબ્ધ નહોતું. મતદાનમાં જાણીજોઇને વિલંબ કરવામાં આવ્યો હતો. મતદાનમાં વિલંબ કરનારા ચૂંટણી અધિકારીઓના નામો જાણી લો. તેમને માફ કરવામાં નહીં આવે. તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે અદાલતમાં પણ અરજી કરવામાં આવશે, તેવો સંકેત ઉદ્ધવ ઠાકરેએ આપ્યો હતો.