ન્યૂ ફિશ જેટ્ટી પર બોટના માલિક સહિત બે જણનાં ગેસને કારણે ગૂંગળામણથી મૃત્યુ
મુંબઈ: યલોગેટ પોલીસ સ્ટેશનની હદમાં જેટ્ટી પર આવેલી માછીમારી બોટના માલિક સહિત બે જણનાં ગેસને કારણે ગૂંગળામણથી મોત થયાં હતાં, જ્યારે બેભાન થયેલા અન્ય ત્રણને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
યલોગેટ પોલીસ સ્ટેશનની હદમાં ન્યૂ ફિશ જેટ્ટી પર સોમવારે મોડી રાતે બે વાગ્યાની આસપાસ અંજની પુત્ર નામની માછીમારી બોટને કિરણભાઇ ઇશ્વરભાઇ તાંડેલ લાવ્યો હતો.
મંગળવારે સવારના 11 વાગ્યે તાંડેલ માછલી કાઢવા માટે બોટમાં ઊતર્યો હતો ત્યારે ગેસને કારણે ગૂંગળામણથી તે બેભાન થઇ ગયો હતો. તેને જોવા માટે બીજો માછીમાર ગયો અને તે પણ બેભાન થયો હતો. આમ ગેસને કારણે ગૂંગળામણથી છ જણ બેભાન થયા હતા.
દરમિયાન તમામને સારવાર માટે જે. જે. હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, જ્યાં બોટના માલિક નાગા ડોન સંજય (27) અને શ્રીનિવાસ આનંદ યાદવને ડોક્ટરોએ તપાસીને મૃત જાહેર કર્યા હતા, જ્યારે સુરેશ નિમુના મેકલા (28) વેન્ટિલેટર પર છે અને બાકીના ત્રણ જણની તબિયત સ્થિત છે, એમ ડોક્ટરોએ જણાવ્યું હતું.
મૃત્યુ પામેલા બંને જણ આંધ્ર પ્રદેશના વતની હોઇ તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા બાદ પોલીસે આ પ્રકરણે એડીઆર દાખલ કર્યો હતો.