આગામી દિવસોમાં પણ મરાઠી મુદ્દે હુમલા ચાલુ રહેશે એવી ઉદ્ધવની ચેતવણી
‘મ’થી મરાઠી, ‘મ’થી મનપા અને ‘મ’થી મહારાષ્ટ્રમાં સરકાર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ શનિવારે કહ્યું હતું કે તેઓ અને મનસે વડા રાજ ઠાકરે એક થવા માટે ભેગા આવ્યા છે કારણ કે મરાઠી ઓળખ અને હિન્દી ભાષાના ‘લાદવાના’ મુદ્દે બે દાયકા પછી પિતરાઈ ભાઈઓએ પહેલી વાર રાજકીય મંચ શેર કર્યો હતો.
ભાજપની આગેવાની હેઠળની સરકાર દ્વારા હિન્દી ભાષાના જીઆર (સરકારી આદેશ) પાછા ખેંચવામાં આવ્યા તેની ઉજવણી માટે અહીં વરલીમાં એક ‘વિજય’ રેલીને સંબોધતા, ઉદ્ધવે આગામી પાલિકા ચૂંટણીઓ સાથે લડવાનો સંકેત આપ્યો હતો.
‘અમે સાથે રહેવા માટે ભેગા થયા છીએ. અમે સાથે મળીને મુંબઈ અને મહારાષ્ટ્રની પાલિકાઓ અને મહારાષ્ટ્રમાં સત્તા કબજે કરીશું,’ એમ તેમણે કહ્યું ત્યારે ખચાખચ ભરેલા એનએસસીઆઈ ડોમમાં ભીડે જોરદાર જયઘોષ કર્યો હતો. મુંબઈમાં હાઇ-પ્રોફાઇલ પાલિકામાં દાયકાઓથી શિવસેનાનો દબદબો રહ્યો છે, અને અન્ય મ્યુનિસિપલ કોર્પોરેશનોની ચૂંટણીઓ આગામી મહિનાઓમાં થવાની શક્યતાઓ છે.
આ પણ વાંચો: મરાઠી મુદ્દે મારપીટઃ હિંસાના વિરોધમાં મીરા-ભાયંદરમાં દુકાનો બંધ
સ્ટેજ પર બેઠેલી એકમાત્ર વ્યક્તિ ઉદ્ધવની સામે બોલતા રાજ ઠાકરેએ એવો કટાક્ષ કર્યો હતો કે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરે અને અન્ય લોકો ન કરી શક્યા તે બંને પિતરાઈ ભાઈઓને એકસાથે લાવવાનું કામ કરી દેખાડ્યું છે. 2005માં પોતાના પિતરાઈ ભાઈ સાથેના સ્પષ્ટ મતભેદોને કારણે શિવસેના છોડી દીધા પછી, રાજ ઠાકરેએ મનસેની રચના કરી અને તેને ભૂમિ પુત્રોની પાર્ટી તરીકે રજૂ કરી રહ્યા છે.
અલગ થયેલા પિતરાઈ ભાઈઓ ભેગા થવાથી બંને પક્ષોના કાર્યકરોમાં ઉત્સાહ જ નહીં, બંને પક્ષોને જીવનદાન પણ મળી શકે છે, જેઓ ગયા વર્ષે વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ ફરીથી પોતાનું સ્થાન મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. સેના (યુબીટી)એ ચૂંટણીમાં 20 બેઠકો જીતી હતી જ્યારે એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનાએ 57 બેઠકો જીતી હતી. મનસે એકેય બેઠક જીતી શક્યું નહોતું.
બાળ ઠાકરેના કરિશ્મા અને સામાન્ય મરાઠી લોકો સાથેના તેના ભાવનાત્મક જોડાણથી વાકેફ, આ રેલીમાં પ્રતીકવાદ સ્પષ્ટ હતો, જેમાં ફક્ત ઉદ્ધવ અને રાજ જ મંચ પર હતા. ભાષણની શરૂઆત કરતા, મનસે પ્રમુખે કહ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા લાદવામાં આવેલ ત્રણ ભાષાનું સૂત્ર મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવાની તેની પુરોગામી યોજનાનો ભાગ હતો. તેમણે કહ્યું હતું કે સરકારે પ્રસ્તાવિત વિરોધ કૂચના વિચાર પર જ વિવાદાસ્પદ જીઆર પાછા ખેંચવા પડ્યા હતા.
