મુંબઇઃ તાજેતરમાં મહારાષ્ટ્રના મુંબઈના કફ પરેડ ખાતે એક સભામાં શિવસેના યુબીટીના નેતા ઉદ્ધવ ઠાકરેએ લોકસભાની ચૂંટણી માટે એક નામની જાહેરાત કરી દીધી હતી. તેમણે જણાવ્યું હતું કે વર્તમાન સાંસદ અરવિંદ સાવંત મુંબઈ દક્ષિણ લોકસભા બેઠક પરથી પાર્ટીના ઉમેદવાર રહેશે. અગાઉ, ઠાકરેએ જાહેરાત કરી હતી કે ગજાનના કિર્તીકરના પુત્ર અમોલ કીર્તિકરને મુંબઈ ઉત્તર પશ્ચિમ લોકસભા બેઠક પરથી ઉમેદવારી માટે ઉતારવામાં આવશે. એમ માનવામાં આવે છે કે ઉદ્ધવ ઠાકરેનું આ પગલું વિપક્ષી ગઠબંધનમાં વિવાદ સર્જી શકે છે
જાહેર સભામાં ઠાકરેએ જણાવ્યું હતું કે આવતીકાલે ઇન્ડિયા ગઠબંધનની સરકાર આવશે અને જ્યારે આ સરકાર આવશે ત્યારે તેઓ મહારાષ્ટ્ર સાથે કોઈ ભેદભાવ નહીં થવા દે જે રીતે અત્યારના થઈ રહ્યો છે. ઠાકરે એમ પણ જણાવ્યું હતું કે અરવિંદ સાવંતે દક્ષિણ મુંબઈમાં ઘણું સારું કામ કર્યું છે અને તેઓ અહીંથી સાંસદ છે ત્યારે બીજા કોઈના નામની જાહેરાત કરવા કરતા તેમને જ અહીંથી ઉમેદવારી કરાવવામાં આવે યોગ્ય છે. જાહેર સભામાં તેમણે કહ્યું હતું કે અરવિંદ સાવંતને તમે બે વાર સાંસદ બનાવ્યા છે હવે તેમને ત્રીજી વાર તક આપો.
નોંધનીય છએ કે એમવીએ ગઠબંધનના ઘટક પક્ષ કૉંગ્રેસના ભૂતપૂર્વ સભ્ય મિલિંદ દેવરાએ પણ જ્યારે તેમના પક્ષમાંથી રાજીનામું આપ્યું ત્યારે એવી અટકળો લગાવવામાં આવી હતી કે તેમને પણ દક્ષિણ મુંબઈ લોકસભાની બેઠક પરથી ઉમેદવારી કરવી હતી, પણ આ બેઠક પર સમજૂતિ કરવાની ઉદ્ધવ ઠાકરે જૂથે ના પાડી દીધી હતી. વિવાદમાં ઉતરવા કરતા સ્વભાવે શાંત મિલિંદ દેવરાએ રાજીનામું આપવાનું બહેતર સમજ્યું હતું.
આ પહેલા ઉદ્ધવ ઠાકરે એવો દાવો કર્યો હતો કે ભાજપ આગામી લોકસભા ચૂંટણીમાં 400થી વધુ સીટના લક્ષ્ય સાથે પ્રચાર એટલા માટે કરી રહી છે કારણ કે તે બંધારણ બદલવા માંગે છે. ભાજપની આ રણનીતિ લોકોએ સમજવી જોઈએ. ભાજપ ઈચ્છે છે કે વિપક્ષી નેતાઓ પોતાનો અવાજ ઉઠાવવા માટે સક્ષમ ના રહે. તાજેતરમાં જ 100થી વધુ સાંસદોને સંસદમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને આ સમયગાળા દરમિયાન સરકારે ઘણા મહત્વપૂર્ણ બિલો ચર્ચા કર્યા વિના જ પસાર કરી દીધા હતા.
Taboola Feed