આત્મહત્યા કે હત્યા? વિરારમાં બે વિદ્યાર્થીના 12 માળેથી પટકાતા મોત

વિરારઃ મુંબઈને અડીને આવેલા વિરાર ઉપનગરમાં એક ઈમારતના 12માં માળેથી પટકાતા બે વિદ્યાર્થીના મોત થયા છે. બન્નેએ એક સાથે આત્મહત્યા કરી છે કે આ હત્યા અથવા પછી અકસ્માતનો બનાવ છે, તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
વિરારના પશ્ચિમ અર્નાલા રસ્તા પર ઓલંડા પરિસરની એક ઈમારતનું બાંધકામ ચાલી રહ્યું હતું.
સોમવારે રાત્રે બે વિદ્યાર્થીએ આ ઈમારત પરથી કૂદીને આત્મહત્યા કરી હોવાની ઘટના ઘટી છે. આ ઘટનાની માહિતી મળતા જ અર્નાળા સાગરી પોલીસ સ્ટેશનનો સ્ટાફ તત્કાળ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને બન્ને વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા. બન્નએએ સાથે મળી આત્મહત્યા કરી હોવાનું પ્રથમ દૃષ્ટિએ જણાતું હોવાનું પોલીસે કહ્યું હતું. બન્ને યુવાન આ પરિસરમા ક્યાં કારણે આવ્યા હતા અને તેમણે આવું પગલું શા માટે ભર્યું તે અંગે પોલીસ પાસે કોઈ માહિતી નથી.
બન્ને પાસે મોબાઈલ ન હતો
આ બન્ને તરુણ પાસે મોબાઈલ ન હોવાથી પોલીસ માટે તપાસ અઘરી બની છે. બન્ને ટુ-વ્હીલર પર આવ્યા હતા અને નાલાસોપારામાં રહે છે, તેટલી માહિતી મળી છે. બન્ને યુવકમાં એક શ્યામ સનદ ઘોરાઈ(20) અને આદિત્ય રામસિંહ (21) હોવાનું જાણવા મળ્યું છે. બન્ને રાહુલ ઈન્ટરનેશનલ કોલેજમાં બણતા હોવાનું જાણવા મળ્યું છે.
જોકે આ બન્નેએ આત્મહત્યા કરી કે પછી અન્ય કોઈ ત્યાં હાજર હતા અને આ હત્યા છે કે શું તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. આ ઘટના બાદ ફરી અન્ડર કન્ટ્રક્શન ઈમારતોની સુરક્ષાનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. આવી ઈમારતોમાં ગુનાકીય પ્રવૃત્તિઓ થતી હોવાનું પણ જાણવા મળ્યું છે. મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં સેંકડો ઈમારત રિડેવલપમેન્ટમાં ગઈ છે ત્યારે આવી જગ્યાઓની સુરક્ષા પર પણ પોલીસે ધ્યાન આપાવની જરૂર છે.
આ પણ વાંચો…પરભણી-બીડમાં 6 ખેડૂતોની આત્મહત્યા, પરંતુ સરકારે હજુ કેન્દ્ર પાસેથી મદદ માગી નથી: એનસીપી (એસીપી)



