બે હજારના ડ્રાયફ્રૂટ્સ ત્રણ લાખ રૂપિયામાં પડ્યા!
થાણે: બે હજાર રૂપિયાના ડ્રાયફ્રૂટ્સ ઑનલાઈન મગાવવા જતાં પનવેલની મહિલાએ ત્રણ લાખથી વધુ રૂપિયા ગુમાવ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.
પોલીસ ફરિયાદ અનુસાર 54 વર્ષની ફરિયાદીએ 20 સપ્ટેમ્બરે ફેસબુક પર ડ્રાયફ્રૂટ્સ સ્ટોરની જાહેરખબર જોઈ હતી. જાહેરખબરમાં આપેલા નંબર પર ફરિયાદીએ સંપર્ક સાધતાં સામે છેડેથી શખસેે યુપીઆઈ આધારિત ઍપ પર રૂપિયા ચૂકવવા સંબંધી સૂચના આપી હતી.
શખસે આપેલી સૂચનાને મહિલા અનુસરી હતી. જોકે બાદમાં શખસે ટ્રાન્ઝેક્શન ફેલ થયું હોવાનું કહ્યું હતું. જોકે બાદમાં પોતાના બૅન્ક ખાતામાંથી ત્રણ લાખથી વધુની રકમની ઉચાપત કરવામાં આવી હોવાનું મહિલાના ધ્યાનમાં આવ્યું હતું.
રૂપિયા ગુમાવ્યા પછી મહિલાએ એ નંબર પર ફરી સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ફોન સ્વિચ ઑફ્ફ આવતો હતો. આ પ્રકરણે મહિલાની ફરિયાદને આધારે પનવેલ પોલીસે મંગળવારે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. (પીટીઆઈ)