આમચી મુંબઈ

ઉદ્ધવ અને શિંદે સેના દશેરા રેલી બાળાસાહેબના વારસાની લડાઈમાં કરશે શક્તિ પ્રદર્શન

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિવસેનાના ઉદ્ધવ ઠાકરેના જૂથ અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જૂથ ફરી વખત એકબીજાની સામે આવી ગયા છે. દશેરા રેલીએ શિવસેનાના સ્થાપક બાળ ઠાકરેનો અસલી વારસો પોતાની પાસે હોવાનો દાવો રજૂ કરવા માટે શક્તિ પ્રદર્શન આદર્યું છે.

ગયા વર્ષના જૂન મહિનામાં શિવસેનામાં ભંગાણ પડ્યું ત્યારથી જ શિંદે જૂથ અને ઠાકરે જૂથ દ્વારા પહેલાં નામ અને ચિહ્નની લડાઈ લડવામાં આવી હતી અને હવે બંને શિંદે જૂથને મળી ગયા બાદ બાળ ઠાકરેના વિચારોના અને પાર્ટીના ખરેખરા વારસદાર કોણ છે? એ મુદ્દા પર સંઘર્ષ ચાલી રહ્યો છે. ઉદ્ધવ ઠાકરે તેમની પાર્ટીની દશેરા રેલીને શિવાજી પાર્કમાં જ સંબોધશે,
આ સ્થાનનું પરંપરાગત રીતે ઘણું મહત્ત્વ છે કેમ કે બાળ ઠાકરે આ મેદાન પર પોતાની દશેરા રેલીને સંબોધતા હતા. આ મેદાન પરથી તેઓ કાર્યકર્તાઓને જોશ અને જુસ્સો આપતા હતા.
બીજી તરફ શિંદે જૂથ દ્વારા દશેરા રેલીનું આયોજન દક્ષિણ મુંબઈના પ્રખ્યાત આઝાદ મેદાન ખાતે કરવામાં આવ્યું હતું.
ગયા વર્ષની જેમ આ વર્ષે પણ પહેલાં એવો ગુંચવાડો હતો કે શિવાજી પાર્કમાં રેલીનું આયોજન કરવાની પરવાનગી કોને મળશે, પરતું શિંદે જૂથે પોતાની અરજી પાછી ખેંચી લેતાં ઠાકરે જૂથને શિવાજી પાર્કમાં રેલીનું આયોજન કરવાની પરવાનગી મળી ગઈ હતી. ગયા વર્ષે બીકેસીના મેદાનમાં વિશાળ રેલીનું આયોજન કરનારા શિંદે જૂથે આ વર્ષે પોતાની રેલી માટે આઝાદ મેદાન પર પસંદગી ઉતારી છે.

બંને રેલી અત્યંત મહત્ત્વપુર્ણ છે કેમ કે આગામી વર્ષે લોકસભાની ચૂંટણી આવી રહી છે. આની સાથે જ મુંબઈ મનપા સહિત બધી જ મનપાની ચૂંટણીઓ પણ ૨૦૨૨થી બાકી છે.

ઠાકરે જૂથે પક્ષાંતર અને શિંદે જૂથે હિંદુત્વના મુદ્દા ઉઠાવ્યા ટીઝરમાં
મુંબઈ: રેલીની તૈયારી માટે ઠાકરે જૂથ દ્વારા કેટલીક વિડીયો ક્લીપ વહેતી કરાઈ છે, જેમાં બાળ ઠાકરેના ભાષણો છે, જેમાં પક્ષાંતર કરનારા લોકો અંગેના બાળ ઠાકરેના મતનો સમાવેશ થાય છે. શિવસેનાના ઉબાઠાના કાર્યકર્તાઓ દ્વારા આ ક્લિપ વહેતી કરાઈ રહી છે.

બીજી તરફ શિંદે જૂથ દ્વારા પોતાની રેલી માટે એક ટીઝર બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં બાળ ઠાકરે દ્વારા હિંદુત્વના મુદ્દે આપવામાં આવેલા કટ્ટર નિવેદનોનો સમાવેશ થાય છે.
એક તરફ ઉદ્ધવ ઠાકરે જૂથ શિંદે જૂથનો ઉલ્લેખ સતત ગદ્દાર તરીકે કરી રહ્યા છે ત્યારે બીજી તરફ શિંદે જૂથ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને ભાજપ સાથેનું જોડાણ તોડીને કૉંગ્રેસ- એનસીપી સાથે હિંદુત્વને પડતું મૂકીને સરકાર બનાવી હતી.

