‘ગદ્દાર’ ટિપ્પણી: ઉદ્ધવ-સેનાના અને શિંદે-સેનાના નેતા વચ્ચે બોલાચાલી | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

‘ગદ્દાર’ ટિપ્પણી: ઉદ્ધવ-સેનાના અને શિંદે-સેનાના નેતા વચ્ચે બોલાચાલી

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
‘ગદ્દાર’ ટિપ્પણી પર શિવસેનાના પ્રધાન શંભુરાજ દેસાઈ અને શિવસેના (યુબીટી)ના નેતા અનિલ પરબ વચ્ચે ગુરુવારે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેના કારણે ગૃહની કાર્યવાહી થોડા સમય માટે મુલતવી રાખવામાં આવી હતી.

નવી બનેલી હાઉસિંગ સોસાયટીઓમાં પચાસ ટકા એકમો મરાઠી લોકો માટે અનામત રાખવાની માગણી પરની ચર્ચા દરમિયાન બંને નેતાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

પરિષદના ઉપાધ્યક્ષ નીલમ ગોર્હેએ બાદમાં એવો આદેશ આપ્યો હતો કે બંને નેતાઓ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને સત્તાવાર રેકોર્ડમાંથી કાઢી નાખવામાં આવશે.

પ્રશ્ર્નકાળ દરમિયાન, શિવસેના (યુબીટી)ના મિલિંદ નાર્વેકરે એક પ્રશ્ર્ન પૂછ્યો હતો કે કોઈ સામાજિક સંગઠને શહેરના પચાસ ટકા આવાસ એકમો મરાઠી લોકો માટે અનામત રાખવાની માગણી કરી છે.

આ પણ વાંચો: દોઢ મહિના પછી ગદ્દાર બેકાર; ઉદ્ધવ ઠાકરે

તેમણે એમ પણ પૂછ્યું હતું કે શું સરકારે આ અંગે કોઈ સકારાત્મક નિર્ણય લીધો છે?
લેખિત જવાબમાં, નાયબ મુખ્ય પ્રધાન અને રાજ્યના ગૃહનિર્માણ પ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે વિભાગને કોઈ સામાજિક સંગઠન તરફથી આવો કોઈ પત્ર મળ્યો નથી.

ભાજપના નેતા ચિત્રા વાઘે કહ્યું કે મરાઠી લોકો માટે પચાસ ટકા ઘરો અનામત રાખવા યોગ્ય છે. તેમણે પૂછ્યું હતું કે શું ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાન હતા ત્યારે આવી કોઈ દરખાસ્ત હતી?

આના પર, શિંદે વતી જવાબ આપતા પ્રધાન શંભૂરાજે દેસાઈએ કહ્યું હતું કે ઠાકરેની આગેવાની હેઠળની મહા વિકાસ આઘાડી (એમવીએ) સત્તામાં હતી ત્યારે પણ આવી કોઈ દરખાસ્ત નહોતી.

આ પણ વાંચો: એકનાથ શિંદેની સામે ‘ગદ્દાર-ગદ્દાર’ના સૂત્રોચ્ચાર કર્યાં એટલે કાફલો રોકી પહોંચ્યા…

‘મુંબઈ, તેના ઉપનગરો અથવા મહારાષ્ટ્રમાં મરાઠી માણસોને ઘર આપવાનો ઇનકાર કરવાનો કોઈને અધિકાર નથી. જો કોઈ બિલ્ડર આવું કરશે, તો સરકાર કડક કાર્યવાહી કરશે,’ એમ તેમણે કહ્યું હતું.

શિવસેનાના નેતા હેમંત પાટીલે, ઠાકરે પર કટાક્ષ કરતા કહ્યું હતું કે જ્યારે લોકો સત્તામાં હોય છે, ત્યારે મરાઠી માણસો માટે કંઈક સારું કરવાની તક હોય છે, ચતુર્વેદીઓને નાર્વેકરને બદલે રાજ્યસભામાં મોકલવામાં આવે છે.
તેઓ દેખીતી રીતે શિવસેના (યુબીટી) રાજ્યસભાના સભ્ય પ્રિયંકા ચતુર્વેદીનો ઉલ્લેખ કરી રહ્યા હતા.

