થાણેમાં સિલિન્ડરમાં ગળતર થવાથી લાગેલી આગમાં બે જખમી
(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણે જિલ્લાના દિવા (પૂર્વ)માં આવેલી એક ઈમારતના ફ્લેટમાં સિલિન્ડરમાં થઈ રહેલા ગળતરને પગલે ફાટી નીકળેલી આગમાં બે લોકો ભારે માત્રામાં દાઝી ગયા હતા. બન્નેથી હાલત નાજુક હોવાથી મોડેથી તેમને પરેલમાં આવેલી કે.ઈ.એમ. હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. થાણે ડિઝાસ્ટર મૅનેજમેન્ટના અધિકારી યાસીન તડવીના જણાવ્યા મુજબ દિવા (પૂર્વ)માં સાબેગાવમાં વિઠ્ઠલ મંદિર નજીક સીતાબાઈ નિવાસ નામની ઈમારત આવેલી છે. બુધવારે મોડી રાતના ફ્લેટ નંબર ૪૦૨માં સિલિન્ડરમાં ગળતર થવાથી ભડકો થઈને આગ ફાટી નીકળી હતી. આગને પગલે પોલીસ સહિત ફાયરબ્રિગેડ ઘટના સ્થળે તુરંત પહોંચી ગઈ હતી.
ઘાયલોને તુરંત કલવામાં આવેલી છત્રપતિ શિવાજી મહારાજ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જખમીઓમાં ૪૦ વર્ષની પ્રેરણા શ્રીરામ લાંબે ૧૦૦ ટકા દાઝી ગઈ હતી. તો તેની પડોશમાં રહેતા ૪૫ વર્ષના શાંતિલાલ મોહન સોલંકી પણ ૧૦૦ ટકા દાઝેલી હાલતમાં મળી આવ્યા હતા. બંનેની હાલત ગંભીર હોવાથી મોડેથી તેમને કે.ઈ.એમ. હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.