આઇટીડીપીના બે કર્મચારીની લાંચના કેસમાં ધરપકડ

થાણે: થાણે જિલ્લામાં લાંચ લેવા પ્રકરણે એન્ટિ-કરપ્શન બ્યૂરો (એસીબી)એ સરકાર સંચાલિત ઇન્ટિગ્રેટેડ ટ્રાઇબલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ (આઇટીડીપી)ના બે કર્મચારીની ધરપકડ કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
એસીબીના થાણે યુનિટમાં ફરિયાદ નોંધાવવામાં આવ્યા બાદ ગુરુવારે સિનિયર ક્લર્ક હરિશ મરાઠે (47) અને જુનિયર ક્લર્ક હેમંત કિરપાન (39)ની ધરપકડ કરાઇ હતી.
આ પણ વાંચો: લેન્ડ રૅકોર્ડ વિભાગના અધિકારી, કર્મચારીની લાંચના કેસમાં ધરપકડ
ફરિયાદીની માતાના મેડિકલ બિલ સંબંધી પ્રક્રિયા શરૂ કરવા માટે બંને કર્મચારીએ લાંચ માગી હતી. તેમણે 23 હજાર રૂપિયાની માગણી કરી હતી, પણ તડજોડને અંતે તેઓ પંદર હજાર સ્વીકારવા તૈયાર થયા હતા, એવો ફરિયાદીએ દાવો કર્યો હતો.
ફરિયાદીએ આ પ્રકરણે એસીબીનો સંપર્ક સાધ્યા બાદ અધિકારીઓ દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું અને હરિશ મરાઠે વતી લાંચ લેવા આવેલા હેમંત કિરપાનને પકડી પાડવામાં આવ્યો હતો. બંને જણ સામે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, એમ એસીબીના અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)