ગુજરાતની બે વિદ્યાર્થિની સીએસની પરીક્ષામાં દેશના ટોપ-10 રેન્કમાં ઝળકી
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: સીએસ પ્રોફેશનલ અને એક્ઝિક્યુટિવની ડિસેમ્બરમાં લેવાયેલી પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ધ કંપની સેક્રેટરી ઓફ ઈન્ડિયા દ્વારા (આઈસીએસઆઈ) દ્વારા જાહેર કરાયેલા પરિણામમાં ગુજરાતની બે વિદ્યાર્થિની દેશના ટોપ-10માં ઝળકી છે. એક્ઝિક્યુટીવમાં વિરતી શાહ નામની વિદ્યાર્થિનીએ દેશમાં ત્રીજો ક્રમ મેળવ્યો છે જ્યારે ટિવન્કલ ગજજર નામની વિદ્યાર્થિનીએ
પ્રોફેશનલના પરિણામમાં દેશમાં સાતમો નંબર મેળવી રેન્કરની યાદીમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે.
ઈન્સ્ટિટયુટ દ્વારા જાહેર કરાયેલા પરિણામ મુજબ, પ્રોફ્શનલ કોર્સમાં રાજ્યનું મોડયુઅલ-1નું પરિણામ 19.50 ટકા, મોડયુઅલ-2નું 20.59 ટકા અને મોડયુઅલ-3નું 25.56 ટકા પરિણામ આવ્યું હતું. એક્ઝિક્યુટિવ પ્રોગ્રામના જૂના અને નવા કોર્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતનું જૂના કોર્સનું મોડયુઅલ-1નું 18.92 ટકા અને મોડયુઅલ-2નું 11.06 ટકા પરિણામ આવ્યું હતુ. જ્યારે નવા કોર્સનું ગ્રૂપ-1નું 12.79 ટકા અને ગ્રૂપ-2નું 10.31 ટકા પરિણામ જાહેર કરાયું હતું. બે વિદ્યાર્થિનીએ દેશના ટોપ-10ની યાદીમાં સ્થાન મેળવ્યું છે. અમદાવાદ ખાતે રહેતી ટિવન્કલ ગજજર પ્રોફેશનલમાં 499 માર્કસ સાથે ઓલ ઈન્ડિયામાં 7 અને અમદાવાદમાં પ્રથમ ક્રમે પાસ થઈ છે. આ સિવાય ભાવનગરની વિરતી શાહે એક્ઝિક્યુટીવ કોર્સમાં 473 માર્કસ સાથે સમગ્ર દેશમાં ત્રીજો રેન્ક મેળવ્યો છે.