જમવાના ડબ્બા અને બેગ લાવશો નહીં: ઠાકરે જૂથ દ્વારા અનેક સુવિધા
મુંબઈ: દશેરા નિમિત્તે શિવાજી પાર્ક પર આયોજિત દશેરા રેલીની તૈયારીઓ જોરશોરથી ચાલુ થઈ ગઈ છે. ત્યારે ઠાકરે જૂથ દ્વારા એવી અપીલ કરવામાં આવી છે કે જમવાના ડબ્બા અને બેગો રેલીમાં લાવશો નહીં. તેમણે શિવસૈનિકોને પિક-અપ ડ્રોપની સેવા આપવાની પણ જાહેરાત કરી છે. શિવસૈનિકોને રસ્તા પર ગરદી ન થાય એ માટે રેલવે માર્ગે દશેરા રેલીમાં આવવાની અપીલ કરવામાં આવી છે. રાજ્યના અંતરિયાળ વિસ્તારમાંથી આવી રહેલા કાર્યકર્તાઓને લાવવા-લઈ જવા માટેની જવાબદારી જિલ્લા પ્રમુખોને સોંપવામાં આવી છે. ધારાશિવથી દાદર તુળજા ભવાની સ્પેશ્યલ એક્સપ્રેસ ટ્રેનને શિવસૈનિકો માટે બૂક કરવામાં આવી છે. આવી જ રીતે કોંકણ અને કોલ્હાપુરથી દાદર માટેની વિશેષ ટ્રેનો બૂક કરવામાં આવી છે. મેદાનમાં કોઈપણ બેગ કે સામાન લઈને આવવાની મનાઈ ફરમાવવામાં આવી છે.

રેલીમાં આવનારા વાહનો માટે સેનાપતિ બાપટ માર્ગ, કામગાર મેદાન, સેનાપતિ બાપટ માર્ગ, માહિમ કોઝવેથી માહિમ જંક્શન, ફાઈવ ગાર્ડન, એડનવાલા રોડ, નાથાલાલ પારેખ માર્ગ, આરએકે રોડ પર વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે કાર જેવા નાના વાહનો માટે ઈન્ડિયા બૂલ ઈન્ટરનેશનલ સેન્ટર, કોહિનૂર વગેરે સ્થળે વ્યવસ્થા કરવામાં આવી છે.

ગરદી એકઠી કરવા માટે શિંદે જૂથ દ્વારા લોકોને વ્યસનાધીન કરવાનો પ્રયાસ
મુંબઈ: એકનાથ શિંદે અને ઠાકરે જૂથ દ્વારા દશેરા રેલી પહેલાં સામસામે આક્ષેપો પ્રતિઆક્ષેપો ચાલુ થઈ ગયા છે. શિવાજી પાર્કમાં રેલીને મુદ્દે કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ર્ન ઉભો ન થાય એ માટે શિંદે જૂથે પીછેહઠ કરી હોવાનો દાવો શિંદે જૂથે કર્યો હતો, તેના પર ઠાકરે જૂથના નેતા વિનાયક રાઉતે હવે સવાલ ઊપસ્થિત કર્યા છે. તેમણે એવો દાવો કર્યો હતો કે શિંદે જૂથ દ્વારા મેદાન માટે કરેલી અરજી પરથી બધી ગોલમાલ બહાર આવી જવાની શક્યતા હોવાથી અરજી પાછી ખેંચવામાં આવી હતી. આ ઉપરાંત તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે શિંદે જૂથ મેળાવડા માટે લોકોને એકઠા કરવા માટે વ્યસનાધીન બનાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.
શિંદે જૂથે ગરદી એકઠી કરવા પ્રધાનોને આપ્યો ટાર્ગેટ

દશેરા કોઈ મોટો તહેવાર નથી, પરતું આનંદની છોળો ઊડે છે એવું કહેવામાં આવે છે. દશેરાની સાથે રાજકીય રેલીનું ગણિત જોડાયેલું છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ ચર્ચા ચાર રેલીની ચર્ચા થાય છે. પહેલી શિવસેનાની શિવાજી પાર્કમાં થનારી રેલી, બીજી નાગપુરમાં રેશીમબાગ ખાતે આરએસએસની રેલી, ત્રીજી નાગપુરની દિક્ષા ભૂમિ પરની આંબેડકરી જનતાની ધર્માંતરણ પ્રસંગની યાદમાં થતી રેલી અને ચોથી પંકજા મુંડેની ભગવાનગઢ પર થનારી રેલી. હવે ગયા વર્ષથી આમાં એક પાંચમું નામ ઉમેરાયું છે, એકનાથ શિંદેની રેલી. ગયા વર્ષે બીકેસીના વિશાળ મેદાન પર થયેલી રેલી આ વખતે આઝાદ મેદાનમાં થવાની છે.