આ પણ વાંચો: મરાઠી ભાષા મુદ્દે થઈ રહેલાં રાજકારણ જોઈ ઠાકરે ગુસ્સામાં, કહ્યું કે તમે કોઈને…
રાજે કહ્યું કે, ભાષા વિવાદ પછી, રાજકારણમાં સરકારનું આગામી પગલું લોકોને જાતિના આધારે વિભાજીત કરવાનું હશે.
‘ભાજપની યુક્તિ ભાગલા પાડો અને રાજ કરોની છે,’ એમ તેમણે ઉમેર્યું હતું. વિપક્ષ દ્વારા તેમના પુત્ર પર કરવામાં આવેલા ‘કોન્વેન્ટ શિક્ષણ’ના ઉપહાસને નકારી કાઢતા રાજે કહ્યું હતું કે દક્ષિણ ભારતમાં ઘણા રાજકારણીઓ અને ફિલ્મ સ્ટાર્સ અંગ્રેજી શાળાઓમાં અભ્યાસ કરે છે, પરંતુ તમિલ અને તેલુગુ ભાષાઓ પર ગર્વ અનુભવે છે.
‘બાળાસાહેબ ઠાકરેએ અંગ્રેજી શાળામાં અભ્યાસ કર્યો હતો, અંગ્રેજી અખબારમાં કામ કર્યું હતું, પરંતુ તેમણે ક્યારેય મરાઠીના દરજ્જા સાથે સમાધાન કર્યું નથી,’ એમ રાજ ઠાકરેએ કહ્યું હતું. તેમણે કહ્યું કે ભાજપના વડા લાલકૃષ્ણ અડવાણીએ પણ કોન્વેન્ટ શાળામાં અભ્યાસ કર્યો છે, તેથી શું તેમના હિન્દુત્વ પર પ્રશ્ર્ન ઉઠાવવો જોઈએ? ઉદ્ધવે કહ્યું કે તેઓ સરકારને લોકો પર હિન્દી લાદવા દેશે નહીં.
‘આપણી તાકાત આપણી એકતામાં હોવી જોઈએ. જ્યારે પણ કોઈ સંકટ આવે છે ત્યારે આપણે ભેગા થઈએ છીએ અને પછી ફરી એકવાર આપણે અંદરોઅંદર લડવાનું શરૂ કરીએ છીએ,’ એવો ખેદ ઉદ્ધવે વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપનો ‘બટેંગે તો કટેંગે’ (વિભાજીત થવાથી પરાજિત થવાશે) સૂત્ર હિન્દુઓ અને મુસ્લિમોને વિભાજીત કરવા માટે બનાવવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: મહારાષ્ટ્રની ભાષા મરાઠી જ, પરંતુ આ મુદ્દે રાજકારણ ન થવું જોઈએ
જોકે, વાસ્તવમાં, ભાજપે મહારાષ્ટ્રીયનોને વિભાજીત કરવા માટે તેનો ઉપયોગ કર્યો, એવો દાવો કરતાં તેમણે ભાજપને ‘રાજકારણમાં વેપારીઓ’ ગણાવ્યા હતા. ‘મરાઠી માણસો (લોકો) એકબીજા સાથે લડ્યા અને દિલ્હીના ગુલામો આપણા પર રાજ કરવા લાગ્યા,’ એમ તેમણે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પર કટાક્ષ કરતા કહ્યું હતું.
તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા હાજરી આપેલા કાર્યક્રમમાં ‘જય ગુજરાત’નો નારો લગાવવા બદલ શિંદેની પણ ટીકા કરી અને તેને હતાશાનું કૃત્ય ગણાવ્યું હતું. જોકે એનસીપી (એસપી)ના કાર્યકારી પ્રમુખ સુપ્રિયા સુળે અને અન્ય નેતાઓ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા, પરંતુ ફક્ત રાજ અને ઉદ્ધવ સ્ટેજ પર હતા અને સભાને સંબોધિત કરી હતી.