ફ્લાઈટમાં ગેરવર્તન અને સ્મોકિંગ પ્રકરણે મહિલા સહિત બે સામે ગુનો
મુંબઈ: ફ્લાઈટમાં બે અલગ અલગ ઘટનામાં કૅબિન ક્રૂ સાથે ગેરવર્તન અને ટૉઈલેટમાં સિગારેટ ફૂંકવા બદલ પોલીસે મહિલા સહિત બે જણ સામે ગુનો નોંધ્યો હતો.
અધિકારીના જણાવ્યા મુજબ સ્મોકિંગની ઘટના બુધવારે સાંજે બની હતી. દિલ્હી ઍરપોર્ટથી 176 પ્રવાસી સાથે મુંબઈ આવવા ઊડેલા વિમાનમાં પ્રવાસી ખલિલ કજામ્મુલ ખાન (38) ટૉઈલેટમાં ગયો હતો. ઉત્તર પ્રદેશનો વતની ખાન ટૉઈલેટમાં સિગારેટ ફૂંકતો હતો ત્યારે કૅબિન ક્રૂનું ધ્યાન ટૉઈલેટમાંથી આવતા ધુમાડા તરફ ગયું હતું.
ખાન ટૉઈલેટમાંથી બહાર આવ્યા પછી ક્રૂ સભ્યોએ તપાસ કરતાં દીવાસળી અને સિગારેટનું ઠૂંઠું મળી આવ્યા હતા. આ પ્રકરણે ખાનને પૂછતાં તેણે સિગારેટ ફૂંકવાની વાતને કબૂલી હતી. વિમાન મુંબઈ પહોંચ્યા પછી ખાન વિરુદ્ધ સહાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી.
આ પણ વાંચો : દક્ષિણ મુંબઈમાં રૂ. 3.98 કરોડનો સાયબર ફ્રોડ: દુબઇના ઓપરેટરની કેરળથી ધરપકડ
બીજી ઘટનામાં સોમવારે વારાણસીથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટમાં સીટને મામલે મહિલાએ કૅબિન ક્રૂ સાથે કથિત ગેરવર્તન કર્યું હતું. વારાણસીથી 29 મિનિટ મોડી ફ્લાઈટ ઊડી હતી. મહિલા 9 નંબરની સીટ પર બેઠી હતી. તેને સીટ બદલવાનું કહેવામાં આવતાં મહિલા વીફરી હતી. ટૉઈલેટમાં જઈને તેણે ક્રૂ સભ્યો માટે અપશબ્દો બોલી ગેરવર્તન કર્યું હતું.
શરૂઆતમાં મહિલાના વર્તન તરફ આંખ આડા કાન કરવામાં આવ્યા હતા. જોકે ગેરવર્તન કરવાનું ચાલુ રાખનારી મહિલાને ફ્લાઈટ મુંબઈ પહોંચ્યા પછી સહાર પોલીસના તાબામાં સોંપાઈ હતી. પોલીસે મહિલા વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. (પીટીઆઈ)
થિરુવનંતપુરમ-મુંબઈ ફ્લાઈટમાં બૉમ્બની ધમકી
મુંબઈ: વિસ્તારાની થિરુવનંતપુરમ-મુંબઈ ફ્લાઈટમાં બૉમ્બની ધમકીને પગલે સઘન તપાસ હાથ ધરાઈ હતી. સહાર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે શુક્રવારે ક્રૂ સભ્યને એક ચિઠ્ઠી મળી હતી, જેમાં ફ્લાઈટમાં બૉમ્બ હોવાનું લખવામાં આવ્યું હતું. ફ્લાઈટ બપોરે 3.15 વાગ્યે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પર લૅન્ડ થઈ ત્યારે આ અંગે પોલીસને જાણ કરાઈ હતી. બૉમ્બની ધમકીની જાણ મુસાફરોને કરવામાં આવ્યા પછી તેમના સામાનની પણ તપાસ કરાઈ હતી. જોકે શંકાસ્પદ કોઈ વસ્તુ મળી નહોતી. આ પ્રકરણે પોલીસ વધુ તપાસ કરી રહી છે. (પીટીઆઈ)