હાર્બર લાઈનની ટ્રેન સેવા ૩ કલાકથી વધુ સમય માટે ખોરવાઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં શનિવારે બે જુદા જુદા વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ લાગી હોવાનો બનાવ બન્યો હતો, જેમાં બોરીવલી પશ્ચિમના ગણપત પાટીલ નગરની ઝૂંપડપટ્ટીમાં આવેલા ભંગારના ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી. તો બીજો આગનો બનાવ ધારાવીમાં બન્યો હતો, જેમાં ઝૂંપડાઓ બળીને ખાખ થવાની સાથે જ હાર્બર લાઈનમાંં બાન્દ્રા અને માહિમ વચ્ચે ટ્રેન સેવા ત્રણ કલાકથી પણ વધુ સમય માટે ખોરવાઈ ગઈ હતી. સદ્નસીબે આગની બંને દુર્ઘટનામાં કોઈ જખમી થયું નહોતું.
શનિવારે બપોરે ૧૨.૩૦ વાગ્યાની આસપાસ ધારાવીમાં સીકસ્ટી ફૂટ રોડ પર રેલવે ફાટકને અડીને આવેલા નવરંગ ક્મ્પાઉન્ડમાં ગ્રાઉન્ડ પ્લસ એક માળના ઝૂંપડામાં બપોરના ૧૨.૩૦ વાગ્યાની આસપાસ આગ ફાટી નીકળી હતી. મુંબઈ ફાયરબ્રિગેડના છ ફાયર એન્જિન, બે ફાયર ટેન્કર, ૧૦ જમ્બો ટેન્કર, બે ક્વિક રિસ્પોન્સ વ્હિકલ, આર્ટિક્યુલેટિંગ વોટર ટાવર સહિત ફાયરબ્રિગેડના અનેક ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યા બાદ અહીં મોટા પ્રમાણમાં ઝૂંપડા હોવાની સાથે જ બાજુમાંથી રેલવે પાટા જતા હોવાને કારણે આગને બે નંબર (મોટી આગ) જાહેર કરવામાં આવી હતી.
પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ આગમાં પ્લાસ્ટિકના ભંગારનો સંગ્રહ કરી રાખેલા ૧૦થી ૧૫ ગોદામને નુકસાન થયું હતું. ત્રણ કમર્શિયલ સિલિન્ડર પણ ફાટ્યા હતા. આગ લાગવાનુંં ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું. એ બાબતે તપાસ ચાલી રહી છે. સિલિન્ડર વિસ્ફોટથી સ્થાનિક રહેવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો અને એ બાદ વિસ્તારને કોર્ડન કરી લેવાયો હતો.
સ્થાનિક રહેવાસીના જણાવ્યા મુજબ ઝૂંપડામાં મોટા પ્રમાણમાં ભંગારનો સામાન હતો અને તેને કારણે આગ ઝડપથી આજુબાજુના ઝૂંપડામાં પણ ફેલાઈ હતી. એ બાદ અહીં સિલિન્ડર સ્ફોટ પણ થયો હતો. સદ્નસીબે ફાયરબ્રિગેડે આગ પર નિયંત્રણ મેળવી લીધું હતું અને તેને કારણે મોટી જાનહાનિ ટળી હતી પણ આગને કારણે ભંગારની દુકાનની આજુબાજુ આવેલા ઝૂંપડાઓમાં પણ આગમાં ખાખ થઈ ગયા હતા.
વેસ્ટર્ન રેલવેના પબ્લિક રિલેશન ઓફિસરે જણાવ્યું હતું કે રેલવે પાટા નજીક આવેલી ઝૂંપડપટ્ટીમાં લાગેલી આગને પગલે બાન્દ્રા અને માહિમ વચ્ચેની હાર્બર લાઈન પર છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ તરફની લોકલ ટ્રેન સેવા બપોરના ૧૨.૪૩ વાગ્યાથી સુરક્ષાની દૃષ્ટિએ બંધ કરી દેવામાં આવી હતી.
ફાયરબ્રિગેડના ભારે પ્રયાસ બાદ બપોરના ૩.૩૦ વાગ્યાની આસપાસ આગ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી. જોકે અનેક ઝૂંપડાઓ આગમાં ખાખ થઈ ગયા હતા. સદ્નસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. સેન્ટ્રલ રેલવેના પબ્લિક રિલેશન ઓફિસરે જણાવ્યું હતું કે અપ હાર્બર લાઈનમાં માહિમ અને બાન્દ્રામાં પૂર્વ તરફમાં ઝૂંપડાને આગ લાગી હોવાથી સુરક્ષાની દૃષ્ટિએ ઓવરહેડ ઈક્વિપમેન્ટને મળતી ઈલેક્ટ્રિક સપ્લાય બંધ કરી દેવામાં આવી હતી. તેથી ટ્રેન બંધ થઈ ગઈ હતી. આગ નિયંત્રણમાં આવ્યા બાદ રેલવે સેવા ૩.૩૪ વાગે પૂર્વવત્ થઈ હતી. આ દરમ્યાન અનેક ટ્રેનની ફેરી રદ થઈ હતી અને રેલવે સેવા પૂર્વવત્ થયા બાદ પણ ટ્રેનો મોડી દોડી રહી હતી.
આ દરમ્યાન સાંજના ૫.૩૦ વાગ્યાની આસપાસ બોરીવલી પશ્ર્ચિમમાં આઈસી કોલોનીમાં ગણપત નગરમાં ઝૂંપડા રહેલા ભંગારના ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી. ૫.૩૭ વાગે આગને બે નંબરની જાહેર કરવામાં આવી હતી. મોડેથી આગ પર નિયંત્રણ મેળવવામાં આવ્યું હતું. સદ્નસીબે આગમાં કોઈ જખમી થયું નહોતું.
આપણ વાંચો: મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નવી પેટર્ન! ભાજપના દિગ્ગજ નેતાઓના પરિવારની ‘બિનહરીફ જીત’



