શિંદેને હટાવવા માટે ઉદ્ધવને બહુમત જોઈતો હતો જે તેમની પાસે નહોતો: નાર્વેકર
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિવસેના યુબીટી દ્વારા દાખલ કરવામાં આવેલી અપાત્રતાની પિટિશનની સુનાવણી કરતી વખતે એક બાબત નાર્વેકરે સ્પષ્ટ કરી હતી કે શિવસેનામાં પક્ષપ્રમુખપદ સર્વોચ્ચ પદ છે, પરંતુ પક્ષ પ્રમુખનો મત અંતિમ માનવામાં આવે એના સાથે હું સહમત થતો નથી. આવીી જ રીતે પક્ષપ્રમુખને પાર્ટીમાં કોઈની હકાલપટ્ટી કરવાનો અધિકાર મળતો નથી, જ્યાં સુધી તેને રાષ્ટ્રીય કારોબારીનું સમર્થન મળતું નથી.
તેમણે કહ્યું હતું કે 2018ના પાર્ટીના બંધારણને માન્ય રાખવામાં આવે એવી ઉદ્ધવ ઠાકરે જૂથની માગણી અમાન્ય રાખવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે ચૂંટણી પંચ પાસે 1999ની બંધારણની પ્રત હતી એટલે તેને જ માન્ય રાખવામાં આવી હતી.
પક્ષપ્રમુખને પાર્ટીમાંથી કોઈને પણ કાઢવાનો અધિકાર મળતો નથી. એકનાથ શિંદેની હકાલપટ્ટી કરવા માટે ઉદ્ધવ ઠાકરે પાસે કોઈ અધિકાર નથી. રાષ્ટ્રીય કારોબારી સાથે ચર્ચા કર્યા બાદ જ આવો નિર્ણય લઈ શકાય છે. આથી એકનાથ શિંદેને જૂથનેતા પદ પરથી કાઢવાનો અધિકાર ઉદ્ધવ ઠાકરેને નથી, એમ રાહુલ નાર્વેકરે જણાવ્યું હતું.
ઉદ્ધવ ઠાકરે ઉલટતપાસ માટે આવ્યા ન હોવાથી તેમના દ્વારા રજૂ કરવામાં આવેલા સોગંદનામાને અપાત્ર માનવામાં આવી રહ્યું છે. તેમણે એવી ટિપ્પણી કરી હતી કે શિંદેને હટાવવા માટે ઉદ્ધવ ઠાકરેને બહુમતની આવશ્યકતા હતી અને તેમની પાસે બહુમત ન હોવાથી શિંદેની હકાલપટ્ટીને માન્ય રાખી શકાય નહીં. શિવસેનાના પક્ષપ્રમુખને કોઈને પણ પાર્ટીમાંથી કાઢી મૂકવાનો અધિકાર મળતો નથી.
ઠાકરે જૂથના વિધાનસભ્યોને માટે કોનું દબાણ હતું: શિંદે જૂથ
વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે વિધાનસભ્યોની અપાત્રતાની પિટિશન પર ચુકાદો આપ્યા બાદ શિંદે જૂથ દ્વારા આ ચુકાદા પર નારાજગી વ્યક્ત કરતાં જણાવવામાં આવ્યું હતું કે જો ખરી શિવસેના એકનાથ શિંદેની છે એમ રાહુલ નાર્વેકરે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું હતું તો પછી ઉદ્ધવ ઠાકરે જૂથના 12 વિધાનસભ્યોને કેમ ગેરલાયક ઠેરવવામાં આવ્યા નથી એવો સવાલ ઉપસ્થિત કરવામાં આવ્યો છે. શિંદે જૂથના પ્રવક્તા નરેશ મ્હસ્કેએ કહ્યું હતું કે આખો ચુકાદો વાંચ્યા પછી આગામી પગલાં અંગે નિર્ણય લેવામાં આવશે.