મતદાન વચ્ચે રાજકીય આક્ષેપબાજીનો દોર ધીમા મતદાનને લઇને ઉદ્ધવે ભાજપ પર તાક્યું નિશાન

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પાંચમા તબક્કાના મતદાન દરમિયાન મુંબઈમાં યોજાયેલા મતદાન દરમિયાન ઇવીએમ ખરાબ થવાના કારણે તેમ જ અન્ય કારણોસર અનેક ઠેકાણે ધીમુંં મતદાન થયું હતું અને મતદારોની લાઇનો રસ્તા સુધી આવી પહોંચી હતી. જોકે, આ માટે શિવસેના(ઉદ્ધવ ઠાકરે જૂથ)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે દ્વારા સત્તાધારી પક્ષ પર આક્ષેપ મૂકવામાં આવ્યો હતો. મુંબઈમાં મતદાન ધીમું થાય એ માટે કાવતરું રચવામાં આવ્યું હોવાનો આરોપ ઉદ્ધવ ઠાકરેએ કર્યો હતો.
ઉદ્ધવ ઠાકરેએ પત્રકાર પરિષદ યોજીને કહ્યું હતું કે મુંબઈમાં ધીમું મતદાન થાય એ માટે ચૂંટણી પંચ જવાબદાર છે. ચૂંટણી પંચ સત્તાધારી પક્ષના ઇશારે કામ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ભાજપ દ્વારા જાણીજોઇને મતદાન ધીમે કરાવવામાં આવી રહ્યું છે જેથી મતદાર ગરમીમાં કંટાળીને પોતાનો મત આપ્યા વિના જ પાછા ચાલ્યા જાય. તેમાં પણ ઉદ્ધવ ઠાકરેનો પક્ષ જે વિસ્તારોમાં મજબૂત છે એ વિસ્તારોમાં મતદાન ધીમી ગતીએ કરાવવામાં આવી રહ્યું છે. શિવસેનાના નેતા આદેશ બાંદેકરે પણ ધીમા મતદાનની ટીકા કરી હતી.
ઉદ્ધવ ઠાકરેની ફરિયાદો શરૂ થઇ ગઇ: ફડણવીસ
ઉદ્ધવ ઠાકરે દ્વારા કરવામાં આવેલા આક્ષેપો બાદ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ વળતો જવાબ આપ્યો હતો. ફડણવીસે ચૂંટણીના પરિણામો આવે એ પહેલા જ ઉદ્ધવ ઠાકરેનું રોવાનું અને ફરિયાદ કરવાનું શરૂ થઇ ગયું હોવાની ટીકા કરી હતી. આ ઉપરાંત ફડણવીસે મતદારોને પોતાનો મત આપ્યા પછી જ ઘરે જવાનું આહ્વાન કર્યું હતું.