સેના (યુબીટી)ના એમએલસી પરબે કહ્યું કે તેમણે ગૃહમાં એક બિનસત્તાવાર બિલ લાવ્યું છે જેમાં પુનર્વિકાસ પામેલા ઇમારતોમાં પચાસ ટકા મકાનો મરાઠીભાષી લોકો માટે અનામત રાખવાનો સમાવેશ થાય છે. તેમણે એમ પણ પૂછ્યું કે શું રાજ્ય સરકાર આવો કાયદો લાવશે.

પરંતુ પ્રધાન દેસાઈએ કહ્યું કે જ્યારે 2019-2022 દરમિયાન એમવીએ સત્તામાં હતી, ત્યારે તેમણે આવો કોઈ કાયદો લાવ્યો ન હતો.

આ પણ વાંચો: અમને ગદ્દાર કહેનારાએ શરદ પવારને પણ દગો દેવાની તૈયારી કરી હતી: એકનાથ શિંદે

‘તમે એવું કર્યું નથી અને આ રેકોર્ડ પર આવી ગયું છે. મરાઠી માણૂસ પ્રત્યેનો તમારો પ્રેમ ખોટો અને બનાવટી છે,’ એમ દેસાઈએ કહ્યું હતું.

આના પરિણામે બંને વચ્ચે મૌખિક બોલાચાલી થઈ હતી અને પરબે દેસાઈને ‘ગદ્દાર’ ગણાવ્યા હતા,
ગુસ્સે ભરાયેલા દેસાઈએ પરબને આ ટિપ્પણી માટે પ્રશ્ર્ન કર્યો હતો અને તેમને ગૃહની બહાર મળવાની ચેતવણી ઉચ્ચારી હતી.

ગુસ્સો વધી જતાં, ગોર્હેએ ગૃહને 10 મિનિટ માટે મુલતવી રાખ્યું. બાદમાં, તેમણે કહ્યું કે દેસાઈ અને પરબ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ ગૃહના રેકોર્ડનો ભાગ રહેશે નહીં.

સભાની કાર્યવાહી ફરી શરૂ થયા પછી, દેસાઈએ કહ્યું કે સરકાર મરાઠી માણૂસને ગૃહ નિર્માણમાં પ્રાથમિકતા આપવા માટે જે કંઈ પણ જરૂરી હશે તે કરશે.

પછી, વિધાન ભવન પરિસરમાં પત્રકારો સાથે વાત કરતા, પર્યટન, ખાણકામ અને ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગ સંભાળતા દેસાઈએ જણાવ્યું હતું કે મુંબઈ અને તેની આસપાસના પ્રદેશમાં હાઉસિંગ પ્રોજેક્ટ્સમાં મૂળ મહારાષ્ટ્રીયનો માટે રક્ષણ અંગે ચર્ચા દરમિયાન તેમની અને પરબ વચ્ચે બોલાચાલી થઈ હતી.

આ પણ વાંચો: આંતરિક વિવાદોને કારણે શિવસેનાનું વિભાજન થયું, તેના માટે ફડણવીસને દોષ આપવો અયોગ્ય: ભાજપના વિધાનસભ્ય

‘અમે દિવંગત બાળ ઠાકરેના અનુયાયીઓ છીએ. જો કોઈ અમારી વિરુદ્ધ અવાજ ઉઠાવે છે, અપમાનજનક ભાષા વાપરે છે – તો અમે તે સહન કરીશું નહીં. મેં મારો અવાજ ઉઠાવ્યો અને એવી જ ભાષાનો ઉપયોગ કર્યો હતો કારણ કે તેમણે પણ આવું જ કર્યું હતું,’ એમ તેમણે કહ્યું હતું.

‘બાળાસાહેબે અમને ‘જેવા સાથે તેવા’ થવાનું શીખવ્યું છે. જો તેઓ (પરબ) આ બાબતને આગળ વધારશે, તો હું તેમને તેમની ભાષામાં જવાબ આપવા માટે તૈયાર છું. પરબે મને ચેતવણી પણ આપી હતી કે તેઓ ગૃહની બહાર મને જોઈ લેશે, મેં પડકાર સ્વીકાર્યો છે અને તેમને કહ્યું છે કે હું તેમનો સામનો કરવા તૈયાર છું,’ એમ તેમણે ઉમેર્યું હતું.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button