‘ઑફર’ના બીજે જ દિવસે ઉદ્ધવ-આદિત્ય મુખ્ય પ્રધાનને મળવા પહોંચ્યા: અફવાનું બજાર ગરમ
ત્રિ-ભાષા પદ્ધતિ અંગે હતી મુલાકાત એવું ઉદ્ધવના સૂત્રો કહે છે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શિવસેના (યુબીટી)ના નેતા ઉદ્ધવ ઠાકરેને વિધાન પરિષદમાં આપેલી ઓપન ઑફરના બીજા જ દિવસે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પુત્ર આદિત્યની સાથે મુખ્ય પ્રધાનને મળવા પહોંચ્યા હોવાથી રાજકીય વર્તુળોમાં અફવાનું બજાર ગરમ થઈ ગયું હતું.
ઠાકરે પિતા-પુત્ર વિધાન પરિષદના અધ્યક્ષ રામ શિંદેની ચેમ્બરમાં ફડણવીસને મળ્યા હતા અને લગભગ અડધા કલાક સુધી બંધ બારણે ચાલેલી આ મુલાકાતમાં શું ચર્ચા કરવામાં આવી તેની કોઈ વિગતો જાહેર કરવામાં આવી નથી.
બુધવારે, વિધાન પરિષદમાં વિરોધ પક્ષના નેતા અંબાદાસ દાનવેના વિદાય સમારંભમાં બોલતા, ફડણવીસે ઉદ્ધવ ઠાકરેને કહ્યું હતું કે ભાજપ તેમની સાથે વિરોધ પક્ષમાં જોડાય તેવી શક્યતા નથી, પરંતુ તેઓ સત્તા પક્ષમાં જોડાઈ શકે છે.
‘ઉદ્ધવજી, 2029 સુધી (સરકારમાં પરિવર્તનનો) કોઈ અવકાશ નથી. અમારી પાસે બીજા પક્ષમાં આવવાનો અવકાશ નથી. તમારી પાસે અહીં આવવાનો વિકલ્પ ઉપલબ્ધ છે અને તેના વિશે વિચારી શકાય છે. આપણે તેના વિશે અલગ રીતે વિચારી શકીએ છીએ,’ એમ ફડણવીસે કહ્યું હતું.
દરમિયાન સુત્રોએ એવો દાવો કર્યો હતો કે આ બેઠકમાં વિધાનસભામાં વિપક્ષી નેતાની નિયુક્તિ અને ત્રિ-ભાષા પદ્ધતિને રાજ્યમાં લાગુ કરવા સહિતના કેટલાક મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ઉદ્ધવ ઠાકરેએ રાજ્યની સ્કૂલોમાં પહેલા ધોરણથી ત્રિ-ભાષા પદ્ધતિ લાગુ કરવા સંબંધે વિવિધ પત્રકારો, તંત્રીઓ લખવામાં આવેલા લેખોનો સંગ્રહ મુખ્ય પ્રધાનને સુપ્રત કર્યો હતો.
આવી જ રીતે ઉદ્ધવ ઠાકરેએ મુખ્ય પ્રધાનને એક પુસ્તક આપ્યું હતું જેનું મથાળું હતું કે ‘વ્હાય ડુ વી નીડ હિન્દી?’ આ પુસ્તકમાં મહારાષ્ટ્રના વિવિધ તંત્રીઓ દ્વારા લખવામાં આવેલા ત્રિ-ભાષા પદ્ધતિ સંબંધે લખેલા લેખોનો સંગ્રહ છે. તેમણે એમપણ કહ્યું હતું કે આ પુસ્તકની એક નકલ ત્રિ-ભાષા પદ્ધતિની સમીક્ષા કરવા માટે રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત વિશેષ સમિતિના અધ્યક્ષ નરેન્દ્ર જાધવને પણ સોંપવામાં આવશે.
2019ની વિધાનસભા ચૂંટણી પછી મુખ્ય પ્રધાનપદની વહેંચણીના વિવાદને કારણે ઠાકરેના નેતૃત્વમાં અવિભાજિત શિવસેના ભાજપથી અલગ થઈ ગઈ હતી.