આમચી મુંબઈ

કાંદિવલીની આગમાં બાળક સહિત બેનાં મોત

ફરી ફાયર સેફ્ટી સિસ્ટમની મોકાણ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કાંદીવલી (પશ્ર્ચિમ)માં આવેલી ગ્રાઉન્ડ પ્લસ આઠ માળની ઈમારતમાં સોમવારે બપોરે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગમાં આઠ વર્ષના બાળક સહિત બેના મૃત્યુ થયા હતા. તો ત્રણ લોકો ગંભીર રીતે જખમી થયા હતા. આ ઈમારતમાં ફાયર સૅફટી સિસ્ટમ કામ કરતી ન હોવાને કારણે આગ બુઝાવવાની કામગીરીમાં વિલંબ થયો હોવાનું ફાયરબ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું.
કાંદીવલીમાં સાઈ બાબા નગરમાં આવેલી ગ્રાઉન્ડ પ્લસ આઠ માળની વીણા સંતુર કૉ-ઑપરેટીવ હાઉસિંગ સોસાયટીના પહેલા માળે આવેલા ફ્લેટમાં સોમવારે બપોરના ૧૨.૨૭ વાગે અચાનક આગ ફાટી નીકળી હતી. આગ ઝડપભેર ઈલેક્ટ્રિક વાયરિંગ અને ઈન્સ્ટોલેશનમાં ફેલાઈ ગઈ હતી. ઘટના સ્થળે ફાયરબ્રિગેડના ચાર ફાયર ઍન્જિન પહોંચી ગયા હતા અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.

આગ ઝડપભેર ફેલાઈને ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ફાયરબ્રિગેડે આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. આ દરમિયાન બિલ્િંડગમાં ફસાયેલા અનેક રહેવાસીને ફાયરબ્રિગેડે બહાર કાઢયા હતા. બિલ્ડિંગની ફાયર ફાઈટિંગ સિસ્ટમ કામ કરતી ન હોવાને કારણે આગ ઝડપભેર ફેલાઈ હતી અને જેને નિયંત્રણમાં લાવવામાં ખાસ્સો એવો સમય ગયો હતો.
સાંજે લગભગ ૪.૩૪ વાગે આગ પર નિયંત્રણમાં આવી હતી. જોકે કુલિંગ ઑપરેશન મોડે સુધી ચાલુ રહ્યું હતું. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું. પરંતુ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આગમાં બિલ્િંડગના પાંચ રહેવાસી જખમી થયા હતા, તેમને નજીક આવેલી શતાબ્દી હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ફરજ પર હાજર રહેલા ડૉકટરે આઠ વર્ષના બાળક જોસુ જેમ્સ રોબર્ટ અને ૪૩ વર્ષની મહિલા ગ્લોરી વાલફટીને મૃત જાહેર કર્યા હતા. તો ૪૦ વર્ષની લક્ષમી બુરા, ૨૪ વર્ષની રાજેશ્ર્વરી ભરતારે અને ૭૬ વર્ષના રંજન સુબોધ શાહ પર સારવાર ચાલી રહી છે, જેમાં રાજેશ્ર્વરી ભરતારે ૧૦૦ ટકા દાઝી ગયા હતા. તો બાકીના બંને ૪૦થી ૫૦ ટકા દાઝી ગયા હતા.

૧૧૯ બિલ્િંડગને નોટિસ

થોડા સમય પહેલા ગોરેગામમાં આવેલી એસઆરએ બિલ્ડિંગમાં લાગેલી આગમાં આઠ જણાનો ભોગ લેવાયો હતો. એસઆરએ બિલ્ડિંગમાં ફાયર સેફટી સિસ્ટમ સહિત અનેક સુવિધાઓ અભાવ જણાઈ આવ્યો હતો. આ દરમિયાન મુંબઈ મહાનગરપાલિકા પ્રશાસન તરફથી આદેશ આવ્યા બાદ ફાયરબ્રિગેડ દ્વારા ચારથી પાંચ દિવસ સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી, જેમાં ૪૬૨ બિલ્િંડગનું ઈન્સ્પેક્શન કરવામાં આવ્યુ હતું. ઈન્સપેક્શન બાદ ૧૧૯ બિલ્ડિંગમાં ફાયર સૅફટી સિસ્ટમ ન હોવાનું જણાઈ આવ્યું હતું. તેથી આ ઈમારતોને નોટિસ ફટકારવામાં આવી છે.

બિલ્ડિંગને નોટિસ ફટકારાશે
મુંબઈ ફાયરબ્રિગેડના ચીફ ફાયર ઑફિસર રવિન્દ્ર આંબુલકરે ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે આ ઈમારતની ફાયર સૅફટી સિસ્ટમ કામ કરતી નહોતી. તેથી નિયમ મુજબ ઈમારતને નોટિસ ફટકારવામાં આવશે. મુંબઈમાં બહુમાળીય ઈમારતોમાં આગના બનાવ બનતા હોય છે અને મોટાભાગના કેસમાં ઈમારતમાં ફાયર સૅફટી સિસ્ટમ બેસાડવામાં આવી ન હોવાનું
અથવા તો કામ કરતી ન હોવાનું જણાઈ આવ્યું છે. ફાયર સૅફટી સિસ્ટમ બરોબર કામ કરે છે કે તેની જવાબદારી હાઉસિંગ સોસાયટીની હોય છે. ફાયરબ્રિગેડ દ્વારા ગમે ત્યારે મુંબઈના જુદા જુદા વિસ્તારોમાં આવેલી ઈમારતોનું ઈન્સ્પેકશન કરવામાં આવી રહ્યું છે. પરંતુ ફાયરબિગ્રેડ પાસે માંડ ૧૫૦ ઓફિસરો છે, તેઓ માટે બધી જગ્યાએ પહોંચી વળવું શક્ય નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button