શિંદે-ફડણવીસ સરકારના બે વર્ષ: મુખ્ય પ્રધાને કહ્યું બાળ ઠાકરેના વિચારોની સરકાર
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિવસેનામાં ભંગાણ પડીને રાજ્યમાં આવેલી નવી સરકારને બે વર્ષ પૂરા થઈ ગયા છે તે પ્રસંગે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને જણાવ્યું હતું કે વર્તમાન સરકાર બાળ ઠાકરેના વિચારો પર ચાલે છે.
મુખ્ય પ્રધાને એક્સ પરની પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે વિચાર, વિકાસ અને વિશ્વાસ. તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં સામાન્ય લોકોની સરકાર આવીને રવિવારે બે વર્ષ પૂરા થયા છે. હિન્દુ હૃદયસમ્રાટ બાળ ઠાકરેના વિચાર, રાજ્યના વિકાસનો સંકલ્પ અને સામાન્ય નાગરિકોના વિશ્વાસને જોરે રાજ્યની મહાયુતિ સરકારે બે વર્ષની સફળ સફર પૂરી કરી છે.
આ પણ વાંચો: શિંદે સરકારે પોતાના કાર્યકાળમાં અર્થતંત્રને મજબૂત વિકાસ આપી પાટે ચડાવ્યું: મહારાષ્ટ્રના આર્થિક સર્વેનું તારણ
શિંદેએ કહ્યું હતું કે બે વર્ષના કાર્યકાળમાં દેશના સફળ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનું પીઠબળ મળ્યું હતું. નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, અજિત પવાર અને બધા જ સહકારીઓનો સાથ મળ્યો છે.
રાજ્યની જનતાએ ભારે પ્રેમ આપ્યો છે, શિવસૈનિકોએ સાથ આપ્યો છે અને મહાયુતિના ઘટક પક્ષોના સારા સમન્વયને કારણે જનતાના હિતના સેંકડો કામ માર્ગે લાગી શક્યા છે. રાજ્યમાં ખેડૂતો, મહેનતકશ લોકો, મહિલા, સિનિયર સિટીઝન્સ અને યુવાનોના ચહેરા પર સમાધાનનું સ્મિત લાવી શક્યા છીએ.
અમે લીધેલા નિર્ણયો પર રાજ્યની જનતાએ પણ વિશ્વાસની મહોર લગાવીને સાથ આપ્યો છે તે બાબતનો મને ગર્વ છે અને તેમાંથી નિર્માણ થયેલી જવાબદારીનું પણ ભાન છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં ‘મુખ્ય પ્રધાનની મારી લાડકી બહેન’ યોજના માટે આદેશ જારી
એકનાથ શિંદેએ કહ્યું હતું કે શિવસેનાપ્રમુખ બાળ ઠાકરે અને ધર્મવીર આનંદ દીધેના સંસ્કારને કારણે જ આ બધું શક્ય બન્યું છે. અમારે આ જ વિચારો અને સંસ્કાર લઈને આગામી દિવસોમાં પ્રગતિના પંથે આગળ વધવાનું છે. રાજ્યનો વિકાસ કરવાનો છે અને વિશ્ર્વાસમાં વધારો કરવાનો છે. છેલ્લા બે વર્ષમાં અમારી સાથે મક્કમતાથી રહેલા દરેક વ્યક્તિનું ઋણ વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો નથી. દરેક ઘટકનો અંત:કરણથી આભાર, જય હિંદ.