આઝાદ મેદાન પર થનારી શિંદે જૂથની રેલીમાં મોટી સંખ્યામાં લોકોને ખેંચી લાવવાની જવાબદારી રાજ્યના શિંદે જૂથના પ્રધાનોને સોંપવામાં આવી છે. આ ઉપરાંત પાર્ટીના પદાધિકારીઓ અને જિલ્લા પ્રમુખોને પણ ગરદી ખેંચી લાવવાનો ટાસ્ક આપવામાં આવ્યો છે. દરેક પ્રધાને ઓછામાં ઓછા પાંચ હજાર લોકો લાવવાના છે, જેમાં લાવવામાં આવેલા લાકોને લાવવા- લઈ જવા, તેમના ખાવાની વ્યવસ્થા કરવી વગેરેનો સમાવેશ થાય છે. આઝાદ મેદાન પર તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.

ડબ્બાવાળાઓ ભાગ નહીં લે
મુંબઈ: આ વખતનો દશેરા મુંબઈ અને મહારાષ્ટ્રવાસીઓ માટે ખાસ રહેવાનો છે કારણ કે એક બાજું મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને ઉદ્વવ ઠાકરે દશેરાની રેલી યોજીને શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યા છે. મુંબઈના ડબ્બાવાળાઓએ ઉદ્વવ ઠાકરેના જૂથ દ્વારા આયોજિત કરવામાં આવેલા દશેરાની રેલીમાં સહભાગી ન થવાનો નિર્ણય લીધો હતો અને મરાઠા આરક્ષણ માટે મનોજ જરાંગે પાટીલ દ્વારા પોકારવામાં આવેલા
આંદોલનમાં સહભાગી થઈ રહ્યા હોવાને કારણે કોઈ પણ રાજકીય પક્ષના કાર્યક્રમમાં ભાગ નહીં લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનો મુંબઈ ડબાવાલા એસોસિએશનના અધ્યક્ષ સુભાષ તળેકરે જણાવ્યું હતું.

મોટાભાગના ડબાવાળા અને અમારો પરિવાર ઠાકરે જૂથની શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને પ્રમાણિક છીએ અને આ પછી પણ રહેશું. પરંતુ મરાઠા આરક્ષણની લડાઈને કારણે અને મનોજ જરાંગે પાટીલે સરકારને આપેલા અલ્ટીમેટમ જોતાં આ વર્ષે અમે ડબાવાળા શિવતીર્થ પર યોજાનારી સભામાં હાજરી આપીશું નહીં. પહેલાં મરાઠા આરક્ષણ અને બાદમાં પક્ષ એવી અમારી ભૂમિકા છે, એવું તળેકરે વધુમાં જણાવ્યું હતું.

વધુમાં તેમણે એવું પણ જણાવ્યું હતું કે મરાઠા આરક્ષણ આ મરાઠા જાતિની લડાઈ છે અને એ અમારે લડવી જ પડશે. હાલમાં આ લડાઈનું નેતૃત્વ મનોજ જરાંગે પાટીલ કરી રહ્યા છે. આ લડાઈમાં અમે એમની સાથે છીએ. અમને બાળાસાહેબ ઠાકરે, ઉદ્વ ઠાકરેનું નેતૃત્વ માન્ય હોવાને કારણે શિવતીર્થ પર યોજાનાર દશેરાની રેલીમાં અમે વાજતે-ગાજતે ગુલાલ ઉડાવતા જતા હતા. મુંબઈના ડબાવાળા શિવસેના હતા, છે અને રહેશે, પરંતુ મરાઠા આરક્ષણને કારણે આ વખતે સભામાં સહભાગી નહીં થઈએ, પરંતુ એને કારણે શિવસેના સાથેનો અમારો સંબંધ નથી બદલાઈ જતો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button