મારી પાર્ટી છે, તમારી ડિગ્રી નથીઃ ઉદ્ધવ ઠાકરેએ વડા પ્રધાનને આપ્યો વળતો જવાબ
મુંબઈઃ જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ તેમ રાજકીય પક્ષોના એકબીજા પરના તીખાં પ્રહારો પણ વધતા જશે. 25 વર્ષ સાથે રહ્યા બાદ અલગ પડેલા શિવસેના અને ભાજપ હવે સામસામે છે ત્યારે એકબીજા પર પ્રહારો કરવામાં કોઈ કસર છોડતા નથી.
મુંબઈના બોઈસરમાં પાલઘર લોકસભાના ઉમેદવાર માટે એક જાહેરસભાને સંબોધતા શિવસેનાના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર શબ્દોથી વાર કર્યો હતો.
ગયા અઠવાડિયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્ર ખાતે રેલીમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને નકલી કહી હતી ત્યારે ઉદ્ધવે વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે મારા પિતા બાળાસાહેબ ઠાકરેએ મહારાષ્ટ્રના મરાઠી માણૂસને ન્યાય અપાવવા સેના ઊભી કરી હતી તે સેનાને તમે નકલી કહો છો. આ તમારી ડિગ્રી નથી જે નકલી હોય. અગાઉ વડા પ્રધાનની ડિગ્રી મામલે ઘણા વિવાદો સર્જાયા છે.
ઉદ્ધવ ઠાકરેએ એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો કે ઈન્ડિયા ગઠબંધન 300થી વધારે બેઠકો જીતશે અને ભાજપને સત્તા પરથી હટાવશે. આ સાથે તેમણે પાલઘરમાં પ્રસ્તાવિત વાઢવાન પોર્ટ પ્રોજેક્ટનો પણ વિરોધ કર્યો હતો અને આ પ્રોજેક્ટનો માછીમારો વિરોધ કરી રહ્યા હોવાથી જો તેમની સમસ્યાઓ સાંભળવામાં નહીં આવે તો પ્રોજેક્ટ થવા દઈશું નહીં, તેમ પણ ઠાકરેએ કહ્યું હતું. ઠાકરે આ સભા બાદ લોકલ ટ્રેનમાં પ્રવાસ કરી પાછા ફર્યા હતા.